Sensex and Nifty News : ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના અહેવાલ આવતા વૈશ્વિક સ્તરે સર્જાયેલી શાંતિની અસરે આજે ભારતીય શેરબજારમાં તોફાની તેજી જોવા મળી છે. બુધવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડબ્રેક છલાંગ લગાવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 2700 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ પણ ઓપનિંગમાં જ 800 પોઈન્ટનો જોરદાર વધારો નોંધાવ્યો હતો.
બજારના મુખ્ય આંકડા
બુધવારે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,616.58 ની સામે સીધો 77,290 ના સ્તર પર પહોંચી ગયો હતો. માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તેની ગતિ તેજ થઈ હતી અને તે 77,392 ના લેવલ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટીએ પણ માર્કેટ ખુલતાની સાથે જ 800 અંકનો જંગી ઉછાળો લીધો હતો.
બજારમાં આટલી મોટી તેજીનું કારણ:
શેરબજારમાં આ 'ગ્રાન્ડ વેલકમ' પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો બે અઠવાડિયાનો યુદ્ધવિરામ (Ceasefire) છે.
યુદ્ધવિરામની જાહેરાત: છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા ફેલાઈ હતી. જોકે, બે અઠવાડિયાના સીઝફાયરની સમજૂતી થતાં જ બજારમાંથી યુદ્ધનો ભય દૂર થયો છે.
વૈશ્વિક સંકેતો: ગ્લોબલ માર્કેટમાં જોવા મળેલી તેજીના કારણે ભારતીય બજાર માટે અગાઉથી જ પોઝિટિવ સંકેતો મળી રહ્યા હતા.
ક્રૂડ ઓઈલના ભાવ: યુદ્ધવિરામને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા આવવાની આશા જાગી છે, જે ભારત જેવા આયાતકાર દેશ માટે આર્થિક રીતે રાહતજનક સમાચાર છે.
આ અચાનક આવેલી તેજીને કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડ રૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે જો વૈશ્વિક સંકેતો આવા જ પોઝિટિવ રહ્યા તો બજારમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે.


