આતંકી હમ્મામીએ વિમાન ક્રેશ કરાવવા કો-પાયલટ સ્મિત પર હુમલો કર્યો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગુજરાતી પાયલટ પર હુમલાના ચાર દિવસે પાયલટની ઓળખ જાહેર
- કટ્ટરવાદી વિચારો ધરાવતા હમ્મામીએ ઓમાનની નેશનલ એરલાઈનમાં કામ કર્યું હતું : અલકાયદાના સંપર્કમાં આવ્યો હતો
ન્યૂયોર્ક : ફ્લાયદુબઈની ફ્લાઈટની કોકપીટમાં ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરીને વિમાન ક્રેશ કરવાનો પ્રયત્ન કરનારા આતંકી કો-પાયલટની ઓળખ અંતે જાહેર કરવામાં આવી છે. મીડિયા અહેવાલો મુજબ ઓમાનના નાગરિક હમામ અલ-હમ્મામીએ બુધવારે તેલ અવીવ જઈ રહેલા વિમાન પર કંટ્રોલ મેળવી ક્રેશ કરાવવા માટે ગુજરાતી પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. હમામ અલ-હમ્મામી સીરિયા અને આતંકી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
મીડિયાના અહેવાલો મુજબ યુએઈના દુબઈથી ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ જઈ રહેલા ફ્લાય દુબઈના વિમાનમાં ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર પર કો-પાયલટ દ્વારા ક્રેશ કુહાડીથી હુમલો કરીને વિમાનને ક્રેશ કરાવવાનો પ્રયત્ન કરનારા ઓમાનના પાયલટની ઓળખ આ ઘટનાની તપાસ કરનારા અધિકારીઓ દ્વારા ચાર દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે, હવે સાઉદી અરબના અખબાર અલ અરબિયા સહિત અમેરિકન મીડિયાએ ઘટનાની તપાસ કરનારા અધિકારીઓના સૂત્રોને ટાંકીને તેની ઓળખ જાહેર કરી દીધી છે.
અલ અરબિયાના રિપોર્ટ મુજબ ઓમાનનો કો-પાયલટ ૨૯ વર્ષીય હમામ અલ-હમ્મામી સીરિયામાં રહેતો હતો, જ્યાં તે કટ્ટરવાદી વિચારસરણીવાળાના સંપર્કમાં આવ્યો હતો. તેની કટ્ટરવાદી વિચારસરણીના કારણે ઓમાનમાં અધિકારીઓએ તેના વિમાન ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર પછી તે ઓમાન છોડીને જતો રહ્યો હતો.
સૂત્રો મુજબ હમામ અલ-હમ્મામી યુએઈમાં ફ્લાય દુબઈ સાથે જોડાતા પહેલાં ઘણો સમય ઓમાન, સીરિયા, મોરોક્કોમાં રહ્યો હતો. તે ૨૦૧૧થી ૨૦૧૭ વચ્ચે સીરિયામાં હતો. અમેરિકન ન્યૂઝ આઉટલેટ સીએનએનના અહેવાલ મુજબ અલ-હમ્મામીને તેના શંકાસ્પદ કટ્ટરવાદી વિચારોના કારણે ગયા વર્ષે ઓમાનની નેશનલ એરલાઈનમાં નોકરીમાંથી હટાવાયો હતો, પરંતુ પાછળથી તેને એરલાઈનમાં જ અન્ય ભૂમિકા અપાઈ હતી. હમ્મામી રોયલ એર માર્કોમાં પણ કામ કરી ચૂક્યો હોવાનું કહેવાય છે. અલ-હમ્મામીના પિતા ઓમાન અને માતા સીરિયાનાં હતા, પરંતુ તેનો જન્મ યુએઈમાં થયો હોવાનું પણ સીએનએને જણાવ્યું છે.
ઈઝરાયેલની ચેનલ-૧૨ના અહેવાલ મુજબ તપાસ અધિકારીઓને જણાયું છે કે હમ્મામી અલ-કાયદાની વિચારધારા સાથે જોડાવાની પ્રક્રિયામાંથી પસાર થયો હતો અને અનેક ધાર્મિક નેતાઓની મુલાકાત કરી હતી. જોકે, આ નેતાઓની ઓળખ સામે આવી નથી. વધુમાં હમ્મામીના સામાનમાંથી ફ્રી-પેલેસ્ટાઈન જૂથના ચોપાનીયા અને પબ્લિકેશન સાથે પેલેસ્ટાઈનને સમર્થનની સામગ્રી પણ મળી હતી.
તપાસ અધિકારીઓ મુજબ હમ્મામીએ એકલા હાથે જ આતંકી હુમલો કર્યો હતો. તપાસ અધિકારીઓ અન્ય વિદેશી એરલાઈન્સ માટે પણ આવા જોખમો છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. હમ્મામી ફ્લાઈટ ક્રૂમાં કેવી રીતે જોડાયો તેની પણ ઈઝરાયેલની એજન્સીઓ તપાસ કરી રહી છે. આ રિપોર્ટમાં એ બાબતે પણ સવાલ ઉઠયા છે કે જે દેશ સાથે ઈઝરાયેલના ઔપચારિક સંબંધો નથી તેના નાગરિકને તેલ અવીવની ફ્લાઈટ માટે ઉડ્ડયનની મંજૂરી કેવી રીતે મળી.
બહાદુરી અને ફરજપરાયણતાને બિરદાવાઈ
સ્મિત મચ્છરને મેનકાઈન્ડ ફાર્માની રૂ. એક કરોડની સહાય
કોકપિટમાં હુમલાની ઘટના બાદ પણ ૧૭૪ મુસાફરો અને આઠ ક્રૂ મેમ્બરોના જીવ બચાવ્યા હતા
મુંબઈ : મેનકાઇન્ડ ફાર્માએ ફ્લાયદુબઈના પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના પરિવારને રૂ.૧ કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. અભૂતપૂર્વ કટોકટીની સ્થિતિમાં કેપ્ટન મચ્છરે દર્શાવેલી હિંમત, સંયમ અને ફરજ પ્રત્યેની જવાબદારીને બિરદાવતાં કંપનીએ આ સહાય જાહેર કરી છે.
૩૦ સપ્ટેમ્બરે બનેલી બનેલી ગંભીર ઘટનાને પગલે કેપ્ટન સ્મિત મચ્છરની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની એફઝેડ૧૦૭૩ ફ્લાઇટમાં ૧૭૪ મુસાફરો અને ૮ ક્રૂ સભ્યો સવાર હતા. દરમિયાન કોકપિટમાં હુમલાની ઘટના બની હતી. કથિત રીતે ફર્સ્ટ ઓફિસરે કેપ્ટન મચ્છર પર હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગંભીર ઈજા છતાં કેપ્ટન મચ્છરે પાઇલટ-ઇન-કમાન્ડ તરીકે પોતાની ફરજ ચાલુ રાખી હતી. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સના જણાવ્યાનુસાર, તેમણે વિમાનને નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી અને ત્યારબાદ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળીને સુરક્ષિત રીતે ઉતારી હતી. મેનકાઇન્ડ ફાર્માની આ આર્થિક સહાય કટોકટીના સમયે કેપ્ટન મચ્છરે દર્શાવેલી હિંમત અને ફરજપરાયણતાને મળેલી વધુ એક માન્યતા છે.
ઈઝરાયેલમાં સુરક્ષામાં છીંડા, ઘોર બેદરકારી સામે આક્રોશ
ઈઝરાયેલમાં પ્રતિબંધો છતાં ઓમાનના ડઝનબંધ પાયલટ ઘૂસ્યા
સુરક્ષા એજન્સી શીન બેટે પાયલટ્સની તપાસ વિદેશી એરલાઈન્સના ભરોસે છોડી
તેલ અવિવ : ફ્લાય દુબઈ વિમાનની ઘટનાએ ઈઝરાયેલમાં સુરક્ષામાં છીંડા અને સુરક્ષા એજન્સીઓની ઘોર બેદરકારી ઊજાગર કર્યા છે, જેથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે. ઓમાન સહિત રાજકીય સંબંધો ના હોય તેવા દેશોના પાયલટોના ઈઝરાયેલમાં વિમાન ઉડાવવા પર પ્રતિબંધ છે. આમ છતાં ઓમાનના એક ડઝનથી વધુ પાયલટ્સ ઈઝરાયેલમાં ઘૂસ્યા હોવાના અહેવાલોએ લોકોની ચિંતા વધારી દીધી છે. યહુદી પ્રવાસીઓને દુબઈથી તેલ અવીવ લઈને આવતી ફ્લાય દુબઈની ફ્લાઈટને ક્રેશ કરાવવાનું ઓમાનના આતંકી પાયલટ હમામ અલ-હમ્મામનું કાવતરું ગુજરાતી કો-પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતના કારણે નિષ્ફળ ગયું. જોકે, આ ઘટના પછી ઈઝરાયેલમાં તેની સુરક્ષા એજન્સી શિન બેટ અને પરિવહન મંત્રાલય સામે સવાલ ઉઠવા લાગ્યા છે. ઈઝરાયેલની આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટ અને પરિવહન મંત્રાલયની આ ઘોર બેદરકારીના કારણે સુરક્ષામાં મોટા છીંડા સર્જાયા છે. રિપોર્ટ મુજબ ૨૦૨૦માં યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે થયેલી અબ્રાહમ સમજૂતીમાં સ્પષ્ટ જોગવાઈ છે કે જે દેશોના ઈઝરાયેલ સાથે રાજકીય સંબંધો નથી તે દેશોના નાગરિક અથવા પાયલટ વિદેશી એરલાઈન્સમાં પણ ઈઝરાયેલ જતી ફ્લાઈટ્સ ઉડાવી શકશે નહીં.
ઓમાન સાથે ઈઝરાયેલને કોઈ રાજકીય સંબંધ નથી આમ છતાં ફ્લાયદુબઈની ફ્લાઈટની કોકપીટમાં ઓમાનનો પાયલટ હતો, જે સુરક્ષામાં મોટી ખામી તરફ સંકેત કરે છે. આ જ રીતે ઓમાનના એક ડઝનથી વધુ પાયલટ્સ વિદેશી એરલાઈન્સના કર્મચારી તરીકે ઈઝરાયેલમાં ઘૂસ્યા છે અને વિમાનો ઉડાવી રહ્યા હોવાના અહેવાલ છે. ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ એટલી હદે બેદરકારી દાખવી અને વિદેશી એરલાઈન્સના પાયલટ્સની ક્યારેય કોઈ તપાસ કરી નહીં. તેમણે એરલાઈન્સના ભરોસે જ પોતનું કામ છોડી દીધું હતું. એવિએશન ઈન્ડસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, શિન બેટ પાસે માત્ર પાંચ મિનિટમાં વિદેશી એરલાઈન્સના પાયલટ્સનું બેકગ્રાઉન્ડ જાણવાના બધા જ સંશાધનો હતા, પરંતુ તેમણે જાણી જોઈને આંખો મીંચી દીધી. ઈઝરાયેલના અધિકારીઓને વિદેશી એરલાઈન્સ પર એટલો આંધળો વિશ્વાસ થવા લાગ્યો કે કેટલાક વર્ષોમાં તેમણે કોઈ સમીક્ષા જ કરી નહીં.




