સ્પેસ એક્સ રોકેટ ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગયા વર્ષે લ્યુનર લેન્ડર્સને ચંદ્ર પર લઈ ગયું હતું
- અવાજથી સાત ગણી ઝડપે રોકેટની ટક્કરથી ચંદ્ર પર ૨૭ મીટર પહોળો અને પાંચ મીટર ઊંડો ખાડો પડશે
કેપ કેનેવેરલ : એક વર્ષથી વધુ સમય સુધી અંતરીક્ષમાં ફર્યા પછી સ્પેસએક્સનું એક ત્યજી દેવાયેલું રોકેટ બુધવારે ચંદ્ર સાથે ટકરાશે. લગભગ ૮,૭૦૦ કિ.મી.પ્રતિ કલાક (અવાજથી સાત ગણી) ની ઝડપે આ રોકેટ ચંદ્રના સૂર્યના પ્રકાશવાળા પશ્ચિમી હિસ્સામાં આઈન્સ્ટીન ક્રેટર પાસે ટકરાય તેવી સંભાવના છે. જોકે આ અથડામણથી કોઈ તાત્કાલિક જોખમ નથી, પણ વિજ્ઞાનીઓ આ ઘટનાને ટક્કરની અસર અને ભવિષ્યના ચંદ્ર મિશનો માટે અંતરીક્ષ કાટમાળથી થનારા જોખમનો અભ્યાસ કરવાની તક માને છે. ચંદ્ર પર આ આવા પ્રકારની બીજી અથડામણ છે. અગાઉ ૨૦૨૨માં એક ચીની રોકેટનો હિસ્સો ચંદ્રની દૂરની બાજુ અથડાતા બે ખાડા પડી ગયા હતા.
બાર મીટર લાંબા અને ૪,૫૦૦ કિલોગ્રામ વજનનો આ રોકેટનો હિસ્સો જાન્યુઆરી ૨૦૨૫માં બે ખાનગી લ્યુનર લેન્ડર્સને લઈને ગયો હતો. એમાંથી એક ફાયરફ્લાય એરોસ્પેસનો બ્લ્યુ ઘોસ્ટ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યો, જ્યારે જાપાનનો આઈસ્પેસ લેન્ડર ક્રેશ થઈ ગયો. વિશેષજ્ઞાોના જણાવ્યા અનુસાર જો મિશન પુરુ થયા પછી રોકેટને સૂર્યની ચારે બાજુ ભ્રમણકક્ષામાં મોકલી દેવામાં આવ્યું હોત તો આ અથડામણ નિવારી શકાઈ હોત.
વિજ્ઞાનીઓનું અનુમાન છે કે અથડામણથી લગભગ ત્રણ ટન ટીએનટી જેટલી ઊર્જા નિકળશે, જેનાથી લગભગ ૨૭ મીટર પહોળો અને પાંચ મીટર ઊંડો ખાડો બનશે. જો કે આ અથડામણથી થનારો પ્રકાશ એટલો ઝાંખો હશે કે તેને જોઈ નહિ શકાય,પણ ધૂળ અને કાટમાળના વાદળ ટેલીસ્કોપથી કેટલીક મિનિટો સુધી જોઈ શકાશે. નાસાનું લ્યુનર રીકોનેસાન્સ ઓર્બિટર અને દક્ષિણ કોરિયાનું દાનુરી ઓર્બિટર ટક્કરથી પહેલા અને પછી આ સ્થળની માહિતી એકત્ર કરશે.
આ ઘટના ચંદ્ર વિશે થતા સંશોધનો સાથે અંતરીક્ષ કાટમાળને સંભાળવામાં વધતા પડકાર પણ ઉજાગર કરે છે. સંશોધકોના મતે આ યોગ્ય રીતે ટ્રેક કરવામાં આવતી ટક્કરનો અભ્યાસ કરીને ભવિષ્યના અંતરીક્ષ યાત્રિઓ અને રોબોટિક મિશનો માટે કાટમાળથી થતા જોખમો વિશે બહેતર જાણકારી મળશે. અમેરિકા અને ચીનના નવા સમાનવ ચંદ્ર મિશનોની તૈયારી સાથે, વિશેષજ્ઞાોએ બહેતર અંતરીક્ષ ટ્રેફિક મેનેજમેન્ટ અને કાટમાળની દેખરેખ કરતી સીસ્ટમની ભલામણ કરી છે.









