- વિશ્વના વિવિધ ક્ષેત્રોની અગ્રણી હસ્તીઓ સામે
- યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વિવાદાસ્પદ નેતાઓ ઉપરાંત નવયુવાન ઝોહરાન મમદાની પણ સામેલ
- પાકકલા ઉપરાંત માનવીય કાર્યો માટે વિકાસ ખન્ના તેમજ યુટયુબમાં ક્રાંતિ લાવનાર નીલ મોહનનો સમાવેશ
ન્યુ યોર્ક : ૨૦૨૬ ટાઈમ ૧૦૦ યાદીમાં રાજકરણ, ટેકનોલોજી, કલા અને સામાજિક ક્ષેત્રમાં વિશ્વને પરિવર્તનની પ્રેરણા આપનાર વિવિધ વર્ગની પ્રભાવશાળી વ્યક્તિઓને સામેલ કરવામાં આવે છે. મહત્વના નામોમાં સુંદર પિચઈ, વિકાસ ખન્ના, રણબીર કપૂર, નીલ મોહન અને ઝોહરાન મમદાનીના નામ સામેલ છે. ટાઈમ ૧૦૦માં સામેલ વ્યક્તિઓ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેમનો પ્રભાવ કોઈ એક ક્ષેત્ર, વય અને ભૌગોલિક સીમા સુધી સીમિત ન હોય. એમાં એઆઈથી લઈને કલાના ક્ષેત્રમાં પોતાના યોગદાન દ્વારા વિશ્વને પ્રભાવિત કરનાર હસ્તીઓના નામ સામેલ છે.
યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, બેન્જામીન નેતાન્યાહુ અને માર્ક કાર્ની જેવા શક્તિશાળી વૈશ્વિક નેતાઓ ઉપરાંત સંશોધકો, કલાકારો અને બદલાવ લાવનારા પણ સામેલ છે. ટાઈમે સ્પષ્ટતા કરી છે કે આજના સમયમાં લેખક અને વૈજ્ઞાાનિક શોધથી લઈને રમતમાં ઉપલબ્ધિ અને રાજકીય નેતાગીરી સુધી વિસ્તરતા પ્રભાવના અનેક પાસા હોય છે. આ યાદીમાં વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓ કેવી રીતે સમકાલીન સમાજમાં પ્રભાવની નવી વ્યાખ્યા ઘડી રહી છે તે જોવા મળે છે.
યાદીમાં સૌથી મહત્વનું નામ છે સુંદર પિચઈનું, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અબજો લોકો સુધી પહોંચાડવાનું શ્રેય આપવામાં આવ્યું છે. ૨૦૧૫માં ગૂગલના સીઈઓ બન્યા પછી તેમણે એઆઈ સાધનો અને મંચો દ્વારા નવીનતાને પ્રોત્સાહન આપ્યું અને સુનિશ્ચિત કર્યું કે કંપની ડીપ-ટેકમાં વૈશ્વિક નેતા બની રહે. ટેકનોલોજીકલ પ્રગતિ અને તેના વ્યાપક ઉપયોગ બંનેમાં તેમના ગાઢ પ્રભાવ સાથે તેમની નેતાગીરીમાં એઆઈ કેવી રીતે માહિતી, કાર્ય અને સત્તાને ફરી નવો આકાર આપી રહી છે તેનું પ્રતિબિંબ પડે છે.
શેફ વિકાસ ખન્ના તેમની ઉત્કૃષ્ટ પાક-કલા ઉપરાંત તેમના માનવતાવાદી પ્રભાવ અને સાંસ્કૃતિક વાર્તાઓ માટે પણ પ્રસિદ્ધ છે. તેમની ન્યુ યોર્ક રેસ્ટોરન્ટ, 'બંગલો' એવી વિરાસત અને નવીનીકરણના મિશ્રણનું પ્રતીક છે જેમાં ભોજન દ્વારા વિવિધ સંસ્કૃતિના લોકોને જોડવામાં આવે છે. એવી જ રીતે રણબીર કપૂરની એટલા માટે પ્રશંસા કરાઈ છે કે તેણે પોતાના સૂક્ષ્મ, ભાવનાઓથી સમૃદ્ધ પરફોર્મન્સ દ્વારા અભિનયની પરિભાષા જ બદલી નાખી, તેમનો અભિનય દર્શકો સાથેના જોડાણને વધુ ગાઢ બનાવે છે અને ભારતીય સિનેમાની વૈશ્વિક ઓળખને વધુ ઊંચે લાવે છે.
દરમ્યાન નીલ મોહને ટેકનોલોજી, સર્જકો અને જાહેરાતકારો વચ્ચે સંતુલન કરીને યુ ટયુબને એક પ્રભાવશાળી વૈશ્વિક મનોરંજન હબમાં પરિવર્તિત કર્યું છે. પોતાની ભૂમિકામાં સૌથી યુવા નેતા પૈકી એક ઝોહરાન મમદાની નવી રાજનીતિક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમણે પડકારોનો સામનો કરીને ડેમોક્રેટિક પાર્ટીમાં નવચેતન ભર્યું. એકંદરે આ હસ્તીઓ ટાઈમના કેન્દ્રીય સંદેશને ઉજાગર કરે છે: આજના યુગમાં પ્રભાવ સીમાઓથી પાર જઈને કંઈક નવું કરવાની, લોકોને જોડવાની અને બદલાવ પ્રેરિત કરવાની ક્ષમતામાં રહેલો છે.


