Get The App

યુએસમાં એપ્રિલમાં જ જૂન-જુલાઇ જેવી ભીષણ ગરમી પડવા માંડશે

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
યુએસમાં એપ્રિલમાં જ જૂન-જુલાઇ જેવી ભીષણ ગરમી પડવા માંડશે 1 - image

- 32.22 ડિગ્રી સે.ગરમી 16 કરોડ અમેરિકનોને રાડ પડાવશે

- મિડ એટલાન્ટિક અને દક્ષિણ-પૂર્વમાં 600 સ્થળે તાપમાન 90 ડિગ્રી ફેરનહાઇટની પાર જવાની આગાહી 

વોશિંગ્ટન : યુએસમાં આ અઠવાડિયાથી મોસમનો મિજાજ બદલાતાં એપ્રિલમાં જ જુન-જુલાઇ જેવી ભીષણ ગરમીનો અમેરિકન્સને અનુભવ થશે. મિડ એટલાન્ટિક અને દક્ષિણ-પૂર્વના ૬૦૦થી વધારે સ્થળો પર તાપમાન ૯૦ ડિગ્રી ફેરનહાઇટ એટલે કે ૩૨.૨૨ ડિગ્રી સેલ્શિયસને પાર જવાની આગાહી કરવામાં આવી છે. આ ગરમીની અસર ૧૬ કરોડ લોકો પર થવાનું અનુમાન છે. વોશિંગ્ટન ડીસી અને એટલાન્ટામાં આ અઠવાડિયાની વચ્ચે જ આકરી ગરમી પડશે. 

વોશિંગ્ટન પોસ્ટ અખબારના અહેવાલ અનુસાર મોસમની આ પેટર્ન જ્યાં દુકાળ જેવી સ્થિતિ છે ત્યાં વધારે સંકટ ઉભું કરશે. હવામાન વિજ્ઞાાનીઓએ જળવાયુપરિવર્તનની આ એક ચિંતાજનક કડી ગણાવી છે.

 સામાન્ય રીતે આવી ગરમી જુ-જુલાઇ મહિનામાં પડે છે પણ આ વખતે આવી ગરમીનો અનુભવ એપ્રિલ મહિનામાં જ અમેરિકનોને થશે. આગામી પખવાડિયામાં બહું ઓછો વરસાદ પડવાની સંભાવના છે. આ પેટર્નને કારણે દક્ષિણ અને પૂર્વ અમેરિકાના કેટલાંક હિસ્સામાં હાલ જ્યાં દુકાળની હાલત છે ત્યાં સ્થિતિ બદતર બની જવાની સંભાવના છે. 

નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનના હવામાન આગાહી કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇસ્ટ-સેન્ટ્રલથી માંડી ન્યુ ઇંગ્લેન્ડ સુધીના ઇલાકામાં બુધવારની સવારથી ગરમીનો અનુભવ થવા માંડશે. આગામી દિવસોમાં એટલાન્ટા, વોશિંગ્ટન ડીસી, બાલ્ટિમોર, ફિલાડેલ્ફિયા, રાલેઇઘ અને નોર્થ કેરોલાઇનામાં તાપમાન ૯૦ ડિગ્રી ફેરનહાઇટનો આંક વટાવી જશે. વોશિંગ્ટન ડીસીમાં ૧૪થી ૧૬ એપ્રિલ દરમ્યાન દૈનિક ધોરણે વિક્રમસર્જક ગરમી પડવાનું અનુમાન છે. જ્યારે ન્યુ યોર્ક સિટીમાં ૧૪ અને ૧૫ એપ્રિલે ભીષણ ગરમી પડશે. 

૧૩૦ વર્ષ અગાઉ તાપમાનનો રેકોર્ડ રાખવાની શરૂઆત થઇ ત્યારથી લઇ અત્યાર સુધીમાં ઇસ્ટ કોસ્ટ પર આ સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો છે.આ અઠવાડિયે ગરમી વધવાની સાથે જંગલમાં દવ લાગવાની સંભાવના પણ વધી જશે. એક્યુવેધરના હવામાનશાસ્ત્રી સોનોવસ્કીએ જણાવ્યું હતું કે સૂર્યપ્રકાશ, જોરદાર ફુંકાતો પવન અને સૂકી હવા એ દવ લાગવા માટે આદર્શ સ્થિતિ સર્જે છે. પવનનું જોર જેટલું વધારે હોય એટલી ઝડપથી આ દવ ફેલાય છે.