સેઉટા પર ફરી સ્પેનનું 'નિયંત્રણ' : 48 હજાર પ્રવાસી મોરોક્કો પાછા ફર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઉત્તર આફ્રિકન સ્પેનિશ શહેરમાં ઘૂસણખોરીના પ્રયાસમાં 70નાં મોત
- હજારો ગેરકાયદે વસાહતીઓનો સેઉટામાં ફૂટપાથ, પાર્ક, ખુલ્લા વિસ્તારો પર જમાવડો, શહેરમાં લૂંટફાટ મચાવી
- સ્પેનિશ સરકાર મોરોક્કોની ઉત્તર અને સેઉટા શહેરની સરહદે 500 મીટર લાંબી ફેન્સ બનાવશે
મેડ્રિડ : સ્પેન સરકારે તેના ઉત્તર આફ્રિકન શહેર સેઉટામાં અચાનક ઊભા થયેલા ગેરકાયદે વસાહતીઓની ઘૂસણખોરીના સંકટ પર કાબૂ મેળવવાની સાથે શહેર પર ફરી એક વખત નિયંત્રણ મેળવી લીધું છે. મોરોક્કોની સરહદ પાર કરી અંદાજે ૬૦,૦૦૦થી વધુ લોકોએ સેઉટામાં ઘૂસણખોરી કરી હતી, પરંતુ તેમાંથી ૪૮,૦૦૦ જેટલા લોકો બીજા જ દિવસે મોરોક્કો પાછા ફરી ગયા છે. સરકારે સેઉટાની સુરક્ષા વધારવા ૫૦૦ મીટર લાંબી ફેન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. સ્પેનિશ શહેરમાં જમીન તેમજ સમુદ્રી માર્ગે ઘૂસણખોરીના પ્રયાસમાં મૃત્યુઆંક વધીને ૭૦ થઈ ગયો છે.
ઉત્તર આફ્રિકામાં સ્પેનના કોલોનિયલ શહેર સેઉટામાં આ સપ્તાહે ગેરકાયદે વસાહતીઓની ઘૂસણખોરીનું મોટું સંકટ સર્જાયું હતું. કુલ ૮૪,૦૦૦ની વસતીવાળા સ્પેનિશ શહેરમાં ૬૦,૦૦૦થી વધુ ગેરકાયદે વસાહતીઓ ઘૂસી આવતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. ઘૂસણખોર વસાહતીઓએ સ્થાનિક લોકો અને સ્પેનિશ પોલીસ તથા સૈનિકો સાથે ઘર્ષણ વચ્ચે સેઉટાના રસ્તા પર રાત વિતાવી હતી.
આફ્રિકન મુસ્લિમ દેશ મોરોક્કોમાંથી મોટાભાગે હજારો યુવાનો શહેરમાં ઘૂસી આવતા સેઉટાના નગરવાસીઓ સંભવિત હિંસા અને લૂંટફાટથી ચિંતિત થઈ ગયા હતા. સેંકડો ઘૂસણખોરો સ્થાનિક લોકોના ઘરો, દુકાનો, મોલમાં ઘૂસી ગયા હતા અને ભોજન તેમજ અન્ય વસ્તુઓની લૂંટફાટ કરી હતી. અનેક જગ્યાએ તેમણે ગાડીઓને આગ લગાવી દીધી હોવાના પણ અહેવાલ છે. જોકે, અંદાજે ૪૫,૦૦૦ લોકો પોતાની મરજીથી જ મોરોક્કો પાછા ફરી ગયા હતા જ્યારે કેટલાક હજાર લોકોને પકડીને મોરોક્કો પાછા ધકેલી દેવાયા છે તેમ સ્પેનના એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે હજુ પણ હજારો લોકો સેઉટા શહેરમાં ફસાયેલા છે, જેઓ ફૂટપાથ પર અને ખુલ્લામાં રહે છે. એક રિપોર્ટ મુજબ અંદાજે ૭,૦૦૦ સગીરો અને બાળકો સેઉટામાં છે.
સેઉટામાં રાતોરાત ઉભા થયેલા સંકટ પછી સ્પેનની સરકારે જણાવ્યું કે, તેણે એકંદરે આ સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે. સરકાર હવે મોરોક્કોની ઉત્તર અને સેઉટા શહેરની સરહદે ૫૦૦ મીટર લાંબી ફેન્સ બનાવશે. સમુદ્રમાંથી આવતા લોકોને રોકવા માટે બ્રેકવોટર સરહદ પર નવા બ્લોક બેરિયર બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે.
દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં ગેરકાયદે ઘૂસણખોરી રોકવા જતા સુરક્ષા દળો સાથેની અથડામણ, સમુદ્રમાં તરીને આવતી વખતે અથવા જમીન માર્ગે ફેન્સ કૂદીને આવવાના પ્રયાસમાં કુલ મૃત્યુઆંક વધીને ૭૦ થઈ ગયો છે. સ્પેનનાં વડાંપ્રધાન પેડ્રો સાંચેઝે સેઉટામાં સરહદ ભંગની આકરી ટીકા કરી હતી અને આ ઘટનાઓને સ્પેનની પ્રાદેશિક અખંડતાનો ભંગ ગણાવી હતી.




