મધ્ય-પૂર્વમાં સંકટની શ્રીલંકામાં ગંભીર અસર, એક લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ 400 રૂપિયા પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sri Lanka Petrol, Diesel, Kerosene Prices Hike : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષની સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળી રહી છે. રવિવારે શ્રીલંકા સરકારે ઈંધણના ભાવમાં ઝીંકેલા 25% સુધીના તોતિંગ વધારાએ જનતાની કમર તોડી નાખી છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી છે, જેના પગલે શ્રીલંકાએ એક જ અઠવાડિયામાં બીજી વાર ભાવ વધારો કરવો પડ્યો છે.
શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ-કેરોસીનના ભાવમાં ધરખમ વધારો
નવા વધારા બાદ શ્રીલંકામાં ઓટો ડીઝલની કિંમત 303 રૂપિયાથી વધીને 382 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે સુપર ડીઝલ 443 રૂપિયા સુધી પહોંચી ગયું છે. પેટ્રોલના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે, જેમાં 92 ઓક્ટેન પેટ્રોલ હવે 398 રૂપિયા અને 95 ઓક્ટેન 455 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત કેરોસીનના ભાવમાં પણ 30%થી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
દેશવ્યાપી હડતાળની ચીમકી
ઈંધણ મોંઘું થતા જ ખાનગી બસ ઓપરેટરોએ ભાડામાં 15% વધારાની માંગ કરી છે અને જો માંગ પૂરી નહીં થાય તો દેશવ્યાપી હડતાળની ચીમકી આપી છે. નેશનલ ટ્રાન્સપોર્ટ કમિશનના જણાવ્યા મુજબ બસ ભાડામાં 10%થી વધુનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે. આ મોંઘવારીને કારણે આગામી દિવસોમાં દેશમાં ફુગાવો 5થી 8 ટકા સુધી વધી શકે તેવી ભીતિ છે.
વિપક્ષે સરકારની આકરી ટીકા કરી
બીજી તરફ વિપક્ષે સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, અત્યારે પેટ્રોલ પર 119 શ્રીલંકન રૂપિયા અને ડીઝલ પર 93 રૂપિયા જેટલો ટેક્સ વસૂલવામાં આવે છે. વિપક્ષની માંગ છે કે જનતાને રાહત આપવા માટે સરકારે આ ટેક્સ નાબૂદ કરવો જોઈએ. સરકારે હાલમાં જનતાને ઈંધણ અને વીજળીનો ઉપયોગ વિચારીને કરવા તેમજ સંગ્રહખોરીથી બચવા અપીલ કરી છે.








