'સ્મિત મચ્છર તમે દેશના અસલી હીરો છો': ફ્લાયદુબઈના ગુજરાતી પાયલટના સાહસ પર વિશ્વ ફિદા; PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ કર્યા વખાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FlyDubai Plane and Pilot Smit News | દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ' (Flydubai) ફ્લાઈટમાં હવામાં સર્જાયેલા ગંભીર સંકટ અને હુમલાના પ્રયાસ વચ્ચે અદભુત વિરતા દર્શાવનારા ભારતીય કપ્તાન કેપ્ટન સ્મિત મચ્છરના સાહસની આજે સમગ્ર વિશ્વમાં વાહવાહ થઈ રહી છે. લોહીલુહાણ સ્થિતિમાં પણ આકાશમાં સેંકડો નિર્દોષ મુસાફરોનો જીવ બચાવીને મોટી હોનારત ટાળનારા આ ભારતીય પાયલટની બહાદુરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સરાહીને 'હીરો' ગણાવ્યા છે.
'અત્યંત ભયાનક સ્થિતિમાં પણ હિંમત ન હાર્યા, ભારતને ગર્વ છે': PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિશેષ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, "કેપ્ટન સ્મિત મચ્છર એક અસલી હીરો છે. અત્યંત ખતરનાક અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે અપ્રતિમ હિંમત દર્શાવી છે. તેમની સમયસૂચકતા અને બહાદુરીના કારણે જ એક મોટો અકસ્માત ટળ્યો છે અને સેંકડો લોકો સહીસલામત બચી ગયા છે. સમગ્ર ભારત દેશને કેપ્ટન મચ્છર પર ગર્વ છે." વડાપ્રધાને કો-પાયલટના હુમલામાં ઘાયલ થયેલા ભારતીય પાયલટ ઝડપથી સ્વસ્થ થાય અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા: 'ગંભીર ઈજા છતાં સંયમ ન ગુમાવ્યો'
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલટના અસાધારણ સાહસને બિરદાવતા તેમને 'હીરો' કહ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઉડાન દરમિયાન સહ-પાયલટે (કો-પાયલટ) કથિત રીતે ભારતીય પાયલટ પર અચાનક હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે માનસિક સંતુલન અને સંયમ ગુમાવ્યા વિના કટોકટીની સ્થિતિમાં મદદ માંગીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. તેમની આ સૂઝબૂઝે આકાશમાં એક મોટી દુર્ઘટના થતી અટકાવી દીધી છે.
નેતન્યાહૂની 'સેલ્યુટ': 'છરી વાગી હોવા છતાં કોકપિટ ખોલી 174 લોકોનો જીવ બચાવ્યો'
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કેપ્ટન સ્મિત મચ્છરની સાહસિકતાને સલામી આપતાં 'X' પર લખ્યું કે:
"હું ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની અસાધારણ બહાદુરીને સલામ (સેલ્યુટ) કરું છું. છરી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે સામી છાતીએ સામનો કર્યો, પ્રતિકાર કર્યો અને કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સને હુમલાખોર પર કાબૂ મેળવવામાં મદદ કરી."
નેતન્યાહૂએ ઉમેર્યું હતું કે, કેપ્ટન મચ્છરના આ અપ્રતિમ સાહસના કારણે જ ઈઝરાયલી નાગરિકો સહિત વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોના જીવ બચી શક્યા છે. તેઓ એક સાચા હીરો છે અને તેઓ વહેલી તકે સાજા થઈ જાય તેવી કામના કરું છું.




