World

ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખી ફાટતાં અનેક ગામો ખાલી કરાયાં

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખી ફાટતાં રાખ, ગેસ અને લાવા ઓકાયા. રીંગ ઓફ ફાયર નજીક આવેલા આ જ્વાળામુખીના પ્રકોપથી સત્તાવાળાઓએ તાત્કાલિક આસપાસના ગામો ખાલી કરાવ્યા. ડીઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના ક્લોડીન ઓગાલ્ડેસે જણાવ્યું કે, વહેલી સવારથી જ વિસ્ફોટ શરૂ થતા મોટી જાનહાનિ ટળી. 2018માં પણ આ જ્વાળામુખી ફાટતાં સેંકડો લોકોના મોત થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખી ફાટતાં અનેક ગામો ખાલી કરાયાં
  • જ્વાળામુખી ઉપર રાખ અને ગેસ ઉડતા દેખાય છે, આગ ભભૂકી રહી છે, લાવા અને પાયરોક્લાસ્ટિક વહી રહ્યાં છે

ગ્વાટેમાલાસીટી : લેટિન અમેરિકાના નાનકડા એવા દેશ ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખી ફાટયો છે. તેમાંથી રાખ, ગેસ ઉડતાં દેખાઈ રહ્યાં છે. આગ ભભૂકી રહી છે. રીંગ ઓફ ફાયરની પશ્ચિમ તરફે આવેલા આ જ્વાળામુખી ફાટતાં તેમાંથી લાવા અને પાયરોક્લાસ્ટિક (અર્ધ ઓગળેલા પદાર્થો) વહી રહ્યા છે. સત્તાવાળાઓએ તુર્ત જ પગલાં લઇ જ્વાળામુખીની આસપાસ રહેલાં ગામો ખાલી કરાવ્યાં છે.
ગ્વાટેમાલાની ડીઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી કોનરેડના એક્ઝિક્યુટિવ સેક્રેટરી, ક્લોડીન ઓગાલ્ડેસે સોમવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે આજ સવારથી જ્વાળામુખીમાં વિસ્ફોટ શરૂ થયો હતો અને દિવસ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ જ્વાળામુખી વધુને વધુ ભભૂકતો ગયો. પરિણામે આસપાસનાં ગામો ખાલી કરાવવામાં આવ્યાં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વહેલી સવારથી જ જો ગામો ખાલી કરાયાં ન હોત તો ભારે મોટી જાનહાની થઇ જાત કારણ કે લાવારસ પછીથી ધોધમાર નીચે વહેવા લાગ્યો હતો.
બીજી તરફ ગરમ રાખનાં વાદળો પણ નીચે બેસતાં બહુ મોટી જાનહાની થઇ જાત, પાલતુ પશુઓ પણ માર્યા જાત. ક્લોડીન ઓગાલ્ડસે વધુમાં કહ્યું હતું કે જૂન ૨૦૧૮ની રાત્રીએ પણ આ જ્વાળામુખી ફાટયો હતો તેથી સેંકડો માણસો અને અસંખ્ય ગાયો, ઘેટાં, બકરાંને તેમાંથી નીકળેલો લાવા ભરખી ગયો હતો, અને ફ્યુગોના પ્રકોપને લીધે ગામનાં ગામ તારાજ થઇ ગયાં હતાં. આ વખતે તો વહેલી સવારથી રાખ વગેરે તેમાંથી ઉડતાં દેખાતાં અને થોડીવારમાં જ અગ્નિની જ્વાળાઓ દેખાતાં સરકારે ઝડપભેર પગલાં લઇ ગામોનાં ગામો ખાલી કરાવી દીધાં હતાં. તેથી જાનહાની ન થઇ. તેમજ પશુઓ પણ બચી ગયાં છે.