- તાઈવાનને ચીનથી દબાતાં રહેવાની અને શાંત રહેવાની ટ્રમ્પે આપેલી સલાહ સાથે તેમ પણ કહ્યું કે : 'હું જ્યાં સુધી (પ્રમુખ પદે) છું ત્યાં સુધી ચીન હુમલો નહીં કરે'
બૈજિંગ : અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના ચીનના પ્રવાસ પછી તાઈવાન સંકટ ઘેરૃં બન્યું છે. ડૉલર ૨૫૦ અરબની ચીપ ડીલ પછી ટ્રમ્પે તાઈવાનને શાંત રહેવાની ચેતવણી આપી છે. એક દશક પછી ચીનના પ્રવાસે જનારા અમેરિકાના પહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે. પરંતુ, તાઈવાન અંગે તેમણે કરેલાં વિધાનોથી દુનિયાભરમાં આંચકો ફેલાઈ ગયો છે.
જે તાઈવાન સાથે ટ્રમ્પે હમણાં જ ચીપ ઇન્ડસ્ટ્રી અંગે ભારે મોટો સોદો કર્યો છે તે જ તાઈવાનને ટ્રમ્પે ચીનથી દબાતા રહેવાની અને શાંત રહેવાની સલાહ આપી છે.
પ્રશ્ન તે છે કે આખરે તે વિવાદનું મૂળ ક્યાં છે, ચીપ ઇન્ડસ્ટ્રી સાથે તેને શો સંબંધ છે ? તાઈવાન અંગે ટ્રમ્પે શું હ્યું અને તાઈવાનની તે અંગે શી પ્રતિક્રિયા છે ?
સંપૂર્ણ વિવાદ, સેમી કન્ડકટર ચીપ્સ અને એ.આઈ.ચીપ્સ ફરતે ઘૂમી રહ્યો છે. ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે તાઈવાને અમેરિકાનો ચીપ બિઝનેસ ચોરી લીધો છે. આ પૂર્વે ૨૦૨૬ના જાન્યુઆરીમાં અમેરિકા અને તાઈવાન વચ્ચે થયેલી ૨૫૦ અબજ ડૉલરની ડીલ(સોદો) થઇ હતી. તે પ્રમાણે તાઈવાને અમેરિકાની ટેક અને ચીપ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીમાં મૂડી રોકવાનું વચન આપ્યું હતું. જેથી અમેરિકામાં સેમી કન્ડકટર પ્રોડકશન ફરી ધમધમી ઊઠે. તેણે તે ઉપરનો ટેરિફ પણ ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કર્યો. પરંતુ ચીનની મુલાકાત સમયે શી જિનપિંગે ધમકી આપતાં ટ્રમ્પને કહ્યું હતું કે તાઈવાન મુદ્દો બંને દેશો વચ્ચે રેડ લાઈન સમાન છે. તાઈવાન અંગે અમેરિકા સાવધાનીથી વરતે નહીં તો બંને દેશો વચ્ચે ભયંકર ટક્કર અને સંઘર્ષ ઉપસ્થિત થઇ શકે. સાથે ચીન તેમ પણ કહે છે કે તાઈવાનને આપવામાં આવનારાં ૧૪ અબજ ડોલરનો પ્રસ્તાવિક શસ્ત્ર સોદો રદ કરે.
મહત્ત્વની વાત તો તે છે કે તાઈવાનને આશા હતી કે અમેરિકા પોતાનું તાઈવાન અંગેનું મૂળ વલણ ચાલુ રાખી ચીનને કડક જવાબ આપશે. પરંતુ તેવું કશું થયું નહીં. ઉલટાની ફોકસ ન્યૂઝ પર આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે અમે ૯,૫૦૦ માઈલ દૂર જઈ લડી નહીં શકીએ. તાઈવાન એક નાનો ટાપુ છે. તો ચીન એક ઘણો શક્તિશાળી દેશ છે. જરા વિચારો તાઈવાન ચીનથી ૫૯ માઈલ જ દૂર છે જ્યારે અમે તેથી ૯,૫૦૦ માઇલ દૂર છીએ. આ થોડી મુશ્કેલ સમસ્યા છે. તમે ઇતિહાસ જોશો તો જોવા મળશે કે તાઈવાનનો વિકાસ તેથી થયો છે કે અમારા પૂર્વ પ્રમુખોને ખબર જ પડતી ન હતી કે છેવટે તેઓ શું કરી રહ્યા છે. બીજી તરફ તાઈવાને અમારી ચીપ ઇન્ડસ્ટ્રી ચોરી લીધી છે.
ટ્રમ્પનો આ વિધાનોથી તાઈવાન જ નહીં દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે.


