Get The App

હવામાં સેલ્ફી લેવી મોંઘી પડી! પાયલોટની એક ભૂલના કારણે બે વિમાનો વચ્ચે ટક્કર

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
હવામાં સેલ્ફી લેવી મોંઘી પડી! પાયલોટની એક ભૂલના કારણે બે વિમાનો વચ્ચે ટક્કર 1 - image

Daegu Mid Air Collision 2021 Report: દક્ષિણ કોરિયાની વાયુસેનાના તિહાસમાં એક અત્યંત શરમીજનક અને બેદરકારીભરી ઘટનાની વિગતો તપાસ અહેવાલ દ્વારા બહાર આવી છે. હવામાં હજારો ફૂટની ઊંચાઈએ ફાઈટર જેટ ઉડાવતા પાયલોટ્સ જ્યારે સુરક્ષાના પ્રોટોકોલ ભૂલીને ફોટા પાડવા અને વીડિયો ઉતારવામાં મશગૂલ થઈ જાય ત્યારે કેવી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. વર્ષ 2021માં સર્જાયેલી બે F-15K ફાઇટર જેટની ટક્કર પાછળ પાયલોટ્સનો સેલ્ફી ક્રેઝ જવાબદાર હોવાનું સત્તાવાર રીતે સાબિત થયું છે.

ફ્લાઇટને યાદગાર બનાવવાની લાલચ પડી ભારે

દક્ષિણ કોરિયાના દેગુ શહેર પાસે વાયુસેનાના બે અત્યાધુનિક F-15K વિમાનો એક નિયમિત મિશન પર હતા. આ મિશન દરમિયાન વિંગમેન એરક્રાફ્ટના પાયલોટની તે યુનિટ સાથેની  છેલ્લી ફ્લાઇટ હતી. પોતાની આ છેલ્લી ઉડાનને હંમેશા માટે યાદગાર બનાવવાના હેતુથી પાયલોટે મિશન દરમિયાન જ ફોટા પાડવાનું નક્કી કર્યું હતું. નવાઈની બાબત છે કે, ઉડાન ભરતા પહેલાની બ્રીફિંગમાં પણ તેણે આ ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કોઈએ તેને અટકાવ્યો નહીં. જ્યારે વિમાનો પોતાનું મિશન પૂરું કરીને બેઝ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ પાયલોટે તેના અંગત મોબાઇલ ફોનથી ફોટા પાડવાનું શરૂ કર્યું હતું.

વીડિયો શૂટિંગ અને જોખમી સ્ટંટ

વિંગમેન પાયલોટને ફોટા પાડતો જોઈને, આગળ ચાલી રહેલા લીડ એરક્રાફ્ટના પાયલોટે પણ ઉત્સાહમાં આવીને તેના સાથી પાયલોટને વિંગમેન પ્લેનનો વીડિયો શૂટ કરવા સૂચના આપી. વીડિયોમાં વિમાન વધુ આકર્ષક દેખાય તે માટે વિંગમેન પાયલોટે અચાનક જ સુરક્ષાના તમામ નિયમો નેવે મૂકીને વિમાનને ઊંચું ઉડાવ્યું અને હવામાં ફ્લિપ (ઉલટું) કર્યું. આ જોખમી દાવપેચને કારણે બંને વિમાન વચ્ચેનું અંતર જોખમી રીતે ઘટી ગયું. ટક્કર ટાળવા માટે લીડ એરક્રાફ્ટે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં અને બંને વિમાન હવામાં જ એકબીજા સાથે ટકરાયા. આ ટક્કરમાં લીડ એરક્રાફ્ટની પાંખ અને વિમાનના પૂંછડીના ભાગ(ટેઇલ)ને ગંભીર નુકસાન થયું હતું.

આ પણ વાંચો : બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ

કરોડોનું નુકસાન અને આકરો દંડ

આ અકસ્માતને કારણે દક્ષિણ કોરિયાની સેનાને અંદાજે 880 મિલિયન વોન(આશરે ₹5.3 કરોડ)નું નુકસાન થયું હતું. જોકે, બંને પાયલોટે સમયસૂચકતા વાપરીને વિમાનને સુરક્ષિત રીતે બેઝ પર લેન્ડ કરી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. તપાસના અંતે બોર્ડ ઑફ ઓડિટ ઍન્ડ ઇન્સ્પેક્શન દ્વારા વિંગમેન પાયલોટને મુખ્ય જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. વાયુસેનાએ તેની પાસેથી પૂરેપૂરો ખર્ચ વસૂલવાની માંગ કરી હતી, પરંતુ અંતે તેની કારકિર્દી અને અકસ્માત બાદની કામગીરીને ધ્યાને રાખીને તેને કુલ નુકસાનનો 10મો ભાગ એટલે કે 88 મિલિયન વોન (રૂ. 53 લાખ) દંડ તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વાયુસેનાના નબળા નિયમોની ટીકા

આ અહેવાલે દક્ષિણ કોરિયાની વાયુસેનાની આંતરિક શિસ્ત પર પણ સવાલો ઊભા કર્યા છે. તપાસ બોર્ડે નોંધ્યું કે, તે સમયે પાયલોટ્સમાં આ રીતે ફોટા પાડવાનું ચલણ વ્યાપક હતું અને વાયુસેનાએ મોબાઇલ કે કેમેરાના ઉપયોગ અંગે કોઈ કડક નિયમો બનાવ્યા ન હતા. આ ઘટના બાદ દક્ષિણ કોરિયાની એરફોર્સે જાહેર જનતાની માફી માંગી છે અને હવે ફ્લાઇટ સેફ્ટીના નિયમોને અત્યંત કડક બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. જવાબદાર પાયલોટ હવે સેના છોડી ચૂક્યો છે અને હાલમાં એક ખાનગી એરલાઇનમાં કામ કરી રહ્યો છે.