Bushehr Nuclear Plant Attack : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ન્યૂક્લિયર પ્લાન્ટમાંથી રેડિએશનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાનના બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને પત્ર લખીને ફરિયાદ કરી છે. પરમાણુ ઉર્જા કેન્દ્ર પર સતત હુમલાને લઈને અરાઘચીએ ચિંતા વ્યક્ત કરી કહ્યું છે કે, જો આ કેન્દ્રોમાંતી રેડિએશન ફેલાશે તો ખાડી દેશોના નાગરિકોનો જીવ ખતરામાં મુકાશે.
બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા બાદ ઈરાને UNને પત્ર લખ્યો
યુએનને લખેલા પત્રમાં અરાઘચી (Abbas Araghchi)એ ચેતવણી આપી છે કે, ‘અમેરિકા અને ઈઝરાયલ અમારા પરમાણુ કેન્દ્રો પર હુમલા કરી રહ્યા છે, જેના કારણે રેડિએશન ફેલાવાનો ખતરો વધી ગયો છે. આની અસર માત્ર ઈરાનની સરહદ સુધી જ નહીં, પરંતુ ખાડી દેશોમાં રહેતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આના કારણે માનવીય અને પર્યાવરણમાં ગંભીર પરિણામો ઉભા થઈ શકે છે. બુશહર ન્યૂક્લિયર પ્લાન્ટ પાસે ચોથી વખત હુમલો થયો હતો. જો તેમાંથી રેડિએશન ફેલાશે તો માત્ર તહેરાન જ નહીં ખાડી દેશોની રાજધાનીમાં રહેતા લોકો ખતમ થઈ શકે છે.’
પરમાણુ કેન્દ્રો પર હુમલા મુદ્દે IAEAએ પણ ચિંતા વ્યક્ત કરી
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ ઈરાન તરફથી પત્ર મળ્યો હોવાની માહિતી આપી છે. જોકે એજન્સીએ કહ્યું કે, હાલ વિકિરણ ફેલાવાના સ્તરમાં કોઈ પણ વધારો થયો નથી. આઈએઈએના મહાનિદેશક રાફેલ ગ્રોસી (IAEA Director General Rafael Grossi)એ પણ પરમાણુ કેન્દ્ર પર હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આવા કેન્દ્રો અને આસપાસના વિસ્તારમાં ક્યારેય હુમલો ન કરવો જોઈએ, કારણ કે ત્યાં મહત્ત્વના સુરક્ષા સંબંધીત ઉપકરણો હોઈ શકે છે.
શનિવારે સવારે બુશેહરમાં હુમલો થયા બાદ અરાઘચીએ અમેરિકાઅને ઈઝરાયલ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, જ્યારે યુક્રેનમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહી થઈ હતી ત્યારે પશ્ચિમ દેશોએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી, જો કે હાલ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા વખતે આવી ચિંતા કરવામાં આવી રહી નથી. અમેરિકા-ઈઝરાયલ ઈરાનના બુશહર ન્યુક્લિયર પ્લાન્ટ પર ચાર વખત બોંબ ઝિંકી ચુક્યા છે. જો આવા હુમલાના કારણે રેડિએશન ફેલાશે તો તહેરાનમાં નહીં પણ, GSS દેશોની રાજધાનીઓમાં જીવન ખતમ થઈ જશે. ઈરાનના પેટ્રોકેમિકલ ઠેકાણાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે યુદ્ધના વાસ્તવિક ઉદ્દેશ્ય તરફ ઈશારો દેખાઈ રહ્યો છે.’
ઈરાનની ચેતવણીથી આ છ દેશોમાં ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, ફારસની ખાડીની આસપાસ આવેલા દેશોને ખાડી દેશો કહેવામાં આવે છે. આ દેશો મુખ્યત્વે GCC (Gulf Cooperation Council)ના સભ્યો છે. આ છ દેશમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, કુવૈત, બહેરીન અને ઓમાનનો સમાવેશ થાય છે, જ્યારે ફારસની ખાડીને ઈરાન-ઈરાકની સરહદ આવેલી છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈરાન ખાડી સ્થિત છ દેશોમાં અમેરિકન સૈન્ય મથકો પર પણ હુમલાઓ કરી રહ્યું છે અને હવે હુમલાના કારણે ન્યુક્લિયર પ્લાન્ટમાંથી રેડિએશન ફેલાવવાની ઈરાને ચેતવણી આપી છ દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે.
આ પણ વાંચો : ટેકનોલોજીએ સર્જ્યો ચમત્કાર ! 13 વર્ષની માસૂમ બાળકી 45 વર્ષની મહિલા બનીને પાછી ફરી


