Get The App

અમેરિકા માટે નાકનો સવાલ? હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પે ફાઈટર જેટ અને અપાચેની ફૌજ ઉતારી

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા માટે નાકનો સવાલ? હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પે ફાઈટર જેટ અને અપાચેની ફૌજ ઉતારી 1 - image

Iran America War : ઈરાન વિરુદ્ધ અમેરિકાનું યુદ્ધ છેલ્લા 20 દિવસથી સતત જારી છે. આ યુદ્ધમાં અમેરિકા અત્યાર સુધી અબજો ડોલર ખર્ચી ચૂક્યું છે અને તેના અનેક સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વની એવી હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર લગભગ બંધ કરી દીધી છે, જેના કારણે વિશ્વભરમાં ઈંધણ પુરવઠાને લઈને ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

અમેરિકાએ હોર્મુઝ ખોલવા પૂરી તાકાત લગાવી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુરોપ, ચીન અને જાપાન જેવા દેશો પાસે આ દરિયાઈ માર્ગ ખુલ્લો કરાવવા માટે મદદ માંગી રહ્યા છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ અનુસાર ઈરાની ડ્રોનને રોકવા માટે અમેરિકાએ આ વિસ્તારમાં અનેક અપાચે હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. અમેરિકી ફાઈટર જેટ્સ ઈરાની નૌકાદળના ઠેકાણાઓ પર ખૂબ જ ઓછી ઊંચાઈએથી હુમલા કરી રહ્યા છે. અગાઉ અમેરિકાએ ઈરાનના મિસાઈલ ઠેકાણાઓ પર 5,000 પાઉન્ડના ઊંડી અસર કરતા બોમ્બ વરસાવ્યા હોવાનો દાવો કર્યો હતો, જેથી એન્ટી-શિપ ક્રુઝ મિસાઈલનો ખતરો ટાળી શકાય.

આ પણ વાંચો  રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી 'ગરીબ' કોણ?

ઈરાનનું કડક વલણ

ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે આ માર્ગ પરથી જહાજોને પસાર થવા દેશે નહીં. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામનેઈએ સંકેત આપ્યો છે કે હોર્મુઝ પરના નિયંત્રણમાં કોઈ ઢીલ આપવામાં આવશે નહીં. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, અમેરિકા, ઇઝરાયલ અને તેમના સહયોગીઓ સિવાયના આંતરરાષ્ટ્રીય જહાજો માટે આ માર્ગ ખુલ્લો છે. જોકે, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે.

તેલ પુરવઠો ખોરવાતા દુનિયામાં મોંઘવારીનો ખતરો

જેપી મોર્ગનના અહેવાલ મુજબ, જો હોર્મુઝ સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો સાઉદી અરેબિયા, ઈરાક, કતર અને યુએઈ જેવા તેલ ઉત્પાદક દેશો મહત્તમ 25 દિવસ સુધી જ ઉત્પાદન ચાલુ રાખી શકશે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20 ટકા હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થાય છે. સપ્લાય ચેઈન ખોરવાવાને કારણે કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેનાથી વિશ્વભરમાં ઈંધણના ભાવ અને મોંઘવારી વધી રહી છે.

અમેરિકા કેમ દબાણમાં છે?

ડોનાલ્ડ ટ્રમ્પ દલીલ કરી રહ્યા છે કે, યુરોપ અને એશિયાની સરખામણીએ અમેરિકા અખાતી દેશોમાંથી ઓછું તેલ આયાત કરે છે, તેથી અન્ય દેશોએ પણ હોર્મુઝ ખોલાવવા આગળ આવવું જોઈએ. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે જો વૈશ્વિક તેલના ભાવ વધશે, તો તેની સીધી અસર અમેરિકી અર્થતંત્ર પર પણ પડશે.