પેરૂમાં ટૂરિસ્ટ પ્લેન ક્રેશ: 'નાઝકા લાઈન્સ' જોવા જતા 13 મુસાફરોના કરૂણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Peru Plane Crash : દક્ષિણ અમેરિકાના દેશ પેરૂના નાઝકા (Nazca) શહેરમાં એક અત્યંત દુઃખદ વિમાન દુર્ઘટના સામે આવી છે. પ્રવાસીઓને લઈને જઈ રહેલું એક ટૂરિસ્ટ પ્લેન અચાનક રસ્તામાં આવેલી ખેતીની જમીન પર ખાબકીને ક્રેશ થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 13 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે.
'નાઝકા લાઈન્સ' જોવા જઈ રહ્યા હતા પ્રવાસીઓ
નાઝકા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી અધિકૃત પુષ્ટિ મુજબ, આ પ્લેન પ્રવાસીઓને વિશ્વપ્રસિદ્ધ 'નાઝકા લાઈન્સ' (Nazca Lines) દર્શાવવા માટે લઈ જઈ રહ્યું હતું. નાઝકા લાઈન્સ એ પેરૂના રણ વિસ્તારમાં પ્રાચીન મૂળ નિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલી વિશાળકાય આકૃતિઓ છે, જેને માત્ર વિમાન કે ઊંચા ટાવર પરથી જ જોઈ શકાય છે.
એરોડિયાના એરલાઈનનું હતું વિમાન
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલા પ્લેને નજીકના શહેર 'ઈકા' (Ica) પરથી ઉડાન ભરી હતી. આ વિમાન પેરૂની પ્રાઈવેટ એવિએશન કંપની 'એરોડિયાના' (Aerodiana) દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. કંપની છેલ્લા 14 વર્ષથી 'સેસના ગ્રાન્ડ કારવાં' (Cessna Grand Caravan) વિમાનો દ્વારા પ્રવાસીઓને નાઝકા લાઈન્સની હવાઈ સફર કરાવે છે.
હાઈ લેવલ તપાસના આદેશ
ઘટના બાદ પેરૂના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ દ્વારા આ અકસ્માત અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પ્લેન કયા કારણોસર અને કઈ પરિસ્થિતિમાં ક્રેશ થયું તે શોધવા માટે ખાસ ટીમ તૈનાત કરાઈ છે. હાલમાં સ્થાનિક તંત્ર મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કવાયતમાં લાગેલું છે.




