સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 20 દરવાજા ખોલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Shetrunji Dam News - ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ચોમાસાની સિઝનમાં ચોથી વખત છલકાયો છે. મોડી સાંજે ડેમ ઓવરફ્લો થતાં 20 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. શેત્રુંજી ઉપરાંત અન્ય ત્રણ ડેમ પણ ઓવરફ્લો થયા છે.
ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીનો ધસમસતો પ્રવાહી શરૂ થતાં સાંજે 7 કલાકે ડેમ ઓવરફ્લો થયો હતો. રાત્રિના 9:30 કલાકની સ્થિતિએ શેત્રુંજી જળાશયમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ થતાં 20 દરવાજા એક ફૂટ ખુલ્લા રાખી તેટલા જ પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ઉતાવળી ડેમમાં 601 ક્યુસેક, પીંગળી ડેમમાં 53 ક્યુસેક અને રોજકી ડેમમાં 182 ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ છે. બગડ ડેમમાં 196 ક્યુસેક પાણીની આવક શરૂ રહી છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના સાત ડેમ વિસ્તારમાં પા ઈંચથી અર્ધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં કાનિયાડ, ગોમા, રજાવળ, ખારો અને માલણમાં 10-10 મિ.મી. તેમજ શેત્રુંજી અને પીંગળી ડેમ વિસ્તારમાં પાંચ-પાંચ મિ.મી. વરસાદ વરસ્યાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.




