બેન્કો દ્વારા ગુપ્ત લૂંટફાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજકાલ દેશમાં છાને પગલે ખાનગી અને સરકારી એમ બન્ને પ્રકારની બેન્કો વચ્ચે એક અજબ હરીફાઈ ચાલી રહી છે કે ગ્રાહકને ખબર ન પડે એ રીતે એને વધુમાં વધુ કોણ લૂંટી શકે છે. બેન્કોનો આ એક ફાઈનાન્સિયલ એનેસ્થેટિક પ્રયોગ છે જેમાં ગ્રાહક બેહોશ હોય છે અને એના બેન્ક એકાઉન્ટમાંથી ભાર હળવો કરી આપવામાં આવે છે ! વળી આ નાની અમથી રકમનો કોઈ મેસેજ ગ્રાહકને મળતો નથી અને જ્યારે પાસબુક અપડેટ કરાવો ત્યારે જ ખ્યાલ આવે. કેટલીક બેન્કો તો એવી ખેલાડી છે કે પાસબુકમાં પણ એન્ટ્રી ન બતાવે અને છતાં પુરાંતમાંથી કાંકરી ખરતી જ રહે ! ગાબડા પડે તો તમને ખબર પડે ને? ગાબડા પાડવાના જ નહિ. આ નવા જ પ્રકારની ધાડ દેશના નાણાં મંત્રાલયના ફતવાઓએ ચાલુ કરેલી છે.
બેન્કોના આ વધારાના ચાર્જનું એક આખું જંગલ છે. મિનિમમ બેલેન્સ ચાર્જ, એટીએમ કાર્ડ ફિ, ચેકની સ્ટેશનરી ફી ઉપરાંત રિટર્ન ફી, એસએમએસ ચાર્જ, સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રકશન ચાર્જ, કાર્ડ સ્વાઈપ ચાર્જ, નેટ બેન્કિંગ ફેસેલિટી ચાર્જ છે જ ઉપરાંત નવા કેટલાક ઇદમતૃતિયમ્ ચાર્જ લેવાની વિચારણા હાથ ધરી છે. કેમ? તમારા પૈસા અમારે ત્યાં સચવાય એનો ચાર્જ નહિ? ઉપરોક્ત તમામ ચાર્જમાં વળી પાછો અઢાર ટકા જીએસટી લાગે. બેન્કો ચાલુ ખાતા અને બચત ખાતાઓ પર કાતિલ નજર રાખે છે અને એકાઉન્ટસ્ મેઈન્ટેઈનન્સ ચાર્જ સહિતના અનેક ફટકાઓ મારતી રહે છે. રાષ્ટ્રીયકૃત બેન્કોના ગ્રાહક વિરોધી વલણને કારણે દેશની નામાંકિત ખાનગી બેન્કોએ પણ મિનિમમ બેલેન્સ ઈન એકાઉન્ટની મર્યાદા વધારી દીધી છે. કેટલીક ખાનગી બેન્કોએ તો લઘુતમ પુરાંત રૂપિયા દસ હજારથી ય વધારી દીધી છે. જેઓ બેન્ક પાસબુક ઉપરાંત ઘરે બેન્કબુક રાખતા નથી અને તમામ બેન્કિંગ ટ્રાન્ઝેશનનો ઘરમેળે કે કંપનીમેળે હિસાબ રાખતા નથી તેમને માટે તકલીફની આ શરૂઆત છે અને કાંકરીઓ ખરવાના વાર્ષિક સરવાળા ગાબડારૂપે દેખાવા લાગે છે.
જેઓ બેન્કમાં ચેકથી નાણાં ઉપાડવા જાય છે તેમના પર બેન્કના કર્મચારીઓ ખિન્ન થવા લાગ્યા છે. કારણ કે મેન્યુઅલ પ્રક્રિયાની પડતર એમને વધારે લાગે છે. મોટા ભાગની ખાનગી બેન્કો તો કર્મચારી- કામદારોના સેલેરી એકાઉન્ટમાં નાણાં જમા કરવાનીય ના પાડી દે છે. તેઓ હવે સેલેરી એકાઉન્ટને સેવિંગ્સથીય અલગ દરજ્જાથી જુએ છે. છતાં તમારે સેલેરી એકાઉન્ટમાં પગારના જમા થતા નાણાં સિવાયની કોઈ રકમ જમા કરાવવાની આવે ત્યારે તેનો અલગ ચાર્જ વસૂલે છે. પૈસા જમા કરાવવાનો ચાર્જ ! એ જ સેલેરી એકાઉન્ટમાં તમે ફિક્સ ડિપોઝીટ મુકવા જાઓ તો એક્ઝિક્યુટિવોના મધુર હાસ્ય સાથે લસ્સી કે લીંબુનું શરબત મળવાની શક્યતા છે.
આજકાલ બેન્કોના આકરા સિતમમાંથી પસાર થતા ગ્રાહકોમાં મુખ્યત્વે વિષાદગ્રસ્ત પેન્શનરો, વિદ્યાર્થીઓ અને કેટલાક એવા લોકો કે જેમને આવક કરતા ખર્ચ વધારે છે તે તમામ સમાવિષ્ટ છે. આવકથી ખર્ચ વધુ હોય એવા લોકોની સંખ્યા આપણા દેશમાં ઓછી છે? નહિ. તો બેન્કોની આવક કેટલી વધુ હશે તે કલ્પનાનો વિષય નથી, હકીકત છે, બેન્કોની આવી દંડપ્રાપ્ત આવકો ચિક્કાર થઈ ગઈ છે. રિઝર્વ બેન્કના યોગ્ય મોનિટરિંગના અભાવે અજ્ઞાાન ગ્રાહકો અધિક લૂંટાઈ રહ્યા છે. ક્યારેક તો બેન્ક એકાઉન્ટમાં એક રૂપિયો આડત્રીસ પૈસા અથવા માત્ર ૮૩ પૈસાની કપાત હોય, વહી જતી આ સ્વલક્ષ્મીને રાજલક્ષ્મી બનતા કોઈ રોકી શકતું નથી કારણ કે અલ્પ સ્વરૂપે તે હવામાં ઉડી જાય છે ! ગ્રાહકોની એ મૂર્ખતામાંથી જ બેન્કો કરોડોની કમાણી કરવા લાગી છે.
દેશમાં બેન્કો માત્ર આર્થિક અસ્તિત્વ નથી, એનું સામાજિક મૂલ્ય તો ક્યાંય વધારે છે. આયોજન અને નિયમથી જિંદગીની પ્રણાલિકાઓ ઘડતા સુજ્ઞા પરિવારો પોતાની મર્યાદિત આવકમાં દૂરના ભવિષ્યને વિચક્ષણ બુદ્ધિમત્તાથી કવર કરી લેતા હોય છે. એવા પરિવારોની જિંદગીમાં કરકસર જ એક આભૂષણ હોય છે અને એ જ કરકસરના પરિણામરૂપ નાણાંનું તેઓ વળી સુવર્ણાલંકારોમાં રૂપાંતર પણ કરતા હોય છે દેશનો સામાન્ય નાગરિક પોસ્ટ અને બેન્કો સિવાય પોતાની અલ્પ બચત ક્યાંય અન્યત્ર રોકી શકતો નથી. નાના માણસની અલ્પ બચતો હોય છે દીર્ઘાયુષ્ય ધરાવતી અને એના પર છૂપા ચાર્જનો કુઠારાઘાત બેન્કોને અને સરકારને શોભતો નથી. પરંતુ સમગ્ર નાણાં મંત્રાલય જ દેશની વાસ્તવિકતાઓની ઉપેક્ષા કરનારું છે તેમાં આમ આદમીના રૂપિયાના સિક્કાની સંભાળ કોણ લે ?




