ટ્રમ્પની સત્તા ઉથલાવવાની લડાઈ હોર્મુઝ પર આવીને અટકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇરાન યુદ્ધને છ મહિના : અમેરિકા ઇરાનમાં ફસાયું !
- યુદ્ધમાં ૩૦૦ અબજ ડોલરનું નુકસાન સહન કર્યા પછી ઇરાન અડીખમ, અમેરિકા ૩૭.૫ અબજ ડોલરના ખર્ચમાં હાંફ્યુ
વોશિંગ્ટન : રશિયન પ્રમુખ પુતિન યુક્રેનને ગણતરીના દિવસોમાં ગળી જઇશું તેમ માનીન યુદ્ધમાં કૂદ્યા હતા. આજે સાડા ચાર વર્ષ પછી પણ યુદ્ધમાંથી નીકળી શક્યા નથી. આવી જ સ્થિતિ અમેરિકાની થઈ છે. ટ્રમ્પે ઇરાનને ગણતરીના દિવસોમાં ઘૂંટણિયે પાડી દઇશું તેવી શેખી મારીને યુદ્ધ તો શરુ કરી દીધુ હતુ અને આજે છ-છ મહિના થયા પછી પણ ઇરાન યુદ્ધ પૂરુ કરી શક્યા નથી.
યુક્રેન યુદ્ધમાં પ્રારંભમાં મિલિટરી એક્શન કહેતા પુતિને કહેવું પડયું કે આ યુદ્ધ જ છે, પરંતુ અમે એકલા યુક્રેન સામે નહીં પણ નાટોનું સમર્થન ધરાવતી નાઝી હકુમત સામે લડી રહ્યા છે. આખુ યુક્રેન જીતવા નીકળેતા પુતિને એક લાખ સૈનિકોના મોત પછી પણ યુક્રેનના માંડ ૨૦ ટકા હિસ્સો જીતીને સંતોષ માનવો પડી રહ્યો છે.
હવે ટ્રમ્પ પણ પુતિન જેવી જ સ્થિતિમાં જ સપડાઈ ગયા છે. ઇરાન યુદ્ધને લઈને તેમની બધી જ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે. ટ્રમ્પને હતું કે ઇરાનની ટોચની લીડરશિપને ખતમ કરી દઇશું તો ઇરાન ખતમ થઈ જશે, અમે જીતી જઇશું. આ વાત થિયરીની રીતે કાગળ પર ભલે સાચી લાગતી હોય, પરંતુ યુદ્ધના મેદાનમાં આ વાત બૂમરેંગ પુરવાર થઈ છે તે આખા વિશ્વએ જોયું છે. વેનેઝુએલાના પ્રમુખને ઉઠાવી ગયા પછી વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચતા ટ્રમ્પને ઇરાનને વેનેઝુએલા સમજવાની ભૂલ ભારે પડી ગઈ છે. ઇરાન ટોચની લીડરશિપ ખતમ થઈ હોવા છતાં પણ અને યુદ્ધમાં લગભગ ૩૦૦ અબજ ડોલરનું આર્થિક નુકસાન સહન કરવા છતાં પણ હજી અડીખમ છે અને વળતો હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે અમેરિકા છ મહિના પછી પણ ઇરાન જીતવાની વાત તો બાજુએ રહી, પણ અમેરિકન લશ્કર ઇરાનની ધરતી પર હજી પગ પણ મૂકી શક્યું નથી. ફક્ત ૩૭.૫ અબજ ડોલર ખર્ચતા અમેરિકા હાંફી ગયું છે. ઉપરથી ઇરાનના વળતા હુમલાના લીધે અમેરિકાએ મધ્યપૂર્વના બીજા દેશોમાંથી ઉચાળા ભરવા પડે તેવી સ્થિતિ આવી ગઈ છે.
એક સમયે ઇરાનને ઘૂંટણિયે પાડી દેવાથી લઈને ઇરાનની ઇસ્લામિક સરકાર ઉથલાવી દેવાના ધ્યેય સાથે શરૂ થયેલું આ યુદ્ધમાં ટ્રમ્પ વારંવાર ગોલપોસ્ટ બદલતા રહ્યા છે. પહેલા સત્તા પરિવર્તનનું ધ્યેય હતુ અને તેના પછી તેનું ધ્યેય બદલાઈને ઇરાનને પરમાણુ શસ્ત્રવિહીન કરવાનું થઈ ગયું હતુ. જ્યારે હાલનું ધ્યેય તો પરમાણુ શસ્ત્રોની મંત્રણા પછી પણ ફક્ત હોર્મુઝ ખૂલે તે જ રહ્યુ છે. હવે તો ટ્રમ્પ ત્યાં સુધી કહે છે કે ઇરાન યુદ્ધ પૂરુ કરવાની મને ઉતાવળ નથી. ટ્રમ્પ તંત્ર વારંવાર ઇરાનની એરફોર્સ, તેનું નૌકાદળ, તેના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ખતમ કરી નાખ્યાના દાવા કરે છે, પરંતુ ઇરાને દરેક વળતો પ્રહાર કરીને તેના મોઢા બંધ કરી દીધા છે. તેથી જ કંટાળેલા ટ્રમ્પે હવે ઇરાન સામે લશ્કરી વિકલ્પની નિષ્ફળતા પછી આર્થિક પ્રતિબંધોનો આશરો લેવો પડયો છે, જેનો ઇરાન છેક ૧૯૭૯થી સામનો કરી રહ્યું છે.
ઇરાન યુદ્ધે અમેરિકાની લશ્કરી તૈયારી કેટલી છે તેનો ચિતાર પણ આપી દીધો છે. એક ત્રીજા વિશ્વના મનાતા દેશ સામે અમેરિકાનો શસ્ત્રોન જથ્થો ગણતરીના મહિનામાં ખૂટી પડયો તે તેની નબળી તૈયારીના સંકેત આપે છે. આ બતાવે છે કે ચીનની જેમ અમેરિકાને બતાવવામાં આવે છે તેટલું મજબૂત પણ નથી.
અમેરિકાને મધ્યપૂર્વના સાથીઓ ગુમાવવા પડે તેવો ડર
વોશિંગ્ટન : ઇરાન યુદ્ધમાં એક નવી સ્થિતિ સામે એવી આવી છે કે વોશિંગ્ટન તેના પર આધારિત દેશોને રક્ષણ આપવામાં સફળ રહ્યુ નથી. આજે મધ્યપૂર્વના કુવૈત, સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, કતાર જેવા દેશોનો અમેરિકા અંગેનો ભ્રમ ભાંગી ગયો છે. અમેરિકન લશ્કર અત્યાર સુધી તેમને સુરક્ષા છત્ર પૂરુ પાડતુ હતુ. આ સુરક્ષાનો ભ્રમ ઇરાનના ઉપરોક્ત દેશોમાં આવેલા અમેરિકન લશ્કરી થાણા પર ત્રાટકેલા મિસાઇલોએ તોડી નાખ્યો છે. આ દેશોને થઈ ગયું છે કે જો અમેરિકા પોતાની રક્ષા જ નથી કરી શકતું તો અમને સુરક્ષા તો ક્યાંથી પૂરી પાડશે. આના જ ભાગરૂપે સાઉદીએ તુર્કી અને પાકિસ્તાન સાથે મળીને મક્કા એગ્રીમેન્ટ કર્યો છે. આજે ઓમાન જેવો દેશ પણ અમેરિકાએ બોમ્બાર્ડિંગની આપેલી ધમકી ઘોળી જઈને ઇરાન સાથે સીધી વાટાઘાટ કરવા માંડયો છે. આ બતાવે છે કે મધ્યપૂર્વ પરથી અમેરિકન સુરક્ષા છત્ર હટી ગયું છે અને હવે દરેક દેશ પોતાની સુરક્ષા જ્યાં સચવાય તે મુજબના હિતો જાળવીને નિર્ણય લેશે. આમ અમેરિકા મધ્યપૂર્વમાં તેના સાથીઓ ગુમાવી શકે તેવી સંભાવના પ્રબળ બની ગઈ છે.




