World

અમેરિકા જવાનું સપનું મોંઘું! H-1B વિઝા ફી વધારીને રૂ.99 લાખ કરવાની તૈયારી, ભારતીયોને ફટકો

By GS Team
24 Aug 20263 mins read
TukuTouch Logo
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝા ફી વધારીને 1,03,265 ડોલર (લગભગ 98.92 લાખ રૂપિયા) કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવથી ભારતીય IT પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે, કારણ કે 70% થી વધુ H-1B વિઝા ભારતીયોને મળે છે. જો આ નિયમ અમલમાં આવશે તો અમેરિકામાં નોકરી કરતા વિદેશી નાગરિકો માટે મુશ્કેલી વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા જવાનું સપનું મોંઘું! H-1B વિઝા ફી વધારીને રૂ.99 લાખ કરવાની તૈયારી, ભારતીયોને ફટકો

US H-1B Visa Fee Hike Proposal : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન H-1B વિઝા અને F-1 ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) કાર્યક્રમો માટે નવી તોતિંગ ફી લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નવા પ્રસ્તાવ હેઠળ H-1B વિઝા ફી વધારીને 1,03,265 ડૉલર એટલે કે આશરે 98.92 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

…તો વિદેશી નાગરિકોની વધશે મુશ્કેલી

અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS) દ્વારા આ પ્રસ્તાવ તૈયાર કરીને ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જો આ નવો નિયમ અમલમાં આવશે તો અમેરિકામાં વિદેશી નાગરિકો માટે નોકરી કરવી, અભ્યાસ પૂર્ણ કરી નોકરી શોધતા વિદ્યાર્થીઓ અને વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરતી કંપનીઓ માટે ખર્ચ ખૂબ વધી જશે.

પહેલાં H-1B વિઝા માટે કેટલી ફી ચૂકવવી પડતી હતી?

H-1B પ્રોગ્રામ હેઠળ અમેરિકન કંપનીઓ વિશિષ્ટ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી કરી શકે છે. આ અંતર્ગત દર વર્ષે 65,000 સામાન્ય વિઝા અને ઉચ્ચ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ્સ માટે વધારાના 20,000 વિઝા બહાર પાડવામાં આવે છે, જેની માન્યતા 3થી 6 વર્ષ સુધીની હોય છે. અગાઉ આ વિઝા માટે સામાન્ય સંજોગોમાં આશરે 2,000 થી 5,000 ડૉલર સુધીની સામાન્ય ફી ચૂકવવી પડતી હતી, જેમાં હવે જંગી વધારાની દરખાસ્ત કરવામાં આવી છે.

ભારતીય IT પ્રોફેશનલ્સ અને યુવાનો પર સૌથી વધુ અસર

આ પ્રસ્તાવિત ફેરફારની સૌથી મોટી અસર ભારતીયો પર પડશે, કારણ કે H-1B વિઝા મેળવનારાઓમાં 70%થી વધુ હિસ્સો ભારતીયોનો છે. અમેરિકી ઇમિગ્રેશન સેવા (USCIS) દ્વારા વર્ષ 2024માં મંજૂર કરાયેલી 3,99,402 વિઝા અરજીઓમાંથી 71% ભારતીય મૂળના લોકોની હતી. અમેરિકામાં હાલ 52 લાખથી વધુ ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે. વિઝા ફી વધારા સંબંધિત આ દરખાસ્તો વ્હાઇટ હાઉસના મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલય (OMB) સુધી પહોંચી ગઈ છે, જ્યાં 19 ઓગસ્ટ અને 20 ઓગસ્ટે તેની સમીક્ષા પ્રક્રિયા આગળ વધી હતી.

વિદ્યાર્થીઓના OPT પ્રોગ્રામ પર પણ 1 લાખ ડૉલર ફીનો પ્રસ્તાવ

અહેવાલો અનુસાર, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ OPT અરજીઓ પર પણ 1 લાખ ડૉલર સુધીની ભારે ફી લાદવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. જોકે આ પ્રસ્તાવોની સંપૂર્ણ સત્તાવાર વિગતો હજુ સાર્વજનિક કરવામાં આવી નથી અને ટૂંક સમયમાં તેનું વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

વિઝા ફી વધારા સામે અમેરિકામાં કાનૂની પડકાર

અમેરિકાના સૌથી મોટા બિઝનેસ સંગઠન યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, ડેમોક્રેટિક શાસિત રાજ્યો અને નોકરીદાતાઓના સંગઠને આ ફી વધારા સામે કોર્ટમાં પડકાર ફેંક્યો છે. અરજીઓમાં દલીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ને પ્રવેશ પ્રતિબંધિત કરવાની મળેલી સત્તા સંસદ (કોંગ્રેસ) દ્વારા બનાવેલા કાયદાને મનસ્વી રીતે બદલવાનો અધિકાર આપતી નથી. સંસદની મંજૂરી વિના આ પ્રકારનો મોટો ટેક્સ કે ફી લાદી શકાય નહીં. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે, આ પરંપરાગત ટેક્સ નથી અને રાષ્ટ્રપ્રમુખના અધિકારોમાં કોર્ટની દખલગીરી મર્યાદિત હોવી જોઈએ.

60 દિવસનો ગ્રેસ પીરિયડ ખતમ થવાનો ખતરો

ફી વધારા ઉપરાંત DHS દ્વારા બેરોજગાર H-1B કર્મચારીઓ માટે મળતો 60 દિવસનો ગ્રેસ પીરિયડ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. જો આ નિયમ મંજૂર થશે તો નોકરી ગુમાવનારા કર્મચારીઓ અને તેમના આશ્રિતોએ તરત જ અમેરિકા છોડવું પડશે, અન્યથા તેમના પર ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી થઈ શકે છે.