ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટૅરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Canada Tariffs: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાંથી આયાત થતી વિવિધ વસ્તુઓ પર 50% સુધીનો ટૅરિફ ઝીંકવાની જાહેરાત કરીને વૈશ્વિક ટ્રેડ વોરમાં નવો મોરચો ખોલી દીધો છે. અમેરિકાનો આરોપ છે કે કેનેડા અમેરિકન કાર, દારૂ અને ડેરી પ્રોડક્ટ્સ સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહ્યું છે. દારૂ, સિમેન્ટ, આઇસ હોકીના સાધનો, કપડાં અને ફર્નિચર જેવી અનેક વસ્તુઓ પર લાગુ થનારો આ નવો ટેક્સ આગામી 30 દિવસમાં એટલે કે 19 ઑગસ્ટથી અમલી બનશે.
100 વર્ષ જૂના કાયદાનો પહેલીવાર ઉપયોગ
ટ્રમ્પે આ ટૅરિફ લાદવા માટે 'ટૅરિફ ઍક્ટ 1930'ની કલમ 338નો ઉપયોગ કર્યો છે. આ કાયદો અમેરિકન પ્રમુખને એવા દેશો સામે 50% સુધીની આકરા ટૅરિફ લાદવાની સત્તા આપે છે જે અમેરિકન સામાન સાથે ભેદભાવ કરે છે. લગભગ એક સદી જૂના આ કાયદાનો ઇતિહાસમાં પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, અમેરિકાએ ઊર્જા, કીમતી ખનિજો, પોટાશ અને ફીશ જેવી કેટલીક મહત્ત્વની વસ્તુઓને આ ટૅરિફમાંથી મુક્તિ આપી છે.
અમેરિકાના ગંભીર આરોપો
અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ(USTR) જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે, અન્ય દેશો સાથે ફેર ટ્રેડ ડીલ થઈ રહી છે, પરંતુ કેનેડા સતત જવાબી કારવાઈ કરી રહ્યું છે. કેનેડાના ડેરી સપ્લાય સિસ્ટમ અને કાર પરના નિયંત્રણો ભેદભાવપૂર્ણ છે. આ ઉપરાંત, કેનેડાના મોટાભાગના રાજ્યોએ અમેરિકન દારૂનું વેચાણ બંધ કરી દીધું છે, જેના કારણે છેલ્લા એક વર્ષમાં કેનેડામાં અમેરિકન કારની આયાતમાં 22% અને દારૂની આયાતમાં 81%નો મોટો ઘટાડો નોંધાયો છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેનો પલટવાર
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ અમેરિકાના આ પગલા સામે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, 'અમારી સરકારે વેપાર વિવાદ ઉકેલવા માટે ઘણા પ્રસ્તાવ મૂક્યા હતા. ટ્રમ્પની અગાઉની ટૅરિફ નીતિ ઉત્તર અમેરિકાના ટ્રેડ પેક્ટનું ઉલ્લંઘન કરતી હતી અને કેનેડાએ માત્ર તેનો યોગ્ય જવાબ આપ્યો હતો.' આ વેપારી વિવાદથી ખાસ કરીને અમેરિકન પરિવારો માટે મોંઘવારી વધી છે, છતાં કેનેડા નાગરિકોના હિત માટે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છે.
જંગલની આગ અને વધતો તણાવ
તાજેતરમાં ન્યૂ જર્સીમાં ફીફા વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન ટ્રમ્પ અને માર્ક કાર્ને વચ્ચે મુલાકાત થઈ હતી. તે સમયે ટ્રમ્પે કેનેડાના જંગલોમાં લાગેલી આગને કારણે અમેરિકામાં ફેલાતા ધુમાડા પર નિયંત્રણ લાવવા માગ કરી હતી. ટ્રમ્પે તો ત્યાં સુધી ચીમકી આપી હતી કે આ પ્રદૂષણને કારણે થતાં આર્થિક નુકસાનનો ખર્ચ પણ કેનેડિયન સામાન પર ટૅરિફ વધારીને વસૂલવામાં આવશે.









