અમેરિકાના ટેક્સાસમાં 3 ભારતીય લોકોની હત્યા, દીકરાએ માતા-પિતા અને દાદીને માથામાં ગોળી મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Texas triple murder: અમેરિકાના ટેક્સાસ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક ભારતીય મૂળના પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના જ 19 વર્ષના સગા દીકરાએ પોતાના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી છે. પકડાયેલા આરોપી યુવકનું કનેક્શન પંજાબના નવાંશહરના લખપુર ગામ સાથે હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ અમેરિકન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
શું છે સમગ્ર ઘટના?
અમેરિકાના ટેક્સાસ રાજ્યના અલ્ટન શહેરમાં એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં ગૌરવ ચોપરા નામના 19 વર્ષના યુવકની ધરપકડ કરાઈ છે. હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ 56 વર્ષીય સ્વીતા રામ, 46 વર્ષીય કમલેશ રાની અને 73 વર્ષીય મિંદર કૌર તરીકે થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય સભ્યોના મોત માથામાં ગોળી વાગવાના કારણે થયા હતા.
હુમલાખોરનો ભાઈ આબાદ બચ્યો, પોલીસને કરી જાણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગૌરવ ચોપરાએ પોતાના જ માતા-પિતા અને દાદી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ લોહિયાળ ખેલ દરમિયાન તેણે પોતાના સગા ભાઈ પર પણ ગોળી ચલાવી હતી, પરંતુ સદનસીબે તેનો ભાઈ આબાદ બચી ગયો હતો. આ ભયાનક ઘટના બાદ ભાઈએ તાત્કાલિક અમેરિકન ઈમરજન્સી નંબર 911 પર કોલ કરીને પોલીસને આ અંગે જાણ કરી હતી.
વારદાતને અંજામ આપીને આરોપી ગૌરવ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો. પીછા દરમિયાન એક માર્ગ અકસ્માત પણ સર્જાયો હતો જેમાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સ્થળેથી પોલીસે એક હેન્ડગન (પિસ્તોલ) પણ રિકવર કરી છે.
આ પણ વાંચો: લંડનમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે સામ-સામે ભયાનક ટક્કર, એકનું મોત, 80થી વધુ ઈજાગ્રસ્ત
આરોપી સામે 'કેપિટલ મર્ડર'નો ગુનો દાખલ, જામીન ન મળ્યા
નૃશંસ હત્યાકાંડ સર્જનારા ગૌરવ ચોપરા પર એકથી વધુ વ્યક્તિઓની હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. કોર્ટમાં રજૂઆત દરમિયાન તેની સામે 'કેપિટલ મર્ડર'નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તેને કોઈ પણ પ્રકારના જામીન આપવામાં આવ્યા નથી. શેરિફ એડી ગુએરાએ મીડિયાને જણાવ્યું કે, આ ક્રૂર હત્યાકાંડ પાછળનું અસલી કારણ શું હતું તેની તપાસ હજી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી યુવક યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલી (UTRGV)નો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.









