World

અમેરિકાના ઓહાયોમાં એક હિન્દુ મંદિર પર પથ્થરમારો, તોડફોડ

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન: અમેરિકાના ઓહિયોમાં ગ્રેટર ક્લેવલેન્ડ સ્થિત શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલધામ પર અજાણ્યા શખ્સોએ ઈંટ-પથ્થરો વડે હુમલો કરી તોડફોડ કરી હતી. આ હેટ ક્રાઈમની ઘટનામાં મંદિરની બારીઓને નુકસાન થયું હતું, જોકે પૂજારી સહિત કોઈને ઈજા થઈ ન હતી. આ હુમલો નવરાત્રી અને હિન્દુ હેરિટેજ મહિનાની ઉજવણી પૂર્વે થયો છે. સ્થાનિક મેયરને યોગ્ય પગલાં લેવા વિનંતી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના ઓહાયોમાં એક હિન્દુ મંદિર પર પથ્થરમારો, તોડફોડ
  • હિન્દુઓ વિરુદ્ધ હેટ ક્રાઇમની ઘટના
  • હુમલા સમયે મંદિરમાં પુજારીઓ અને અન્ય લોકો હાજર હતા, હુમલાખોરો ફરાર

વોશિંગ્ટન : અમેરિકાના ઓહિયોમાં એક હિન્દુ મંદિર પર હુમલો કરીને તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા ઇંટ-પથ્થરો વડે મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મંદિરની બારીઓને નુકસાન થયું હતું. આ ઘટના સમયે પુજારી અને અન્ય કેટલાક લોકો મંદિરની અંદર હતા.
કોઅલિશન ઓફ હિન્દુ ઓફ નોર્થ અમેરિકા નામના સંગઠને જણાવ્યું હતું કે અમેરિકાના ઓહિયોના ગ્રેટર ક્લેવલેન્ડ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામીનારાયણ હિન્દુ મંદિર વડતાલધામ પર હુમલો થયો હતો, તે સમયે પુજારી સહિતના લોકો મંદિરની અંદર હાજર હતા, જોકે કોઇને ઇજા નથી પહોંચી. સંગઠને જણાવ્યું હતું કે અમે સ્થાનિક મેયર કિમ થોમસને આવી ઘટનાઓ ના બને તે માટે યોગ્ય પગલા લેવા વિનંતી કરી છે.
સંગઠન દ્વારા મંદિરમાં તોડફોડની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી હતી. અન્ય એક સંગઠન હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ હેટ ક્રાઇમનો મામલો હોઇ શકે છે, ભારતીયો અને હિન્દુ સમાજની સુરક્ષા માટે એજન્સીઓ દ્વારા યોગ્ય પગલા લેવા જોઇએ. આ હુમલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય અમેરિકનો દ્વારા નવરાત્રીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ હિન્દુ હેરિટેજ મહિનાની પણ ઉજવણી ચાલી રહી છે. આ પહેલા પણ અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવી ચુકી છે. ગયા વર્ષે જ કેલિફોર્નિયામાં બીએપીએસ મંદિર પર નફરતભર્યો સંદેશો લખવામાં આવ્યો હતો.