‘વસૂલી કરી તો...’ હોર્મુઝમાં ટોલ વસૂલવાની ઈરાન-ઓમાનની યોજના પર ટ્રમ્પ ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump On Iran-Oman Deal : વિશ્વભરમાં કૂદકે ને ભૂસકે વધતી મહાસત્તાઓની ખેંચતાણ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે, હોર્મુઝ જળમાર્ગને ફરીથી શરૂ કરવા માટે ઈરાન અને ઓમાન વચ્ચે ચાલતી વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને આગામી 1 થી 2 દિવસમાં આ અંગે મોટી જાહેરાત થઈ શકે છે. જોકે, આ કરાર વચ્ચે જો ઈરાન આ રસ્તેથી પસાર થતા જહાજો પાસેથી ટોલ કે ટેક્સ વસૂલવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા પણ સામે ચાર્જ વસૂલશે તેવી સ્પષ્ટ ચેતવણી ટ્રમ્પે આપી છે.
એક-બે દિવસમાં હોર્મુઝ જળમાર્ગ ખૂલવાના સંકેત
કેલિફોર્નિયા પ્રવાસ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલવા માટેના કરાર પર ખૂબ જ ઝડપથી પ્રગતિ થઈ રહી છે. તેમણે ચેતવણી આપતાં ઉમેર્યું હતું કે આ જળમાર્ગ વહેલી તકે ખુલી જવો જોઈએ, નહિતર ઈરાને ભયાનક લશ્કરી હુમલાઓનો સામનો કરવો પડશે. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા આ વ્યાપારી માર્ગને કોઈપણ સંજોગોમાં લાંબો સમય બંધ રહેવા દેશે નહીં.
શું છે ઈરાન અને ઓમાન વચ્ચેનો નવો સમજૂતી પ્લાન?
મીડિયા અહેવાલો મુજબ, આ જળમાર્ગને સુરક્ષિત રીતે ચાલુ કરવા માટે એક નવો ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ યોજના મુજબ, વેપારી જહાજો ફારસની ખાડીમાં પ્રવેશ કરતી વખતે ઈરાનના નિયંત્રણ હેઠળના ઉત્તરીય રસ્તાનો ઉપયોગ કરશે, જ્યારે પરત ફરતી વખતે ઓમાનના દક્ષિણ ભાગ તરફના રસ્તા પરથી નીકળશે. પર્યાવરણ અને દરિયાઈ સુરક્ષાના નામે ઈરાન આ જહાજો પાસેથી 'સર્વિસ ફી' અથવા ટોલ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ ઈરાનને આવી કોઈ વસૂલાત કરવા દેશે નહીં.
કરારની વાટાઘાટો વચ્ચે દરિયામાં હુમલા યથાવત
એક તરફ રાજદ્વારી સ્તરે હોર્મુઝને મુક્ત કરાવવાની વાટાઘાટો ચાલી રહી છે, તો બીજી તરફ લાલ સમુદ્ર વિસ્તારમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના તેલ ટેન્કર પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત, યમન નજીક વિસ્ફોટક ભરેલી બોટ અથડાવાથી ભારતીય ધ્વજ ધરાવતું એક વ્યાપારી જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. જોકે, સદનસીબે રેસ્ક્યૂ ટીમે 13 ભારતીય ક્રૂ મેમ્બર્સ સહિત તમામ લોકોને સુરક્ષિત બચાવી લીધા હતા.









