World

‘ટ્રમ્પ ખોટું બોલ્યા, હોર્મુઝમાં પ્રતિબંધ લાગુ જ રહેશે’ ઈરાનની ધમકી

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના યુદ્ધ સમાપ્તિ પ્રસ્તાવ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઈરાને જણાવ્યું કે, અમેરિકી સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો લાગુ જ રહેશે. IRGC નેવીની મંજૂરી વિના એકપણ જહાજ આગળ નહીં જાય. ઈરાને ટ્રમ્પના પ્રસ્તાવને 'ન તો હેરાન કે ન તો શાંત' કહી ફગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ટ્રમ્પ ખોટું બોલ્યા, હોર્મુઝમાં પ્રતિબંધ લાગુ જ રહેશે’ ઈરાનની ધમકી

Iran US Tensions : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર નવા હુમલા રોકવા અને યુદ્ધ પૂરું કરવાના પ્રસ્તાવ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઈરાને એ અહેવાલોને અફવા ગણાવ્યા છે જેમાં હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલી દેવાની વાત કહેવામાં આવી હતી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકાની સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો લાગુ જ રહેશે.

અમારી મંજૂરી વગર એકપણ જહાજ આગળ નહીં જાય : ઈરાન

ઈરાન તરફથી જણાવવામાં આવ્યું છે કે દરિયાઈ જહાજોને માત્ર નક્કી કરાયેલા રસ્તાઓ પરથી અને IRGC નેવીની મંજૂરી મેળવ્યા પછી જ પસાર થવાની પરવાનગી આપવામાં આવશે. 'જ્યાં સુધી અમેરિકી કાર્યવાહી ચાલુ રહેશે, ત્યાં સુધી પ્રતિબંધો યથાવત રહેશે.'

ટ્રમ્પનો યુદ્ધવિરામ અને સમજૂતીનો દાવો

આ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ અમેરિકી સેનાને ઈરાન પર નવા હુમલા રોકવાનો આદેશ આપશે. તેમણે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વના સહયોગી દેશો 5 મહિનાથી ચાલતા આ યુદ્ધનો અંત લાવવા માટે સમજૂતીની નજીક પહોંચી ગયા છે. 'સામે આવી રહેલી સમજૂતીમાં હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક સંપૂર્ણ રીતે ખોલવો અને ઈરાનના પરમાણુ ખતરાનો અંત લાવવો સામેલ હશે.'

'અમે ન તો હેરાન છીએ કે ન તો શાંત': ઈરાન

ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાનના સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા લખ્યું હતું કે, તેમનો દેશ 'ન તો હેરાન છે અને ન તો પેસિવ.' તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા તરફથી મળતા ખતરાઓને ધ્યાનમાં રાખીને ઈરાન સતત એલર્ટ મોડ પર છે.

અમેરિકા અને ઈરાન ફરી વાતચીત શરૂ કરી શકે છે

મધ્યસ્થતાની કોશિશ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રમ્પના પ્રસ્તાવમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શાંતિ વાટાઘાટો શરૂ કરવાની વાત છે. આ પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવો, સમગ્ર વિસ્તારમાં સૈન્ય હુમલા રોકવા અને ઇરાકમાં ઈરાન સમર્થિત જૂથો દ્વારા અરબ અખાતના દેશો તેમજ જોર્ડન પર થતા હુમલાઓ અટકાવવાનો સમાવેશ થાય છે.

તેલ નિકાસની છૂટ અને નેવી નાકાબંધી હટાવવાની શરત

જો આ યુદ્ધવિરામ કરાર સફળ થાય છે તો બદલામાં અમેરિકા ઈરાન પરથી પોતાની નૌકાદળની નાકાબંધી હટાવી લેશે અને તેહરાનને તેલ નિકાસ કરવાની મંજૂરી આપશે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી કોઈ સત્તાવાર કરાર થયો નથી અને મધ્યસ્થતાના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ ઈઝરાયેલે આ યુદ્ધવિરામ પ્રસ્તાવ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.