- અમેરિકાએ પોતાના લોકતંત્ર, માનવ અધિકાર અને શ્રમ બાબતો અંગેના સહાયક વિદેશમંત્રી, રાઇલી બાર્ન્સને તિબેટ સંબંધી બાબતોના સ્પેશ્યલ કોઓર્ડીનેટર બનાવ્યા
વોશિંગ્ટન : અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયાએ મંગળવાર તા. ૧૭ ફેબ્રુ.એ જાહેર કર્યું હતું કે, તિબેટીઓનાં સંરક્ષણ તથા તેઓના અધિકારોને પુષ્ટિ આપવા માટે અમેરિકાએ એક વિશેષ દૂત નિયુક્ત કર્યો છે.
અમેરિકાનો આ નિર્ણય બે કારણોસર સવિશેષ છે. એક તો પ્રમુખ ટ્રમ્પના ચીનની મુલાકાત પહેલાં તેની નબળી નસ ઉપર આંગળી દબાવી છે, અને બીજું ટ્રમ્પ સરકાર માનવ અધિકારોના મુદ્દા વિષે ઘણું ગંભીર છે.
તે સર્વવિદિત છે કે, માર્કો રૂબિયો ચીનના કટ્ટર વિરોધી છે. તેઓએ જણાવ્યું હતું કે, લોકતંત્ર, માનવ અધિકાર અને શ્રમ બાબતો અંગેના સહાયક વિદેશમંત્રી રાઇલી બાર્ન્સને તિબેટ સંબંધી બાબતો અંગેનાં 'વિશેષ સમન્વયક' (સ્પેશિયલ-કો-ઓર્ડીનેટર) બનાવવામાં આવ્યાં છે.
એએફપીના રીપોર્ટ પ્રમાણે તિબેટી નવ વર્ષ 'લોસાર'ના દિવસે રૂબિયોએ એક મેસેજમાં કહ્યું કે, અમેરિકા તિબેટીઓના આવા અધિકારોનું સમર્થન કરતું જ રહેશે. તે અધિકારો તેની પાસેથી આંચકી ન લઈ શકાય. અમેરિકા, તિબેટીઓની અલગ ભાષા, સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખાણનાં રક્ષણ માટે કટિબદ્ધ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાના નીતિ-નિર્મતાઓની સૌથી મોટી પ્રાથમિકતાઓ પૈકીની એક પ્રાથમિકતા તે છે કે બૌદ્ધોના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને તેઓના ભાવિ પુનર્જન્મ ચૂંટવાની ધાર્મિક પરંપરાનું રક્ષણ કરવામાં આવે. અમેરિકાને ચિંતા છે કે, ચીન તે પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરશે જ અને પોતાને પસંદ તેવો દલાઈ લામાનો ઉત્તરાધિકારી 'ગોઠવી' દેશે. દલાઈ લામા ૯૦ વર્ષના થયા છે. તેઓએ પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિભાનો ઉપયોગ તિબેટીઓના અધિકારોની તરફદારી કરવા ફરતાં રહે છે.
માર્કો રૂબિયોએ ચીનના લઘુમતિ તેવા ઉઈગર મુસ્લીમોના સમર્થનમાં એક કાનૂન પણ બનાવડાવ્યો હતો જેમાં ઉઈગરોને ફરજિયાત અને નિ:શુલ્ક મજૂરી કરાવવા અંગે ચીનની ટીકા કરવા સાથે તે બંધ કરવા પણ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એક તરફ ટ્રમ્પ સરકાર વ્યાપાર અને રણનીતિક સંબંધો અંગે ચીન સાથે મંત્રણા કરવા માગે છે તો બીજી તરફ અમેરિકા તિબેટીઓના અધિકારો નજર અંદાજ કરવા તૈયાર નથી.
અમેરિકાનું આ પગલું ભારતને સંકેત આપે છે કે તિબેટ અને દલાઈ લામા સાથે સંકળાયેલા મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આજે પણ જીવંત છે, અને તે ચીન ઉપર દબાણ રાખવા માટે ઓજાર બની રહે તેમ છે.
ભારત ખુલ્લા દિલે પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે અને દલાઈ લામા તથા હજારો તિબેટીઓને આશ્રય આપી રહ્યું છે. તેથી અમેરિકા ભારતને મહત્વનું માને છે.


