- રશિયાના ડેપ્યુટી પી.એમ. ડેનિસ મોન્ટુરૉવ અત્યારે ભારતમાં ઊર્જા, ઉર્વરક અને રણનીતિક સહયોગ પર કેન્દ્રિત મંત્રણા ચાલે છે
નવી દિલ્હી : મધ્ય પૂર્વ યુધ્ધ અને તેના પરિણામે હોર્મુઝ-સ્ટ્રેઇટસ બંધ થતાં ભારત ઉપર તેલ સંકટ ઊભું થયું છે. તેવામાં રશિયાના ફર્સ્ટ ડેપ્યુટી પી.એમ. ડેનિસ મોન્ટુરોયની ભારત યાત્રાએ ઊર્જા, ઊર્વરકની મુશ્કેલી ઘટવાના સંકેતો આપ્યા છે. સાથે રણનીતિક સહયોગ ઉપર પણ બંને દેશો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ડેનિસ મોન્ટુરોવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મંત્રણાનો દોર શરૂ કર્યો છે. જેમાં ઉર્જા, ઉર્વરક (ખાતર) વ્યાપાર અને કનેકિટવીટી (સંપર્કો) જેવા મહત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેને મ્યુચ્યુઅલ બેનિફિશ્યર કો-ઓપરેશન (પરસ્પરને લાભકારક સહયોગ) તરીકે જણાવી હતી. જયારે જયશંકરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે વાસ્તવમાં ઉદ્યોગો સહિત અન્ય કેટલાયે ક્ષેત્રો વિષે ચર્ચા થઇ હતી.
રશિયન દૂતાવાસના જણાવ્યા પ્રમાણે રશિયન કંપનીઓ પાસે ભારતની તેલ અને એલએનજી સપ્લાય સતત પૂરો પાડવાની ક્ષમતા છે. મોન્ટુરોવે પણ કહ્યું હતું કે ૨૦૨૫ના અંત સુધીમાં રશિયાએ ભારતને અપાતા ઉર્વરકોનો સપ્લાય ૪૦ ટકા વધારી દીધો છે. એટલે કે ઊર્જા સાથે ખેતી સાથે સંલગ્ન જરૂરિયાતોમાં પણ રશિયા ભારત માટે સહાય રૂપ બની રહ્યું છે.
માત્ર તેલ કે ગેસ જ નહીં પરંતુ ખાતર (ઉર્વરક) તથા ન્યુકિલયર એનર્જીના ક્ષેત્રે પણ સહકાર વધારવામાં આવશે તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે પણ સહકાર વધારવામાં આવશે. ખાસ કરીને કુંદનકુલમ નયુકિલયર પ્રોજેકટ તથા સ્પેસ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં સહકાર વિષે પણ ચર્ચા થઈ હતી.


