'ભારતને ધમકી આપનારાના દાવ ઉલટા પડશે' : પુતિને પશ્ચિમને આપેલી ચેતવણી

- 'દુનિયાને જે કહેવું હોય તે કહે, પરંતુ ભારત હંમેશાં સ્વતંત્ર રીતે જ કામ કરે છે, તેની વિદેશ નીતિ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે' : રશિયન પ્રેસિડેન્ટ
સેંટપીટર્સબર્ગ : પ્રમુખ પુતિને ફરી એકવાર ભારતનાં સાર્વભૌમત્વ અને રણનીતિક સ્વાયંત્રતાનું આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ફરી એકવાર સમર્થન કર્યું છે. આ રીતે તેઓએ પશ્ચિમનાં દેશોને ખુલ્લો સંદેશો પાઠવ્યો છે કે ભારત ઉપર 'ત્રાંસી આંખે' જોનારાને તે મોંઘું પડશે.
પ્રમુખ પુતિને આગળ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનાં નેતૃત્વ નીચે રહેલાં ભારત ઉપર પ્રતિબંધો મુકી તેને દબાવવાનો કરેલો કોઈપણ પ્રયત્ન ઉલટો જ પડશે અને તેમ કરનારાને તેના ફળ ભોગવવા પડશે. પ્રમુખે આ સાથે કહ્યું હતું કે ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તે તેનાં હિતોને લક્ષ્યમાં રાખી નિર્ણયો કરે છે.
સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં બોલતાં તેઓએ કહ્યું, 'દુનિયાનો કોઈપણ દેશ ભારતને તેમ કહી ન શકે કે તેણે કોની સાથે વ્યાપાર કરવો કે કોની પાસેથી શસ્ત્રો ખરીદવા.' પ્રેસિડેન્ટ પુતિને તેમ પણ કહ્યું કે એક સાર્વભૌમ દેશ તરીકે ભારત તેનાં સંરક્ષણ અને આર્થિક બાબતો અંગે ભાગીદાર ચુંટવાને માટે પુરૃં સ્વતંત્ર છે. તેને જે ટેકનિક સૌથી વધુ આધુનિક અને ઉપયોગી લાગે છે, તે ખરીદવાનો તેને પૂરેપૂરો હક્ક છે. ભારત તે રીતે જ કામ કરી રહ્યું છે.
જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે ભારત રશિયા પાસેથી અત્યાધુનિક યુદ્ધ વિમાન સુખોઈ-૫૭ (એમયુ-૫૭) કે એચ-૫૦૦ સીસ્ટીમ ખરીદવા ઉપર અમેરિકા કે અન્ય યુરોપીય દેશોના પ્રતિબંધોનો સામનો કરવો પડે છે ? ત્યારે પ્રમુખે કહ્યું કે એચ.યુ. ૫૭ વધુ સબળ વિમાનો છે તે કદાચ દુનિયાનાં સૌથી વધુ આધુનિક યુદ્ધ વિમાન છે. આપણે ભારતની સાથે મળી તેનું ઉત્પાદન કરવા પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તે યોજના અમલ થઈ શકી નથી. તેથી આપણે જ તે બનાવી ભારતને વેચવાનું નક્કી કર્યું.









