World

ઈરાન-અમેરિકા યુદ્ધની આગ ઈજિપ્ત સુધી પહોંચી: ડામિએટા પોર્ટ પર યુએસ ગેસ ટેન્કર પર ડ્રોન એટેક

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ઈરાન-અમેરિકા સંઘર્ષ હવે ભૂમધ્ય સાગર સુધી પહોંચ્યો છે. બુધવારે ઈજિપ્તના ડામિએટા પોર્ટ પર ઊભેલા અમેરિકન ગેસ ટેન્કર 'એનર્જોસ વિન્ટર' પર ડ્રોન હુમલો થયો, જેમાં ભયાનક વિસ્ફોટ અને આગ ફાટી નીકળી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે, જેનાથી પ્રદેશમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-અમેરિકા યુદ્ધની આગ ઈજિપ્ત સુધી પહોંચી: ડામિએટા પોર્ટ પર યુએસ ગેસ ટેન્કર પર ડ્રોન એટેક

Iran and USA War Updates : મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નવો અને અત્યંત ખતરનાક વળાંક લઈ રહ્યું છે. અત્યાર સુધી ફારસની ખાડી સુધી સીમિત રહેલો આ સંઘર્ષ હવે ભૂમધ્ય સાગર અને ઈજિપ્તના મુખ્ય ઊર્જા કેન્દ્રો સુધી વિસ્તરી રહ્યો છે. બુધવારે ઈજિપ્તના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ડામિએટા (Damietta) પોર્ટ પર ઊભેલા એક અમેરિકન ગેસ ટેન્કર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના પછી ત્યાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને વિકરાળ આગ ફાટી નીકળી હતી.

'એનર્જોસ વિન્ટર' ટેન્કર અને આગની ભયાનકતા

બ્રિટિશ મરીન સિક્યુરિટી ફર્મ 'એમ્બ્રે' (Ambrey) અનુસાર, આ હુમલો અમેરિકન માલિકીના 'એનર્જોસ વિન્ટર' (Energos Winter) નામના ફ્લોટિંગ સ્ટોરેજ ટેન્કર પર થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આગ નજીકમાં જ ઊભેલા અન્ય LNG વાહક 'ગેસલાગ સેલમ' અને એક ટગબોટ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને જહાજમાંથી તમામ નાવિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.

નોંધનીય છે કે, 'એનર્જોસ વિન્ટર' એક સામાન્ય ટેન્કર નથી પરંતુ FSRU (ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન યુનિટ) છે, જેની LNG સંગ્રહ ક્ષમતા આશરે 1,38,250 ઘન મીટર છે. ઈજિપ્તના પેટ્રોલિયમ મંત્રાલયે આગ પર કાબૂ મેળવ્યાની પુષ્ટિ કરી છે પરંતુ ડ્રોન હુમલાના દાવા પર મૌન સેવ્યું છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ધમકી

આ ઘટના બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરીથી કડક સૈન્ય કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકી આપી છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમેરિકા ઈરાન પર ખૂબ જ જોરદાર પ્રહાર કરશે અને હવે ઈરાન પર હુમલો કરવાનો અમારો વારો છે. તેઓ જાણે છે કે આ આવી રહ્યું છે." આ ઉપરાંત ટ્રમ્પે રશિયા પર પ્રસ્તાવિત પ્રતિબંધ વિધેયકમાં ઈરાન પર પણ ભારે ટેરિફ લાદવાની વકાલત કરી હતી, જેથી કાયદો વધુ મજબૂત બને.

પ્રદેશમાં તણાવ ચરમસીમાએ

ડામિએટા પોર્ટ પર આ ઘટના એવા સમયે બની છે જ્યારે મિડલ ઈસ્ટમાં ચારેય તરફથી હુમલા વધી રહ્યા છે. આ ઘટનાના થોડા કલાકો પહેલા જ અમેરિકા અને સાઉદી અરેબિયાએ ઈરાક સ્થિત ઈરાન સમર્થિત 'પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિસ' (PMF) ના ઠેકાણાઓ પર સંયુક્ત એરસ્ટ્રાઈક કરી હતી. ઈરાને પણ જોર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર બેલિસ્ટિક મિસાઈલો દાગી હોવાનો દાવો કર્યો હતો અને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી હતી.