Get The App

ઈરાનનું 6 લાખ બેરલ ક્રૂડ લઈ ભારત આવતું જહાજ ચીન રવાના

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનનું 6 લાખ બેરલ ક્રૂડ લઈ ભારત આવતું જહાજ ચીન રવાના 1 - image

- પેમેન્ટની સમસ્યાના કારણે ઈરાન સાથેનો સોદો ઘોંચમાં

- ઈરાનના એલપીજી સાથે જહાજ સી બર્ડ મેંગ્લોર બંદરે પહોંચ્યું, પરંતુ હજુ માલ અનલોડ કરાયો નથી

તેહરાન/બેઈજિંગ : ઈરાનથી અંદાજે છ લાખ બેરલ ક્રૂડ ઓઈલ લઈને લગભગ આઠ વર્ષમાં પહેલી વખત ભારત આવી રહેલા જહાજે છેલ્લી ઘડીએ તેનો રસ્તો બદલી નાંખ્યો અને હવે બેઈજિંગ તરફ રવાના થયું છે. ઈરાનથી રવાના થયેલું જહાજ પિંગ શુન શનિવારે વાડીનાર બંદરે પહોંચવાનું હતું, પરંતુ પેમેન્ટમાં સમસ્યા ઊભી થતા પિંગ શુન હવે ચીન તરફ આગળ વધ્યું છે. સૂત્રો મુજબ ઈરાનનું અન્ય એક જહાજ સી બર્ડ એલપીજી લઈને મેંગ્લોર પહોંચ્યું છે, પરંતુ પેમેન્ટની સમસ્યાના કારણે સોદો અટવાયો. 

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કટોકટી સર્જાઈ છે, જેને પગલે અમેરિકાએ સમુદ્રમાં રહેલા ઈરાનના ક્રૂડ ઓઈલ અને એલપીજીની ખરીદી પરનો પ્રતિબંધ એક મહિના માટે હટાવી દીધો છે. પરિણામે ભારતીય રિફાઈનરીઓએ આઠ વર્ષમાં પહેલી વખત ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી. ભારત માટે ક્રૂડ લઈને પિંગ શુન જહાજ શનિવારે વાડીનાર બંદરે પહોંચવાનું હતું. જોકે, વાડીનાર પહોંચવાના એક દિવસ પહેલા જ પિંગ શુને તેનો રસ્તો બદલ્યો અને હવે તે ચીન તરફ રવાના થયું છે.

બજારના સૂત્રો મુજબ પિંગ શુનના ચીન તરફ જવાનું કારણ પેમેન્ટની શરતોમાં થયેલો ફેરફાર છે. ઈરાને ક્રૂડ ઓઈલ માટે ૩૦થી ૬૦ દિવસની ક્રેડિટ વિન્ડો આપવાના બદલે એડવાન્સ પેમેન્ટની માગ કરી હતી. જોકે, ભારતીય રિફાઈનરીઓએ અમેરિકાના પ્રતિબંધોના ભયથી એડવાન્સ પેમેન્ટ કરવાનું ટાળ્યું છે. આથી પેમેન્ટની સમસ્યા ઊભી થઈ હતી. બીજીબાજુ ચીન લાંબા સમયથી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરતું હોવાથી તેને પેમેન્ટની કોઈ સમસ્યા નડે તેમ નથી. આથી પિંગ શુન ચીન જવા રવાના થયું છે. સૂત્રો મુજબ પેમેન્ટની આવી જ સમસ્યા ઈરાનનું એલપીજી લઈને આવેલા જહાજ સી બર્ડ સાથે પણ થઈ છે. આ જહાજ ૩૦ માર્ચે મેંગ્લુરુ પોર્ટ પહોંચી ગયું છે, પરંતુ પેમેન્ટની સમસ્યાના કારણે હજુ સુધી જહાજ પરથી માલ અનલોડ કરી શકાયો નથી.