UAE માં 23 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 14ના મોત, મૃતકોમાં એક ગુજરાતી સહિત 4 ભારતીયો સામેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UAE Accident : સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ ખાતે શેખ ખલીફા બિન જાયદ રોડ પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રક સહિત કુલ 23 વાહનો વચ્ચે સર્જાયેલી આ ભયાનક ટક્કરમાં 14 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 30 લોકો ગંભીર રીતે ઘવાયા છે. મૃતકોમાં 4 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જેમાં કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યો અને ગુજરાતના 13 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે.
ગુજરાતના 13 વર્ષીય બાળકનું કરૂણ મોત
આ દુર્ઘટનામાં ગુજરાતના 13 વર્ષીય બાળક આતિફ મોહમ્મદ ઇમરાન મન્સૂરનું કરૂણ મોત નીપજ્યું છે. આતિફ પોતાના પરિવાર સાથે યુએઈમાં રજાઓ માણવા અને ફરવા માટે ગયો હતો. અકસ્માત સમયે તેનો પરિવાર ભારત પરત ફરવા માટે ફુજૈરાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યો હતો, ત્યારે જ કાળનો પંજો ત્રાટક્યો હતો. આ દુર્ઘટનામાં આતિફના માતા-પિતા અને મોટી બહેન પણ ગંભીર રીતે ઘવાયા છે, જેમની હાલ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કેરળના પરિવારના 3 સભ્યો હોમાયા
અકસ્માતમાં કેરળના મલપ્પુરમ જિલ્લાના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોની ઓળખ મોહમ્મદ અસ્મિલ, તેમની જુડવા બહેન મિસ્ના જુબીન અને તેના ત્રણ વર્ષના ભાણેજ મોહમ્મદ ફૈયસ તરીકે થઈ છે.
30 લોકો ઈજાગ્રસ્ત, 7 ભારતીયો સારવાર હેઠળ
યુએઈના ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતકોમાં 10 યુએઈના સ્થાનિક નાગરિકો અને 4 ભારતીયો છે. આ ઉપરાંત અકસ્માતમાં ઘવાયેલા 30 લોકોમાં યુએઈના 8, જોર્ડનના 2, ભારતના 7, પાકિસ્તાનના 2, ઇજિપ્તના 3, ઓમાનના 6 અને બ્રાઝિલના 2 નાગરિકો સામેલ છે. દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લઈ ઘવાયેલા ભારતીયોની ખબરઅંતર પૂછી હતી અને પીડિત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?
અધિકારીઓની પ્રાથમિક તપાસ મુજબ, હાઈવે પર સમારકામનું કામ ચાલી રહ્યું હોવાથી જમણી બાજુની લેન બંધ હતી. આ દરમિયાન એક વાહન રસ્તા કિનારે ઉભેલા ટ્રક સાથે અથડાયું હતું. આ પહેલી ટક્કર બાદ પાછળથી બે શિપિંગ કન્ટેનર લઈને આવી રહેલા એક મોટા ટ્રકે નિયંત્રણ ગુમાવતા આગળ જઈ રહેલા અનેક વાહનોને રોંદી નાખ્યા હતા અને ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માત માટે જવાબદાર ટ્રક ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો છે અને તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.




