Get The App

હોર્મુઝ સ્ટ્રેટની સમસ્યાનો ઉપાય શોધ્યો સાઉદીએ, ઓઇલ સપ્લાયનો 45 વર્ષ જૂના પ્લાને ખતરો ટાળ્યો!

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
Saudi East-West Pipeline
(IMAGE - IANS)

Saudi East-West Pipeline: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને હોર્મુઝની સ્ટ્રેટ લગભગ બંધ થવાને કારણે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઘેરાયું છે. આ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયાએ વૈશ્વિક ઓઇલ સપ્લાય જાળવી રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે. સાઉદી અરેબિયાની મહત્ત્વની 'ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન' હવે તેની પૂર્ણ ક્ષમતા સાથે દરરોજ 70 લાખ બેરલ ઓઇલ પંપ કરી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સાઉદીની આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય હોર્મુઝનો માર્ગ બંધ હોવા છતાં રેડ સીના યનબૂ પોર્ટ દ્વારા ઓઇલનો પુરવઠો સતત ચાલુ રાખવાનો છે.

વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતો પર અંકુશ

સાઉદી અરેબિયા હાલમાં યનબૂ પોર્ટના માર્ગે દરરોજ આશરે 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ અને 7થી 9 લાખ બેરલ રિફાઈન્ડ પ્રોડક્ટ્સની નિકાસ કરી રહ્યું છે. જોકે, યુદ્ધ પહેલા આ માર્ગે દરરોજ 1.5 કરોડ બેરલ ઓઇલની સપ્લાય થતી હતી, જેની સરખામણીએ હાલનો પુરવઠો ઓછો છે, પરંતુ સાઉદીના આ આગોતરા આયોજનને કારણે જ વૈશ્વિક બજારમાં તેલના ભાવ હજુ સુધી અંકુશ બહાર ગયા નથી. સાઉદી અરેબિયાએ ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાના ગણતરીના કલાકોમાં જ આ વૈકલ્પિક સપ્લાય લાઈન શરૂ કરી દીધી હતી.

હૂથી બળવાખોરોનો ખતરો અને નવી ચિંતા

બીજી તરફ, યમનના હૂથી બળવાખોરો આ યુદ્ધમાં સામેલ થવાના સંકેતો મળતા ચિંતા વધી છે. આશંકા છે કે રેડ સી હવે સંઘર્ષનું નવું મેદાન બની શકે છે. જોકે હૂથી બળવાખોરોએ હજુ સુધી રેડ સીમાંથી પસાર થતા જહાજો પર સીધા હુમલાના સંકેત આપ્યા નથી, પરંતુ તેઓ ભૂતકાળમાં ડ્રોન અને મિસાઇલ હુમલાની ધમકી આપી ચૂક્યા છે. જો આ વિસ્તારમાં હુમલા શરૂ થાય તો સાઉદીનો આ વૈકલ્પિક માર્ગ પણ જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચો: યુદ્ધવિરામની આશા! પાકિસ્તાનની મધ્યસ્થીમાં અમેરિકા સાથે વાતચીત કરવા ઈરાન તૈયાર, આ શરતો મૂકી

દાયકાઓ જૂની દૂરંદેશી અત્યારે કામ આવી

સાઉદી અરેબિયાએ 1980ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન દરિયાઈ માર્ગો પર થયેલા હુમલાઓમાંથી બોધપાઠ લઈને આ 1000 કિલોમીટર લાંબી પાઈપલાઈનનું નિર્માણ કર્યું હતું. આ પાઈપલાઈન દેશના પૂર્વીય ઓઇલ ક્ષેત્રોને પશ્ચિમ કિનારે આવેલા ઔદ્યોગિક શહેર યનબૂ સાથે જોડે છે. આજે દાયકાઓ પછી, જ્યારે ફરી એકવાર હોર્મુઝનો માર્ગ બંધ જેવી સ્થિતિમાં છે, ત્યારે સાઉદીની આ જૂની વ્યૂહરચના વિશ્વ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

હોર્મુઝ સ્ટ્રેટની સમસ્યાનો ઉપાય શોધ્યો સાઉદીએ, ઓઇલ સપ્લાયનો 45 વર્ષ જૂના પ્લાને ખતરો ટાળ્યો! 2 - image