- અમેરિકન વિજ્ઞાનીઓ ચંદ્ર પર ચણાના ઝાડ ઉગાડવા અધીરાં બન્યા
- ચંદ્ર પર ખોરાક લઇ જવાનું પરવડે તેમ ન હોવાથી અંતરિક્ષયાત્રીએ અનાજ ઉગાડવાનું શીખવું જરૂરી છે
વોશિંગ્ટન: પરગ્રહ પર અંતરિક્ષયાત્રીઓની ભૂખ ભાંગે તેવા પાક ઉગાડવાની દિશામાં કામ કરતાં ટેક્સાસ એએન્ડએમ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ માયલેસ નામની ચણાની જાત હવામાન નિયંત્રિત ચેમ્બરમાં ઉગાડવામાં સફળતા મેળવી છે. વિજ્ઞાનીઓએ નાસાના અપોલો મિશન દરમ્યાન મેળવવામાં આવેલી ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી છે. પણ હાલ તેમાં રહેલી ધાતુઓનું પરીક્ષણ ચાલુ હોઇ તે ખાવામાં કેવા લાગે છે તેનું પરીક્ષણ કરવાનું હજી બાકી છે.
ચણાનો પાક લેવા માટે વિજ્ઞાનીઓએ ચણાના બીજને લાભકારક ફૂગથી કોટિંગ કરી તેને સિમ્યુલેટેડ લુનાર ધરતીમાં રોપ્યા હતા. આ લુનાર ધરતી ફલોરિડા સ્થિત કંપની સ્પેસ રિસોર્સ ટેકનલોજીઝ દ્વારા બનાવવામાં આવી છે.કાર્બનિક કચરામાંં પૃથ્વીના અળસિયાંઓએ પોષક વર્મિકોમ્પોસ્ટ બનાવ્યું તેમાં ચંદ્રની ધૂળને ભેળવવામાં આવી હતી.
૭૫ ટકા ચંદ્રની ધૂળ મિલાવેલી હોય તેવી ધરતી પર ચણાનો લણી શકાય તેવો પાક લઇ શકાય છે. પણ ચંદ્રની ધૂળ જેને રિગોલિથ તરીકે ઓળખવામાં આવે છે તેનું પ્રમાણ વધારવામાં આવે તેમ ચણાનો પાક ઘટે છે. ૧૦૦ ટકા ચંદ્રની ધૂળમાં વાવવામાં આવેલાં ચણાનો પાક નિષ્ફળ ગયો હતો. ટેક્સાસ એએન્ડ એમ યુનિવર્સિટીના જમીન અને પાકવિજ્ઞાન વિભાગમાં ડોક્ટોરલ સ્ટડી કરી રહેલાં નાસાના ફેલો જેસિકા એટકિન્સે જણાવ્યું હતું કે ચણામાં પ્રોટીન તથા અન્ય પોષક તત્વો વધારે હોઇ તે અંતરિક્ષયાત્રીઓ માટે આદર્શ પાક બની રહે તેમ છે. જર્નલ સાયન્ટિફિક રીસર્ચમાં પ્રકાશિત થયેલાં અભ્યાસ અનુસાર ચંદ્રના થાણાં પર વસવાટ કરનારાં લોકો માટે સ્થાનિક ખોરાક મહત્વનો હોઇ ચણાનો પાક લેવામાં આવ્યો હતો. ચંદ્રની ધૂળથી મિશ્રિત ધરતીમાં આ ચણાને ઉગાડવામાં આવ્યા હતા.
સહસંશોધક સારા ઓલિવિયેરા સાન્ટોસે જણાવ્યું હતું કે અમારું ધ્યેય ચંદ્ર કે મંગળ પર વસાહત સ્થાપવાનું હોય તો પ્રથમ આપણે ચંદ્ર પર ખોરાક ઉગાડવાનું શીખવું પડે. કેમ કે અંતરિક્ષયાનમાં ખોરાક લઇને જવાનું પરવડે તેમ નથી. વળી ચંદ્ર પર સમયસર ખોરાકની ડિલિવરી થાય તેના પર અંતરિક્ષ યાત્રી નિર્ભર ન રહી શકે. ઇંગ્લેન્ડની નોર્થઉમબ્રિયા યુનિવર્સિટીના એસ્ટ્રોબાયોલોજિસ્ટ જ્યોતિ બાસાપથી રાઘવેન્દ્રના જણાવ્યા અનુસાર આ છોડ ઓક્સિજન પેદાં કરવામાં પણ સહાયરૂપ બને છે. જે ભાવિ માનવવસાહત સ્થાપવા માટે જીવન ટકાવી રાખનારી વ્યવસ્થા માં મહત્વપૂર્ણ બની શકે. રાઘવેન્દ્ર મંગળની સિમ્યુલેટેડ ધરતી પર પાક લેવાની દિશામાં સંશોધન કરી રહ્યા છે.
હાલ આ ચણામાં ધાતુનો હિસ્સો કેટલો છે તેની ચકાસણી ચાલુ હોઇ તેનો સ્વાદ કેવો છે તેનું પરીક્ષણ કરી શકાયું નથી. આ વર્ષે બાદમાં થનારાં નવા અભ્યાસમાં તેના સ્વાદની વિગતો જણાવાશે . એટકિન્સે જણાવ્યું હતું કે આ મિશ્ર ધરતીમાં એલ્યુમિનિયમ અને લોહનું પ્રમાણ વધારે હોય છે. લોહ તો પોષક તત્વ છે પણ એલ્યુમિનિયમ નથી.પરીક્ષણ વિના આ ચણા ચાખવામાં આવે તો તેમાં રહેલું એલ્યુમિનિયમ ઘાતક નીવડી શકે.


