- અમેરિકાની મંજૂરી બાદ ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બમણી કરી
- રશિયન ઓઇલનાં સાત જહાજ પૈકી એક જહાજ 21 માર્ચે ન્યૂ મેંગ્લોર ખાતે આવી પહોેંચવાની શક્યતા
મુંબઈ : યુદ્ધને કારણે અમેરિકાએ રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદવા ભારતને છૂટ આપ્યા બાદ ચીનમાં ડિલિવરી માટે નીકળેલા રશિયાના ક્રુડ ઓઈલનાં સાત જહાજો અધવચ્ચેથી યુ ટર્ન લઈને ભારત તરફ આવી રહ્યાં છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું. અમેરિકાની મંજુરી બાદ ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી લગભગ બમણી કરી નાખી છે.
જાન્યુઆરીના અંતિમ ભાગમાં બાલ્ટિક સમુદ્ર ખાતેથી નીકળેલા ઉરલ કારગો સાથેનું જહાજ ૨૧મી માર્ચે ન્યુ મેંગ્લોર ખાતે લાંગરવાની તૈયારીમાં છે એમ જહાજોની અવરજવર પર નજર રાખતી પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
આ જહાજ અગાઉ ચીનના રિઝહાઉ બંદર ખાતે પહોંચવાનું હતું પરંતુ માર્ચના મધ્યમાં તેણે અધવચ્ચેથી યુ ટર્ન લઈ ભારત તરફ ચાલ પકડી હતી. યુદ્ધને કારણે અમેરિકાએ ભારતને કામચલાઉ રીતે રશિયાનું ક્રુડ ઓઈલ ખરીદવા છૂટ આપી છે.
છૂટ અપાયાના બીજા સપ્તાહમાં ભારતના રિફાઈનરોએ રશિયા પાસેથી ૩ કરોડ બેરલ્સ ક્રુડના કરાર કરી લીધા છે. ભારત ઉપરાંત અન્ય દેશોને પણ રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદવાની પરવાનગી અપાઈ છે.
રશિયાનું આઈલ લઈ ચીન તરફ જવા નીકળેલા ઓછામાં ઓછા સાત ટેન્કરોએ અધવચ્ચેથી જ ભારતનો માર્ગ પકડી લીધો છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેેખનિય છે કે ફેબુ્રઆરીમાં સાઉદી અરેબિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત વધવા પામી હતી. અમેરિકાના દબાણને કારણે ભારતે રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી ઘટાડવાની ફરજ પડી હતી.
સાઉદી ખાતેથી ક્રુડ તેલની આયાતમાં વધારો થતા રશિયા અને સાઉદીના ભારત ખાતેના પૂરવઠા વચ્ચેનું અંતર લગભગ દૂર થવાની સ્થિતિમાં હતું પરંતુ યુદ્ધને કારણે સ્થિતિ પાછી બદલાઈ ગઈ છે.
ભારત સાથે વેપાર કરાર કરતા પહેલા રશિયાના ક્રુડ તેલની ખરીદી અટકાવી દેવા અમેરિકાએ ભારત પર શરત મૂકી હતી જે હાલમાં હળવી કરવામાં આવી છે.
અમેરિકાની શરતને પગલે રશિયા પાસેથી ફેબુ્રઆરીમાં ભારતની ક્રુડ તેલની ખરીદી પ્રતિ દિન ૧૨ લાખ બેરલ રહી હતી જે માર્ચમાં ઘટી આઠથી દસ લાખ બેરલ પર આવી જવાનો અંદાજ મુકાયો હતો.


