ઈમરાન ખાનને હોસ્પિટલ ખસેડવા અંગે શહબાઝ સરકારની સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી, પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shehbaz Sharif Govt Review Petition Rejects: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અને તેમને જેલમાંથી બહાર સારવાર અર્થે ખસેડવાનો મુદ્દો હવે મોટો રાજકીય વિવાદ બની ગયો છે. શહબાઝ શરીફ સરકાર અને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ વચ્ચે આ મામલે ઘર્ષણ વધતું દેખાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની રાહત આપી હતી, પરંતુ સરકારે આ આદેશનો અમલ કરવાને બદલે તેને પડકારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સરકારની ભારે ફજેતી થઈ છે.
સુપ્રીમ કોર્ટે સરકારની રિવ્યૂ અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને 48 કલાકની અંદર શિફા હોસ્પિટલમાં ભરતી કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશની સમયસીમા પૂરી થવાની સાથે જ ઇસ્લામાબાદના ચીફ કમિશનર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી. સરકાર ઇચ્છતી હતી કે કોર્ટ પોતાના આદેશની સમીક્ષા કરે અને ઇમરાન ખાનને જેલની અંદર અથવા સરકારી હોસ્પિટલમાં જ સારવાર આપવાની મંજૂરી આપે. પરંતુ સુપ્રીમ કોર્ટે ટેકનિકલ ખામીઓ હોવાના કારણે આ રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી.
સરકારનું નિવેદન: 'આખરી નિર્ણય આવ્યા બાદ નિર્ણય લઈશું'
શહબાઝ શરીફ સરકારે જણાવ્યું છે કે અરજીમાં રહેલી ભૂલો સુધારીને ફરીથી રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવશે. સરકારનો તર્ક છે કે સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ જેલના નિયમો મુજબ નથી અને જો ઇમરાન ખાનને ખાનગી હોસ્પિટલમાં સારવારની મંજૂરી આપાશે તો અન્ય કેદીઓ પણ આવી જ માંગ કરશે. જોકે, કોર્ટે ઇમરાન ખાનની સારવાર માટે 16 સપ્ટેમ્બર સુધી ખાનગી હોસ્પિટલની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે.
48 કલાકની મુદત પૂરી, છતાં ઇમરાન જેલની બહાર ન આવ્યા
સુપ્રીમ કોર્ટના આદેશની 48 કલાકની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, ઇમરાન ખાનને હજુ સુધી જેલમાંથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા નથી. ઇમરાન ખાનના વકીલોએ આદેશની નકલ અદિયાલા જેલના સુપરિન્ટેન્ડેન્ટને સોંપી દીધી છે, છતાં અમલ થયો નથી. તેથી હવે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સરકાર સામે કોર્ટના આદેશની અવગણનાનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારીમાં છે.
PTI સરકાર સામે નોંધાવશે 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ'નો કેસ
PTI નેતા જુનૈદ અકબરે જણાવ્યું છે કે, પાર્ટીના નેતાઓ શહબાઝ શરીફ સરકાર સામે અદાલતની અવમાનના (Contempt of Court) નો કેસ દાખલ કરશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, જો ઇમરાન ખાન જેલમાંથી બહાર આવશે તો સરકાર સામે મોટો રાજકીય ખતરો ઊભો થઈ શકે છે, તેથી સરકાર આદેશનો અમલ ન કરવાના બહાના શોધી રહી છે.
હવે આગળ શું થશે?
હાલમાં શહબાઝ શરીફ સરકાર નવી રિવ્યૂ પિટિશન દાખલ કરવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ PTI અદાલતની અવમાનનાનો કેસ કરવા જઈ રહી છે. જો કોર્ટ પોતાના આદેશ પર અડીખમ રહેશે, તો શહબાઝ શરીફ સરકાર પર ઇમરાન ખાનને ખાનગી હોસ્પિટલ મોકલવાનું દબાણ વધુ વધશે.









