World

મિડલ ઈસ્ટમાં કંઈક મોટું થવાના અણસાર! ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, હોર્મુઝમાં ઘમસાણ

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર દેખાઈ રહી છે. હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ અને મિસાઈલ હુમલાના કારણે જુલાઈ 2026માં ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. મંગળવારે બ્રેન્ટ ક્રૂડ 84.44 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું, જ્યારે યુએસ ડબ્લ્યુટીઆઈ 80 ડોલર પર પહોંચ્યું. પશ્ચિમ એશિયાનો આ જંગ લાંબો ખેંચાશે તો ક્રૂડ 120 ડોલરને પાર કરી શકે છે, જે વૈશ્વિક બજારો માટે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં કંઈક મોટું થવાના અણસાર! ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, હોર્મુઝમાં ઘમસાણ

Crude Oil Price Jump July 2026 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ અને જહાજો પર થઈ રહેલા મિસાઈલ હુમલાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં અચાનક ભડકો થયો છે. સોમવાર સુધી 80 ડોલરની આસપાસ ટ્રેડ કરતું ક્રૂડ ઓઈલ મંગળવારે ઉછળીને 84 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયું છે. તેલના ભાવમાં આ તોફાની તેજીના કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી અને ઈંધણ સંકટનો મોટો ખતરો ઊભો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો ઉકળી

હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના પગલે મંગળવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને 84.44 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. તેની સાથે જ યુએસ ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ ઉછળીને 80 ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. આ ઉપરાંત મર્બન ક્રૂડના ભાવ પણ 79.34 ડોલરની ઊંચી સપાટી પર પહોંચ્યા હતા. બજારના વિશ્લેષકોના મતે જો પશ્ચિમ એશિયાનો આ જંગ લાંબો ખેંચાશે, તો ક્રૂડ ઓઈલ ફરી એકવાર 120 ડોલર પ્રતિ બેરલને પણ પાર કરી શકે છે. જે વૈશ્વિક બજારો માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

શા માટે આટલું મહત્વનું છે હોર્મુઝ સ્ટ્રેટ?

ભૌગોલિક રીતે ઈરાન, ઓમાન અને યુએઈ વચ્ચે આવેલો હોર્મુઝ સ્ટ્રેટ માત્ર 33 કિલોમીટર પહોળો દરિયાઈ માર્ગ છે. પરંતુ વૈશ્વિક વેપાર માટે તે અત્યંત સંવેદનશીલ છે, કારણ કે દુનિયાની કુલ તેલ-ગૅસ જરૂરિયાતોનો આશરે 20 ટકા (પાંચમો હિસ્સો) પુરવઠો આ જ રૂટ પરથી પસાર થાય છે. અગાઉ પણ આ યુદ્ધના કારણે જ્યારે આ માર્ગ પ્રભાવિત થયો હતો, ત્યારે ભારત, બ્રિટન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી (LPG) ના ભાવ આસમાને પહોંચી ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનની લાઈફલાઈન 'ખાર્ગ આઈલેન્ડ'

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાના મૂડમાં નથી. તેમણે તાજેતરમાં જ ઈરાન સાથેની વાટાઘાટોને સમયનો બગાડ ગણાવ્યો હતો. જો અમેરિકી સેના ઈરાનના પરમાણુ મથકો ઉપરાંત તેના મુખ્ય ઓઈલ ટર્મિનલ 'ખાર્ગ આઈલેન્ડ'ને ટાર્ગેટ બનાવશે, તો તેલની કિંમતોમાં મોટો વિસ્ફોટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઈરાન પોતાના કુલ તેલ નિકાસનો આશરે 90 ટકા હિસ્સો આ જ ખાર્ગ આઈલેન્ડ ટર્મિનલથી ઓપરેટ કરે છે.

જંગની આગમાં હોમાઈ રહ્યા છે ખાડી દેશો

આ યુદ્ધ હવે માત્ર અમેરિકા-ઈરાન પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ આખા અખાતી વિસ્તારને લપેટમાં લઈ રહ્યું છે. એક તરફ હોર્મુઝમાં અમેરિકા અને ઈરાન સામસામે લડી રહ્યા છે, તો બીજી તરફ સાઉદી અરેબિયાએ યમનના ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો પર સૈન્ય કાર્યવાહી તેજ કરી છે. ઈરાને વળતો પ્રહાર કરીને યુએઈના ઓઈલ ટેન્કરને નિશાન બનાવ્યું છે. આ ઉપરાંત ઈરાને જોર્ડન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર પણ મિસાઈલ હુમલા કરીને યુદ્ધને વધુ ગંભીર વળાંક આપ્યો છે.