Get The App

ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
Donald Trump Iran Troop Deployment


(IMAGE - IANS)

Donald Trump Iran Troop Deployment: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં અમેરિકન સૈનિકોની તૈનાતીમાં અંગત રીતે રસ દાખવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે પોતાના નજીકના સાથીઓ અને રિપબ્લિકન નેતાઓ સાથે આ વિષય પર ગંભીર ચર્ચા કરી છે. જોકે, આ યોજના કોઈ મોટા આક્રમણ માટે નહીં, પરંતુ ચોક્કસ વ્યૂહાત્મક મિશન માટે મર્યાદિત સંખ્યામાં સૈનિકો મોકલવા પર કેન્દ્રિત હોઈ શકે છે. ટ્રમ્પે યુદ્ધ પછીના ઈરાન માટે પણ એક સંભવિત યોજના રજૂ કરી છે, જેમાં ઈરાનના યુરેનિયમ ભંડારને સુરક્ષિત કરવા અને નવી ઈરાની સરકાર સાથે તેલ ઉત્પાદનમાં સહયોગ કરવાનો સમાવેશ થાય છે.

વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા તમામ વિકલ્પો ખુલ્લા રાખે છે. હાલમાં કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ જો જરૂર પડશે તો ગ્રાઉન્ડ ફોર્સ મોકલવાનો વિકલ્પ પણ નકારી શકાય તેમ નથી. બીજી તરફ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સૈન્ય અભિયાનમાં અત્યાર સુધીમાં ઈરાનના 3,000થી વધુ લક્ષ્યો પર હુમલા કરવામાં આવ્યા છે અને 43 જેટલા ઈરાની જહાજોને નષ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: LIVE : 80 ફાઈટર જેટ સાથે ઈઝરાયલે રાતભર ઈરાનને હચમચાવ્યું, આજે અમેરિકા કરશે સૌથી મોટો હુમલો!

ઈરાનનો વળતો પ્રહાર

ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા 28 ફેબ્રુઆરીથી ઈરાન પર મોટા હુમલાઓ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં આયતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો માર્યા ગયા છે. આ હુમલાના જવાબમાં ઈરાને પણ અમેરિકન ઠેકાણાઓ અને ઈઝરાયલ પર મિસાઇલ અને ડ્રોન હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો દેશ યુદ્ધવિરામની માંગ કરી રહ્યો નથી અને તેમને વોશિંગ્ટન સાથે વાતચીત કરવાનું કોઈ કારણ દેખાતું નથી. આ સ્થિતિને જોતાં આગામી દિવસોમાં સંઘર્ષ વધુ ઉગ્ર બનવાના એંધાણ છે.

ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર 2 - image