Get The App

યુદ્ધ વચ્ચે ટ્રમ્પ ફસાયા, અમેરિકામાં એરપોર્ટ પર અચાનક જ નેશનલ ઈમરજન્સી જાહેર કરી

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ વચ્ચે ટ્રમ્પ ફસાયા, અમેરિકામાં એરપોર્ટ પર અચાનક જ નેશનલ ઈમરજન્સી જાહેર કરી 1 - image

Image Source: Twitter

Trump Declares National Emergency At Airports: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના એરપોર્ટ પર મચેલા હોબાળાને ધ્યાનમાં રાખીને "નેશનલ ઈમરજન્સી" જાહેર કરી છે. 41 દિવસના સરકારી શટડાઉનના કારણે એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓની ભારે અછત સર્જાઈ હતી, જેને દૂર કરવા માટે ટ્રમ્પે એક મોટો કાર્યકારી આદેશ જારી કરવાનો નિર્ણય લીધો છે. આ આદેશ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોઈ પણ પ્રકારના વિલંબ વિના TSA અધિકારીઓને તેમનો બાકીનો પગાર ચૂકવી દે. ટ્રમ્પે પગારના કારણે મચેલી અફરા-તફરીનું ઠીકરું ડેમોક્રેટ્સ પર ફોડ્યું છે. 

એરપોર્ટ પર ઈમરજન્સીનું એલાન કેમ?

અમેરિકાના એરપોર્ટ પર હાલમાં જે સ્થિતિ છે, તે કોઈ ખરાબ સપનાથી ઓછી નથી. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના ફંડિંગને લઈ સંસદમાં ચાલી રહેલા હોબાળાના કારણે TSAના લગભગ 50,000 કર્મચારીઓ છેલ્લા સવા મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે, મોટી સંખ્યામાં અધિકારીઓએ કામ પર આવવાનું બંધ કરી દીધું અને લગભગ 500થી વધારે કર્મચારીઓએ રાજીનામા ધરી દીધા છે. ન્યૂ યોર્કના જેએફકે (JFK) અને એટલાન્ટા જેવા મોટા એરપોર્ટ પર મુસાફરોને સુરક્ષા તપાસ માટે 4-4 કલાક રાહ જોવી પડી રહી છે. આ "ઈમરજન્સી" જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું અને નેશનલ ઈમરજન્સી વીટોનો ઉપયોગ કર્યો છે, તેમનો દાવો છે કે તેનાથી સીધા પગાર ચુકવણીનો રસ્તો સ્પષ્ટ થશે. 

ટ્રમ્પે આ સમગ્ર સંકટ માટે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવી

પ્રમુખ ટ્રમ્પે પોતાના લેટેસ્ટ નિવેદનમાં આ સમગ્ર સંકટ માટે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, ડેમોક્રેટ્સ જાણી જોઈને હોમલેન્ડ સિક્યુરિટીની ફંડિંગ રોકી રહ્યા છે, જેથી ટ્રમ્પની 'ઈમિગ્રેશન પોલિસી'ને નબળી પાડી શકાય.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, 'ડેમોક્રેટ્સે બેદરકારીથી એક અસલી રાષ્ટ્રીય કટોકટી ઉભી કરી દીધી છે, તેથી હું મારા દેશની રક્ષા માટે કાયદા હેઠળ મારી સત્તાઓનો ઉપયોગ કરી રહ્યો છું.' ટ્રમ્પનો આદેશ આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે સંસદમાં બજેટને લઈને વાટાઘાટો ફરી એકવાર નિષ્ફળ ગઈ છે.

ટ્રમ્પ આ કર્મચારીઓને પૈસા ક્યાંથી આપશે?

હવે સૌથી મોટો સવાલ એ છે કે, જો સંસદે બજેટ પસાર ન નથી કર્યું, તો ટ્રમ્પ આ કર્મચારીઓને પૈસા ક્યાંથી આપશે? વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ વહીવટીતંત્ર ગત વર્ષે હસ્તાક્ષર કરાયેલા 'ટેક્સ કટ્સ બિલ'માંથી બચેલા ફંડનો ઉપયોગ કરી શકે છે. આ બિલમાં હોમલેન્ડ સિક્યુરિટી માટે અબજો ડોલરનું વધારાનું ભંડોળ હતું.

આ પણ વાંચો: ટ્રમ્પની ફાંકા ફોજદારી : 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને 'સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ' ગણાવ્યું, કહ્યું - 'મને નોબેલ ન મળ્યું તો હવે કોઈને નહીં મળે'

સેનેટર સુસાન કોલિન્સે પણ સંકેત આપ્યો છે કે, બજેટમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાંથી કાયદેસર રીતે TSA અને કોસ્ટ ગાર્ડ માટે પૈસા કાઢી શકાય છે. જોકે, આ પગલાને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે, પરંતુ ટ્રમ્પ હાલમાં એરપોર્ટ ફરીથી ચાલુ કરવા પર અડગ છે.