World

ઇરાક પર સાઉદી-અમેરિકાનો હુમલો : 20નાં મોત

By GS Team
30 Jul 20264 mins read
TukuTouch Logo
અમેરિકા-ઇરાન યુદ્ધનો વ્યાપ વધતા, ઇરાકે પશ્ચિમ એશિયામાં અમેરિકી થાણાઓ પર ફરી હુમલા કર્યા. અમેરિકા અને સાઉદીએ ઇરાકમાં ઇરાન સમર્થિત આતંકી જૂથ પર એરસ્ટ્રાઇક કરી, જેમાં 6 ઇરાની સલાહકારો સહિત 20ના મોત થયા. આ તણાવને પગલે, જેદ્દાહમાં ઇરાકી PM અને સાઉદી ક્રાઉન પ્રિન્સની બેઠક રદ થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાક પર સાઉદી-અમેરિકાનો હુમલો : 20નાં મોત
  • ઇરાને પણ બુધવારે અમેરિકા હુમલા ફરીથી શરૂ કર્યા
  • હુમલામાં ઇરાનના છ સલાહકારોના પણ મોત, સાઉદીના ક્રાઉન પ્રિન્સ અને ઇરાકના વડાપ્રધાન અલ જેદી વચ્ચે ગુરુવારે યોજાનારી બેઠક રદ
  • ઇરાને હોર્મુઝના જળમાર્ગને બે ભાગમાં વિભાજીત કરવાની ઓમાને મૂકેલી દરખાસ્તને નકારી કાઢી

તહેરાન : અમેરિકા -ઇરાન વચ્ચેના યુદ્ધનો વ્યાપ વધતો જાય છે. તેમા હુથીઓ તો જોડાયા જ છે. હવે સાઉદી અરેબિયા પણ જોડાયું છે. અમેરિકા અનેસાઉદીએ ઇરાકમાં ઇરાન સમર્થિત આતંકી જૂથ પર કરેલી એરસ્ટ્રાઇકમાંં ઇરાનના છ સલાહકાર સહિત ૨૦ના મોત થયા છે અને ૩૨થી વધુ ઇજા પામ્યા છે. આથી ઇરાને પણ પશ્ચિમ એશિયામાં અમેરિકાના લશ્કરી થાણા પર ફરીથી હુમલા શરૂ કરતાં યુદ્ધ વધુ ઘેરું થયું છે.
અમેરિકા અને સાઉદીના લડાકુ વિમાનોએ પૂર્વી ઇરાકમાં કેટલાય સ્થળો પર આતંકવાદીઓના લોજિસ્ટિક્સ અને શસ્ત્રોના ઠેકાણા પર હુમલા કર્યા. અમેરિકન કમાન્ડે જણાવ્યું હતું કે રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના આતંકી સહયોગીઓના હુમલા બંધ કરવા પડશ, તો જ અમેરિકા લશ્કરી કાર્યવાહી નહી કરે.
સાઉદીના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં ચેતવણી આપી છે કે સાઉદી અરેબિયા આ ક્ષેત્રમાં તણાવ વધારવા માંગતુ નથી, પરંતુ જો તેના પર હુમલો થાય છે તો તે તેનો જવાબ ચોક્કસ આપશે. અમેરિકા અને સાઉદીએ ઇરાકના સાત પ્રાંતમાં હુમલા કર્યા હતા, આ તનાવના પગલે ગુરુવારે જેદ્દાહમાં ઇરાકના વડાપ્રધાન અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે યોજાનારી બેઠક રદ કરી દેવામાં આવી છે.
ઇરાકમાં પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સીસ (પીએમએફ) મુખ્યત્વે શિયા અને ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથોના સંગઠન છે. તે સત્તાવાર રીતે ઇરાકી લશ્કરના કમાન હેઠળ છે, પરંતુ સ્વતંત્ર રીતે વર્તે છે. પીએમએફમાં સામેલ જૂથોએ ૨૦૧૪મા ઇસ્લામિક સ્ટેટ સમૂહ દ્વારા ઇરાકના મોટા હિસ્સા પર કબ્જા પછી તેની સામેની લડાઈમાં ભાગ લીધો હતો.
૨૦૧૬મા ઇરાકની સરકારે પીએમએફને ઇરાકના સશસ્ત્ર દળોની અંદર એક સ્વતંત્ર લશ્કરી યુનિટનો દરજ્જો આપ્યો, પરંતુ વાસ્તવમાં તેના સભ્યો ઘણી હદ સુધી પોતાની મરજીથી કામ કરે છે. તેમા કેટલાકે અમેરિકન થાણાઓ પર હુમલા પણ કર્યા છે. સાઉદી અરેબિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે સતત બીજા દિવસે ઇરાકમાં ઇરાન સમર્થિત આતંકી જૂથ દ્વારા છોડવામાં આવેલા ડ્રોનને તોડી પાડયું. બીજી બાજુએ યમનમાં ઇરાન સમર્થિત હુથી બળવાખારોએ દાવો કર્યો છે કે તેણે સાઉદી અરેબની કરેલી નાકાબંધી હેઠળ એક સાઉદી ઓઇલ ટેન્કરના પરત ફરવાની ફરજ પાડી હતી.
સોમવારે સાઉદી દ્વારા ઇરાકમાથી તેના પર હુમલો થયાનો આરોપ લગાવવામાં આવ્યા પછી ઇરાકી નેતા અલ જૈદીએ સુરક્ષા એજન્સીઓને તપાસના આદેશ આપ્યા. ઇરાકી સેનાએ જણાવ્યું હતું કે ઇરાકી ક્ષેત્રનો ઉપયોગ મિત્ર દેશો પર હુમલો કરવા નહીં કરવા દેવાય. જો કે ઇરાકના આતંકી જૂથોએ સાઉદી પરના હુમલામાં કોઈપણ હાથ હોવાનો ઇન્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે સાઉદી પર હુમલો હુથીઓએ કર્યો હતો.
આ દરમિયાન જોર્ડને જણાવ્યું હતું કે તેણે તેના તરફ ત્રાટકતા ઇરાનના પાંચ મિસાઇલ આંતર્યા છે અને તેને ખતમ કરી દેવાયા છે. ઇરાનની સરકારી એજન્સીએ જણાવ્યું હતું કે ગાર્ડની એરોસ્પેસ ફોર્સે મુવાફક્ક સોલ્ટ એર બેઝ પર અને અમેરિકન લશ્કરના જોર્ડન ખાતેના સેન્ટ્રલ કમાન્ડ પર હુમલો કર્યો હતો. જો કે યુએસ સેન્ટ્રલ કમાન્ડે હુમલાના થોડા કલાકો પહેલા જણાવ્યું હતું કે તેઓ કોઈપણ હુમલાનો સામનો કરવા તૈયાર છે. આ દરમિયાન હુથીઓએ શનિવારે કરેલા હુમલાના લીધે અરામ્કોની જાઝાન ખાતેની ઓઇલ રિફાઇનરી બંધ કરવાની ફરજ પડી છે. આ રીફાઇનરી પ્રતિ દિન ચાર લાખ બેરલ ઓઇલનું ઉત્પાદન કરતી હતી. રિપેરિંગ પછી આ રિફાઇનરી ૧૫ ઓગસ્ટ બાદ શરૂ કરવામાં આવશે.
આ દરમિયાન ઇરાને હોર્મુઝ પર સંયુક્ત સંચાલનની ઓમાનની દરખાસ્ત નકારી કાઢી છે. ઇરાનના નાયબ વિદેશપ્રધાને જણાવ્યું હતું કે તેઓ ઓમાનની દરખાસ્ત નકારી કાઢે છે, જે હોર્મુઝના વિભાજનની વાત કરે છે. કઝેમ ગરીબાબાદીએ જણાવ્યું હતું કે ઓમાનની દરખાસ્તમાં જણાવાયું હતું કે હોર્મુઝને બે ભાગમાં વિભાજીત કરી દેવાય. બંને રુટમાં ૫૦-૫૦ ટ્રાફિક જાય. જો કે ઓમાનની દરખાસ્ત ઇરાનને ખાસ અસર કરી શકી ન હતી. તેની સામે ઇરાને વળતી દરખાસ્ત મૂકી હતી, જેમા હોર્મુઝમાં ઇરાનના જળવિસ્તારમાંથી જહાજો પસાર કરવા દેવાની વાત કહેવાઈ હતી. ઇરાનનું કહેવું છે કે હોર્મુઝ ક્યારેય પહેલાંની સ્થિતિમાં પરત નહીં ફરે. યુદ્ધ પૂર્વે હોર્મુઝ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હતો.

ભારતે યુએનમાં હોર્મુઝમાં જહાજો પરના હુમલાની ઝાટકણી કાઢી
યુનાઇટેડ નેશન્સ : પશ્ચિમ એશિયામાં વણસતી જતી સ્થિતિની વચ્ચે ભારતે હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજો પર થયેલા હુમલાની યુએનમાં આકરી ઝાટકણી કાઢી છે. યુએનમાં ભારતમાં પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ મહિને હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા જહાજો જીએફએસ ગેલેક્સી, એમટી અલ બહિયાહ અને એમટી મોમ્બાસા પર હુમલા થયા હતા. તેમા કેટલાય ભારતીયોને ઇજા થઈ છે અને કેટલાકના મૃત્યુ થયા છે. ભારત ખલાસીઓને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાને વખોડી કાઢે છે. તેના લીધે હોર્મુઝ જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં પસાર થવું દુષ્કર બન્યું છે.