White House Shooting : અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે આજે (5 માર્ચ) આડેધડ ગોળીબારની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓને લાફાયેટ પાર્ક પાસે ફાયરિંગની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
ફાયરિંગ કરનાર શંકાસ્પદની શોધખોળ
ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળના જવાનોએ શંકાસ્પદ વ્યક્તિનો શોધવા પાર્ક અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી દીધી છે. સીક્રેટ સર્વિસે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, પાર્ક અને તેની આસપાસ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ મળ્યો નથી. રાહતની વાત એ છે કે, ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી.
શંકાસ્પદ વાહનની પણ શોધખોળ
સિક્રેટ સર્વિસના પ્રમુખ એન્થની ગુગ્લિએલ્મીએ કહ્યું કે, ડીસી પોલીસ અને યુએસ પાર્ક પોલીસ તપાસ કરી રહી છે. તેમણે આસપાસના લોકોને ઘટનાની માહિતી આપવાની અપીલ કરી છે. અધિકારીઓએ કહ્યું કે, સિક્રેટ સર્વિસ યુનિફોર્મ ડિવિઝન, મેટ્રોપોલિટન પોલીસ અને પાર્ક પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શંકાસ્પદ વ્યક્તિ અને સંભવિત ગાડીને શોધી રહ્યા છે.
રાત્રે એક વાગ્યે ગોળીબારની ઘટના બની
પ્રાથમિક માહિતી મુજબ લગભગ રાત્રે એક વાગ્યે ગોળીબારની ઘટના બની છે. ત્યારબાદ તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓએ આખો વિસ્તાર ઘેરી લીધો છે. અધિકારીઓએ કહ્યું કે, ઘટનાના કારણે રાષ્ટ્રપ્રમુખના નિવાસસ્થાનના કામકાજમાં કોઈ સમસ્યા ઉભી થઈ નથી. જોકે સુરક્ષાના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવાઈ છે.


