Get The App

LIVE : ઈરાનની હાલત ગાઝા જેવી કરી નાખવાના મૂડમાં અમેરિકા-ઈઝરાયલ, 80 ફાઈટર જેટ સાથે ઈઝરાયલે રાતભર ઈરાનને હચમચાવ્યું

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
LIVE : ઈરાનની હાલત ગાઝા જેવી કરી નાખવાના મૂડમાં અમેરિકા-ઈઝરાયલ, 80 ફાઈટર જેટ સાથે ઈઝરાયલે રાતભર ઈરાનને હચમચાવ્યું 1 - image

Iran vs Israel-USA War Updates : મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકાની સૌથી સુરક્ષિત ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ THAAD (થાડ) ને નિશાન બનાવી છે. જોર્ડન, સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) માં આવેલા અમેરિકન રડાર બેઝ પર ઈરાને સચોટ હુમલા કરીને અમેરિકાના 'સંરક્ષણ કવચ' માં ગાબડું પાડ્યું છે.

Iran vs Israel-USA War LIVE Updates

ઈરાનની હાલત ગાઝા જેવી કરી નાખવાના અમેરિકા-ઈઝરાયલના ઈરાદા 

ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટી (Iranian Red Crescent Society) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 28 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓમાં આશરે 6,668 નાગરિક એકમો (Civilian Units) ને નિશાન બનાવવામાં આવ્યા છે.

ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આ હુમલાઓમાં નીચે મુજબના સ્થળોને નુકસાન પહોંચ્યું છે:

5,535 રહેણાંક મકાનો

1,041 વ્યાપારી એકમો (દુકાનો અને વ્યવસાયો)

14 તબીબી કેન્દ્રો (હોસ્પિટલો અને ક્લિનિક્સ)

65 શાળાઓ

13 ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટી સાથે જોડાયેલા કેન્દ્રો

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, આ હુમલાઓ દરમિયાન બચાવ અને રાહત કાર્યમાં વપરાતા અનેક વાહનોને પણ નુકસાન થયું છે. આટલું જ નહીં, જ્યારે રેડ ક્રેસન્ટના કર્મચારીઓ બચાવ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે તેમના પર પણ હુમલા થયા હતા જેમાં અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઈલ ટેન્કર પર હુમલો 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવેશવા જતાં ઓઈલ ટેન્કર પર હુમલો કરાયાના અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સનું કહેવું છે કે અમે ઈરાનનો આદેશ માનવાનો ઈનકાર કર્યો હતો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવેશ ના કરતા. આદેશની અવગણના બાદ અમારા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. 

વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું - અમેરિકા ઈરાનનું બધું ઓઈલ જપ્ત કરી લેશે 

વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે જ્યારે અમેરિકા ઈરાન સામે યુદ્ધ જીતી જશે ત્યારે તેનું તમામ ઓઈલ જપ્ત કરી લેશે. 

દુબઈ એરપોર્ટ ઠપ, ડ્રોન હુમલા બાદ નિર્ણય 

દુબઈ એરપોર્ટ પર ભયાનક ડ્રોન હુમલા બાદથી તમામ ફ્લાઈટોનું સંચાલન અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


ઈરાનના રાષ્ટ્રપતિએ પાડોશી દેશોની માફી માગી 

ઈરાન અને તેના પાડોશી દેશો વચ્ચેના તણાવમાં એક અત્યંત નાટ્યાત્મક વળાંક આવ્યો છે. દોહા (કતાર) થી મળી રહેલા અહેવાલો મુજબ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન દ્વારા પાડોશી આરબ દેશો પર થયેલા હુમલાઓ બદલ માફી માંગવામાં આવી હતી અને એવી ખાતરી આપી હતી કે તેમનો ઈરાદો પાડોશી દેશો પર હુમલો કરવાનો નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તેમના પર હુમલો કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પાડોશી દેશો તરફ મિસાઈલ નહીં છોડવા માટે સંમત થયા છે. એવી ચર્ચા છે કે ઈરાનના રાષ્ટ્રપતિએ પુતિન સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય લીધો હતો. આ સાથે તેમણે અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દેતા કહ્યું હતું કે જે લોકો ઈરાન દ્વારા આત્મસમર્પણનું સપનું જોઈ રહ્યા છે. તે આ સપનું જોતા જોતા કબરોમાં જતા રહેશે. 

કુવૈત-યુએઈમાં ઈરાને મચાવી તબાહી 

ઈરાનની આઈઆરજીસીએ જણાવ્યું હતું કે મોટાપાયે ઓપરેશન ચલાવીને કુવૈત અને યુએઈમાં રડાર સિસ્ટમ, ફ્યુલ સ્ટોરેજ ફેસિલિટી અને રનવે પર મિસાઈલ અને ડ્રોનનો મારો ચલાવીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. IRGC એ કહ્યું કે અમે નવી જનરેશનની મિસાઈલ અને ડ્રોન વડે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. 

ઈરાન પર ઈઝરાયલનો પ્રચંડ પ્રહાર: 80 થી વધુ ફાઈટર જેટ્સ ત્રાટક્યા

ઈઝરાયલ વાયુસેનાના 80 થી વધુ ફાઈટર જેટ્સે ઈરાનની રાજધાની તેહરાન અને મધ્ય ઈરાનમાં આવેલા સૈન્ય મથકો પર ભારે હુમલો કર્યો છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાન શાસનના સૈન્ય માળખાને તોડી પાડવાનો હતો.

ક્યાં ક્યાં કર્યા હુમલા? 

IRGC ઇમામ હુસૈન મિલિટરી યુનિવર્સિટી: આ યુનિવર્સિટીનો ઉપયોગ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના અધિકારીઓની તાલીમ અને સૈન્ય એસેમ્બલી માટે થતો હતો, જેને નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

બેલેસ્ટિક મિસાઈલ સ્ટોરેજ: ઈરાનના અત્યાધુનિક બેલેસ્ટિક મિસાઈલો જ્યાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા તે ડેપો પર હુમલો કરાયો છે.

અંડરગ્રાઉન્ડ મિસાઈલ કમાન્ડ: જમીનની અંદર આવેલા મિસાઈલ કંટ્રોલ સેન્ટરો અને કમાન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવામાં આવ્યું છે.

મિસાઈલ લોન્ચ સાઇટ્સ: પશ્ચિમ અને મધ્ય ઈરાનમાં આવેલા તે લોન્ચિંગ પેડ્સને તોડી પાડવામાં આવ્યા છે જેનો ઉપયોગ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે થવાનો હતો.


ઈરાનની મિસાઇલોથી તેલ અવીવનું આકાશ ભરાયું 


'ઈરાન પર આજની રાત ભારે, સૌથી મોટો હુમલો કરીશું' : અમેરિકાના નાણા મંત્રીની ધમકી 

અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર સંયુક્ત હુમલાનો દોર હજુ યથાવત્ છે. ત્યારે ઈરાન પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને વધુ તેજ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટે કહ્યું કે આજે રાતે ઈરાનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરીશું. સચિવ હેગસેથ, જનરલ કેન અને પ્રમુખ ટ્રમ્પે પણ આ વાત કહી હતી. આજે અમેરિકા ઈરાની મિસાઇલ લોન્ચર, મિસાઈલ બનાવતી ફેક્ટરીને ટારગેટ કરવાની તૈયારીમાં છે. 

મધ્યપૂર્વમાં ત્રીજું એરક્રાફ્ટ કેરિયર મોકલશે અમેરિકા 

અમેરિકાના મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકન સૈન્ય મિડલ ઈસ્ટમાં ત્રીજું એરક્રાફ્ટ કેરિયર પણ મોકલવાની તૈયારીમાં છે. જેનાથી યુદ્ધ વધુ ભડકી શકે છે. 

અમેરિકા-ઈઝરાયલને ઈરાનનો ખુલ્લો પડકાર 

બીજી બાજુ ઇરાને અમેરિકા અને ઈઝરાયલને ઓપન ચેલેન્જ કરી છે કે તાકાત હોય તો ઓઈલ ટેન્કરોને અમેરિકાના યુદ્ધજહાજોની સુરક્ષા હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાંથી પસાર કરી બતાવો. 

યુદ્ધ વચ્ચે ઈરાનમાં ફરી 4.1 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક તર્ક-વિતર્ક

યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS)ના અહેવાલ અનુસાર શનિવારે ઈરાનના નટીય શહેર બંદર અબ્બાસના પશ્ચિમ ક્ષેત્રમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના લીધે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સાથે ફરી એકવાર અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. 


ઓપરેશન એપિક ફ્યુરી : અમેરિકાએ એક અઠવાડિયામાં 3000 ટારગેટ પર હુમલા કર્યા 

અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી વિશે એક અઠવાડિયાની કાર્યવાહીની વિગતો જાહેર કરતાં એક વીડિયો શેર કર્યો છે. તેની સાથે કેપ્શનમાં દાવો કર્યો છે કે અમે ઈરાનમાં એક અઠવાડિયાની કાર્યવાહી દરમિયાન 3000થી વધુ ટારગેટ પર હુમલા કર્યા હતા. 



રેઝા પહેલવીનો દાવો - ઈરાનના લોકોએ મને નેતૃત્વ કરવા કહ્યું 

ઈરાનના છેલ્લા રાજાના દીકરા અને દેશનિકાલનો સામનો કરી રહેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીએ એક વીડિયો મેસેજમાં દાવો કર્યો હતો કે ઈરાનની પ્રજાએ મને દેશનું નેતૃત્વ કરવા કહ્યું છે. ઈરાનની પ્રજાએ એ જનાદેશ સ્વીકારી લીધો છે જે મને ઈસ્લામિક ગણરાજ્યના પતન બાદ દેશનું નેતૃત્વ કરવા માટે અપાયો હતો. પાંચ દાયકાથી ક્ષેત્રમાં રક્તપાત અને અરાજકતા ફેલાયેલી હતી જે હવે સમાપ્ત થવી જોઇએ. 


જોર્ડન: અડધો અબજ ડોલરનું રડાર રાખ થઈ ગયું

જોર્ડનના મુવફ્ફાક સાલ્તી એર બેઝની સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે કે અમેરિકન  THAAD બેટરીનું અત્યંત આધુનિક AN/TPY-2 રડાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ એક રડારની કિંમત અંદાજે અડધો અબજ ડોલર (આશરે 4,000 કરોડ રૂપિયા) છે. તસવીરોમાં રડારની આસપાસ મોટા ખાડા અને કાળો ધુમાડો સ્પષ્ટ દેખાય છે.


સાઉદી અરબમાં સુલતાન એરબેઝ પર મિસાઈલ હુમલાનો ભયાનક દૃશ્ય 


સાઉદી અરેબિયા: પ્રિન્સ સુલતાન એર બેઝ પર ધુમાડાના ગોટા

સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ પાસે પણ ઈરાની હુમલાના નિશાન મળ્યા છે. 1 માર્ચની સેટેલાઇટ તસવીરોમાં રડાર સાઇટ પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અહીં રડાર સિસ્ટમને સુરક્ષિત રાખતો ટેન્ટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે અને કાટમાળ વિખરાયેલો પડ્યો છે.

UAE: રૂવૈસ અને સાદરમાં સચોટ સ્ટ્રાઈક

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રૂવૈસ અને સાદરમાં આવેલી સૈન્ય છાવણીઓ પર પણ હુમલા થયા છે. સેટેલાઇટ એનાલિસિસ મુજબ, THAAD રડાર સ્ટોર કરવા માટે વપરાતા ખાસ વ્હીકલ શેડ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. બંને સ્થળોએ હુમલાની પેટર્ન લગભગ સમાન છે, જે ઈરાનની સચોટ મિસાઈલ ક્ષમતા દર્શાવે છે.

અમેરિકા માટે મોટું સૈન્ય નુકસાન

રક્ષણ નિષ્ણાતોના મતે, આ રડાર સિસ્ટમ THAAD નો સૌથી મહત્વનો હિસ્સો છે. તેના વિના આખી મિસાઈલ ઈન્ટરસેપ્ટર સિસ્ટમ નકામી બની જાય છે. સમગ્ર વિશ્વમાં અમેરિકા પાસે આવી માત્ર 8 બેટરીઓ છે, જેમાંથી 3 દેશોમાં રડારને નુકસાન થવું એ અમેરિકન સેના માટે બહુ મોટો ઝટકો છે.