ડેટ્રોઈટની સ્ટ્રિપ-કલબમાં ચર્ચા ઉગ્ર થતાં ગોળીબાર : 3નાં મૃત્યુ 4ને ઈજા બે ગંભીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પોલીસને ખાનગી વાહનોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડયા
- છેક સવાર સુધી રંગ-રાગ ચાલ્યા : ૭.૨૧ કલાકે ગોળીબારી શરૂ થઈ તેથી ત્રણ સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા ૪ને ઈજાઓ થઈ તેમાં બે મહિલા, બે પુરૂષો હતા
ડેટ્રોઇટ : મિશીગન રાજ્યનાં ડેટ્રોઈટ શહેરમાં રવિવારે વહેલી સવારે ૭.૨૧ મીનીટે થયેલી ગોળીબારીમાં ત્રણના મૃત્યુ થયા હતા, જ્યારે ૪ને ઈજાઓ થઈ હતી. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઈજા પામેલા ૪ પૈકી, બે પુરૂષો અને બે મહિલાઓ હતાં. તેમને પોલીસે તુર્ત જ ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલ પહોંચાડયા હતા.
આ ઘટના બનતાં પોલીસ તુર્તજ તે સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવા પોલીસે એમ્બ્યુલન્સની પણ રાહ જોઈ ન હતી અને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગોળીબાર કરનારા શખ્સો કે તેના કારણ વિષે તો હજી સ્પષ્ટ માહિતી મળી શકી નથી. પરંતુ મૃત્યુ પામેલાઓ કે ઈજાગ્રસ્તોની વય ૨૦ થી ૩૦ના દાયકા વચ્ચે હતી.
ડેટ્રોઈટના પોલીસવડા બેટીસને કહ્યું હતું કે તે કલબમાં રંગ-રાગ ચાલી રહેલાઓ વચ્ચે કોઈ નાની બાબતમાંથી જીભા-જોડી શરૂ થઈ ગઈ હતી, તે ઉગ્ર બનતાં વાત ગોળીબારી સુધી પહોંચી ગઈ હતી. પરંતુ કઈ બાબતે જીભા-જોડી થઈ હતી, તે પોલીસે કહ્યું ન હતું.
આ ઉપરાંત જ્યોર્જીયાના મેકોનમાં રવિવારે યોજાઈ રહેલી બર્થડે પાર્ટીમાં થયેલી ગોળીબારીમાં ૧૨ ટીનએજર્સને ઇજાઓ થઈ હતી. તે પૈકી બે બાળકોની હાલત ગંભીર છે. આ ગોળીબારી કરનારા વિષે કશી માહિતી મળી નથી. પરંતુ પોલીસનું અનુમાન છે કે હતાશાથી જેનું માનસ વિકૃત થઈ ગયું હશે તે બાળકોને કિલ્લોલ કરતાં સહી શક્યો નહીં હોય તેથી તેણે ગોળીબારી કરી હશે.
આવું જ કારણ ડેટ્રોઇટ શુટિંગ માટે હોઈ શકે તેમ નિરીક્ષકોનું માનવું છે. કોઈ હતાશ માનવી રંગ-રાગ ઉડાડતી સુખી વ્યક્તિઓને જોઈ શકી નહીં હોય તેથી પોતાનો આક્રોશ ઠાલવવા આ શુટિંગ કર્યું હશે.




