'એક જ હુમલામાં બધાને મારી દીધા હોત...', ખામેનેઈની દફનવિધી વખતે એકજૂટ ઇરાની નેતાઓ અંગે ટ્રમ્પનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump on Iran Nuclear Talks 2026: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ફરી એકવાર અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો અમેરિકા ઈચ્છત તો તે એક જ ઝાટકે ઈરાનના તમામ ટોચના નેતાઓને હંમેશા માટે ખતમ કરી શકતું હતું, જેઓ પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામિનેઈના જનાજા (અંતિમ સંસ્કાર) માં સામેલ થવા માટે એકઠા થયા હતા. જોકે, અમેરિકાએ આવું પગલું એટલા માટે ન ઉઠાવ્યું કારણ કે તેની પ્રાથમિકતા ઈરાન સાથે પરમાણુ વાટાઘાટોને આગળ વધારવાની છે. શનિવારે ‘એક્સિઓસ’ (Axios) ને આપેલા ફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે આ ખુલાસો કર્યો છે.
ન્યૂક્લિયર ડીલ માટે ઈરાન આતુર હોવાનો દાવો
પોતાના ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમે એક જ હુમલામાં ઈરાનના આખા ટોચના નેતૃત્વને ખતમ કરી શકતા હતા, પરંતુ અમે એવું નથી કર્યું. જો અમે બધાને જ પૂરા કરી દઈએ તો પછી અમારી પાસે ન્યૂક્લિયર ડીલ અંગે વાટાઘાટો કરવા માટે કોઈ બચશે જ નહીં." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, ઈરાન આ સમયે આર્થિક અને લશ્કરી દબાણ હેઠળ છે અને તે કોઈ પણ સંજોગોમાં અમેરિકા સાથે સમજૂતી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ગમે તેમ કરીને વાતચીત શરૂ કરવા ઈચ્છે છે. અમેરિકા માત્ર સૈન્ય કાર્યવાહી કરવા નથી માંગતું, પણ પરમાણુ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલની શક્યતાઓને જીવંત રાખવા માંગે છે.
થોડા દિવસ માટે વાતચીત સ્થગિત
અત્યારે પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામિનેઈના જનાજાની અંતિમ વિધિઓ અને ધાર્મિક વિધિઓ બાકી હોવાને કારણે બંને પક્ષોએ થોડા દિવસો માટે વાતચીત સ્થગિત રાખવા સંમતિ દર્શાવી છે. આ દરમિયાન ટ્રમ્પે પોતાના જૂના દાવાને પણ પુનરાવર્તિત કર્યો હતો કે, ખામિનેઈ તો યુદ્ધના પહેલા જ દિવસે અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત લશ્કરી ઓપરેશનમાં માર્યા ગયા હતા.
જનાજાની ભીડ જોઈને ટ્રમ્પ આશ્ચર્યચકિત થયા
ઈરાનની વર્તમાન સ્થિતિ અંગે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે, તેઓ અલી ખામિનેઈના જનાજામાં ઉમટેલી માનવમેદની જોઈને ભારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેમણે કહ્યું કે, "મને એમ હતું કે ઈરાનની જનતા પોતાના સર્વોચ્ચ નેતા ખામિનેઈને ધિક્કારે છે, તેથી ત્યાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા થયેલા જોઈને મને નવાઈ લાગી છે." જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવતા નિવેદનમાં ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે, કદાચ ત્યાં હાજર લોકોની આંખોમાં દેખાતા આંસુ સાચા ન પણ હોય.









