Get The App

ઇરાન અમેરિકા સમજૂતીમાં સૌથી મોટી ગૂંચવણ તો, 300 અબજ ડોલરની છે : તેથી ક્યાંક ફરી યુદ્ધ ન થાય

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન અમેરિકા સમજૂતીમાં સૌથી મોટી ગૂંચવણ તો, 300 અબજ ડોલરની છે : તેથી ક્યાંક ફરી યુદ્ધ ન થાય 1 - image

- એક મુશ્કેલી તે છે કે ઇરાનમાં સમજૂતી સામે જુવાળ જાગ્યો છે

- ઇરાન તે રકમ યુદ્ધ રોકવા માટે અને વળતર તરીકે સમજે છે, ડોનાલ્ડ ટ્રમ્પ તેને મૂડી રોકાણ તથા પુન:નિર્માણ તરીકે દર્શાવે છે

નવી દિલ્હી : અમેરિકા-ઇરાન યુદ્ધ ખતમ કરવા માટે, સંભવિત શાંતિ સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. ઇરાન યુદ્ધ રોકવા માટે તથા વળતર પેટે ભારે મોટી રકમ માગે છે. જે ૩૦૦ અબજ ડોલર જેટલી છે. પરંતુ તકલીફ તે છે કે, તે જબરજસ્ત રકમ સંબંધે બંને દેશો વચ્ચે ભારે મોટી ગૂંચવણ ઊભી થઇ છે. ઇરાન માને છે કે તે રકમ તેને યુદ્ધ રોકવા માટે તથા યુદ્ધમાં થયેલાં તેને નુકસાનનાં વળતર માટેની માને છે તો બીજી તરફ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ તે રકમ મૂડી રોકાણ તથા પુનનિર્માણ માટે આપવામાં આવે છે તેમ કહે છે. આ મુદ્દો શાંતિ સમજૂતીની સૌથી નબળી કડી બની રહ્યો છે.

વિશેષજ્ઞાોનું માનવું છે કે આ મુદ્દા અંગે બંનેની અલગ અલગ વ્યાખ્યાઓ સમજૂતીને નિરર્થક બનાવી દઇ શકે તેમ છે, તેટલું જ નહીં પરંતુ તેનાં પરિણામે યુદ્ધ ફરીથી ફાટી પણ નીકળે તેવી ભીતિ તૂટેલી છે.

ઇરાની મીડીયા પ્રમાણે શાંતિ સમજૂતી નીચે ઇરાનની મંત્રણા ટીમે શર્ત મુકી છે કે અમેરિકા અને તેમના સાથીઓ મળીને પુનનિર્માણ માટે અને યુદ્ધ બંધ કરવા માટે તથા અમેરિકાએ કરેલા નુકસાનનાં વળતર તરીકે આ રકમ ગણવામાં આવે છે. જો મોટી (૩૦૦ અબજ ડૉલરની) રકમ ન મળે તો, શાંતિ સમજૂતીનો અર્થ નથી. શાંતિ-સમજૂતી તુર્ત જ તૂટી જશે.

જ્યારે પશ્ચિમની મીડીયા અને અમેરિકન અધિકારીઓ કહે છે કે ૩૦૦ અબજ ડોલરનું ફંડ એક આંતરરાષ્ટ્રીય નિવેશ ફંડ તરીકે અપાઈ રહ્યું છે. અમેરિકા કહે છે કે આ ફંડ યુદ્ધ પછીની પરિસ્થિતિ સુધારવા આપવામાં આવશે, જે ખાનગી મૂડી રોકાણ તથા રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે વાપરવામાં આવશે.

ડૉનાલ્ડ ટ્રમ્પે તો એપ્રિલમાં જ સ્પષ્ટ જણાવી દીધું હતું કે શરૂઆતમાં કોઈ નકદ રકમ નહીં અપાય. બીજી તરફ હજી પણ ઇરાન તેની મુખ્ય માગણીઓને વળગી રહ્યું છે.

૬૦ દિવસની મંત્રણા ઇરાનની ૨૪ અબજ ડોલરની જપ્ત સંપત્તિ મુક્ત કરવામાં આવે. (તેની અર્ધોઅર્ધ રકમ તો પહેલેથી જ આપવી પડશે)

ઇરાનનાં તેલ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનોનાં વેચાણ પર લગાડાયેલા તમામ પ્રતિબંધો હઠાવી લેવાય.

ઇરાનને તેનાં વિત્તીય સંસાધનો સુધી સીધી રીતે પહોંચવાની મંજૂરી મળે.

આ ડીલને ટ્રમ્પ તેની મોટી રાજકીય જીત માને છે. તેમણે તેમનાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર લખ્યું : સર્વેને વધામણાં... તેલ વહેવા દો.

અમેરિકા માને છે કે આ ડીલથી વૈશ્વિક ઊર્જા બજાર સ્થિર થઇ જશે. સ્ટ્રેઇટ્સ ઓફ હોર્મુઝ ફરી ખુલશે, સુરક્ષિત પણ રહેશે.

જો કે રાજનીતિક તસ્વીર થોડી અલગ છે. અમેરિકા ભલે તેને ન કહે પરંતુ એક મોંઘા યુદ્ધ પછી પુનર્નિમાણ માટે આટલું મોટું રોકાણ કરવું તે જ દર્શાવે છે કે, અમેરિકાએ પોતાની શર્તો થાપવાને બદલે જમીની હકીકત સાથે સમજૂતી કરી રહ્યા છે. કારણ કે અમેરિકામાં મીડ ટર્મ પોલ આવે છે.

સૌથી મોટી તકલીફ તો ઇરાનમાં છે ત્યાં લોકજુવાળ, અમેરિકા અને તેના સાથીઓ સાથે કોઈપણ સમજૂતી કરવા વિરૂદ્ધ છે. તેવામાં લેબેનોન ઉપર હુમલા કરી ઇઝરાયલ બળતામાં ઘી (દારૂગોળો) હોમે છે. તે જે થાય તે પરંતુ અત્યારે તો અમેરિકા અને વિશ્વભરનાં અર્થતંત્રો પર આ યુદ્ધની ઘેરી અસર પડી છે તે નિર્વિવાદ છે.