West Bengal Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી હિંસા અને તણાવના સમાચાર સામે આવી રહ્યા છે. સિલીગુડીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરો સામસામે આવી ગયા છે, તો બીજી તરફ મુર્શિદાબાદમાં દેશી બોમ્બ ફેંકવાની ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર
બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ તૃણમૂલ કોંગ્રેસ(TMC) પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે, હવે બંગાળમાંથી ભય દૂર થઈ રહ્યો છે અને લોકોમાં ફરીથી ભરોસો પાછો આવી રહ્યો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, 'મેં બંગાળમાં ઝાલમુડી ખાધી અને તેની મિર્ચ TMCને લાગી છે.' પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 4 મેના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે બંગાળમાં મીઠાઈની સાથે ઝાલમુડી પણ વહેંચવામાં આવશે.
ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર હુમલો
પશ્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ભાજપના ઉમેદવાર સાથે મારપીટ કરવામાં આવી છે અને આ હુમલાનો આરોપ TMCના કાર્યકરો પર લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે.
મુર્શિદાબાદમાં મતદાન વચ્ચે હુમાયુ કબીર પર હુમલો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદમાં હિંસાની વધુ એક ઘટના સામે આવી છે. રેજીનગર બેઠકના AJUP ઉમેદવાર હુમાયુ કબીરના કાફલા પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક મોટા ટોળાએ લાકડીઓ, ડંડા અને પથ્થરો સાથે હુમાયુ કબીરની કારને ઘેરી લીધી હતી અને તોડફોડ કરી હતી.
ઓછા મતદાનવાળા વિસ્તારોમાં ભાજપ કંઈક ખોટું કરી શકે છે: TMC
ખડગપુર સદરમાં મતદાન પ્રક્રિયા વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. TMC ઉમેદવાર પ્રદીપ સરકારે ભાજપના દિલીપ ઘોષ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, પ્રચારનો સમય પૂરો થયા બાદ પણ તેમણે પ્રચાર ચાલુ રાખ્યો હતો. પ્રદીપ સરકારે ભાજપ સામે સવાલ ઉઠાવ્યો કે જો દિલીપ ઘોષ આટલા જ સારા ઉમેદવાર હતા, તો તેમને MP પદેથી કેમ હટાવવામાં આવ્યા? વધુમાં, તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જે વિસ્તારોમાં ભાજપને ઓછા મત મળી રહ્યા છે, ત્યાં તેઓ ગેરરીતિ કરી શકે છે.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ગઈકાલે થયેલા ક્રૂડ બોમ્બ વિસ્ફોટની ઘટનામાં એક પીડિતે ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિતના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યે જ્યારે તેઓ નમાઝ અદા કરવા માટે બહાર નીકળ્યા હતા, ત્યારે બે અજાણ્યા છોકરાઓએ તેમની પાસે આવીને પગ પાસે બોમ્બ ફેંક્યો હતો. પીડિતે આ હુમલા પાછળ હુમાયુ કબીરના પક્ષના કાર્યકરોનો હાથ હોવાનું જણાવ્યું છે. મધ્યરાત્રિએ થયેલી આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મુર્શિદાબાદમાં હુમાયુ કબીરના આગમન સાથે જ તણાવ વધ્યો
મુર્શિદાબાદના નૌદા વિસ્તારમાં આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના સ્થાપક અને ઉમેદવાર હુમાયુ કબીરની મુલાકાત દરમિયાન હિંસક દ્રશ્યો સર્જાયા હતા. અહીં TMC કાર્યકરોએ હુમાયુ કબીર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પોલીસ સાથે પણ તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી.
મુર્શિદાબાદમાં ઘર્ષણ બાદ હુમાયુ કબીરે ધરણા શરૂ કર્યા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદાન દરમિયાન હિંસક ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. આરોપ છે કે, ટીએમસી (TMC) કાર્યકરોએ હુમાયુ કબીર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘર્ષણની સ્થિતિ સર્જાયા બાદ ઘટનાસ્થળે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા દળો અત્યારે સ્થળ પર તૈનાત છે. ઘટનાસ્થળે ચારેબાજુ લોકોના ટોળા નજરે પડી રહ્યા છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના સમર્થકો પણ જોવા મળી રહ્યા છે. હુમાયુ કબીર પોતે પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું અત્યારે ધરણા પર બેઠો છું અને અહીંથી ખસીશ નહીં.
દેશી બોમ્બથી ભયાનક હુમલો
ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં બોમ્બ ફેંકવાની ઘટના બની હતી. એક પીડિત યુવકે જણાવ્યું કે, જ્યારે હું રાત્રે 8 વાગ્યે નમાજ પઢીને ઉભો હતો, ત્યારે બે યુવકો આવ્યા અને મારા પગ પાસે બોમ્બ ફેંક્યો. હુમાયુ કબીરના પક્ષના કાર્યકરોએ જ આ હુમલો કર્યો છે.
સિલીગુડી બૂથ નંબર 26 પર બબાલ
સિલીગુડીમાં જગદીશ ચંદ્ર વિદ્યાપીઠ (બૂથ નંબર 26/237) ખાતે ભાજપના ઉમેદવાર શંકર ઘોષ અને TMC ના સમર્થકો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બંને પક્ષો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.


