ઈરાનની હરકતથી સાઉદી-ઓમાન ટેન્શનમાં, અમેરિકન રિપોર્ટથી ખાડી દેશો એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Planning Missile Attack On UAE : અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાને સાઉદી અરેબિયા અને ઓમાનને સંકેત આપ્યા છે કે, તે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને મોટા પાયે નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાકની અંદર UAE પર મિસાઇલ હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, વોલ સ્ટ્રીટ જર્નલના આ દાવા પર ઈરાન કે UAE તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
અમેરિકાએ ગ્લોબલ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું
બીજી તરફ, અમેરિકી વિદેશ વિભાગે મિડલ ઈસ્ટમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને જોતા ગ્લોબલ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે જણાવ્યું છે કે, આ ક્ષેત્રની સુરક્ષા સ્થિતિ અત્યંત જટિલ અને અસ્થિર બનેલી છે. વિશ્વભરમાં હાજર અમેરિકી નાગરિકો, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં રહેતા અથવા ત્યાંની યાત્રાનું આયોજન કરી રહેલા લોકોને વધારાની તકેદારી રાખવા અને સુરક્ષા સંબંધી સલાહનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ દરમિયાન અમેરિકાએ સતત 8મા દિવસે ઈરાનના ઘણા ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર કરવામાં આવેલી આ કાર્યવાહીઓનો હેતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)માં વ્યાવસાયિક જહાજો માટે ખતરો પેદા કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો અને અમેરિકી સૈનિકો પર થયેલા હુમલા માટે જવાબદાર ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ને નિશાન બનાવવાનો છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે પરસ્પર હુમલાના દાવા
ઈરાની મીડિયાનો દાવો છે કે, અમેરિકી સેનાએ શાદેગન, બંદર અબ્બાસ, કેશમ, હાજીયાબાદ અને સિરિક સહિતના ઘણા વિસ્તારોમાં બોમ્બમારો અને મિસાઇલ હુમલા કર્યા છે. બીજી તરફ, ઈરાને જોર્ડન અને કુવેતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોથી જવાબી હુમલો કરવાનો દાવો કર્યો છે. અહેવાલો અનુસાર, જોર્ડન સ્થિત અમેરિકી બેઝ પર થયેલા હુમલામાં 2 અમેરિકી સૈનિકોના મોત થયા છે, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા છે. જો કે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું છે કે, ઈરાન ઓમાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન નહીં કરે, પરંતુ હોર્મુઝ પર પોતાની સંપ્રભુતા કોઈપણ ભોગે જાળવી રાખશે. તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા સાથે કોઈ નવી વાતચીતની યોજના નથી. બીજી તરફ, ઈરાનના ટોચના નેતૃત્વ તરફથી પણ અમેરિકાને કડક ચેતવણી આપવામાં આવી છે. સુપ્રીમ લીડરના સલાહકાર મોહસિન રેઝાઈએ જણાવ્યું કે, જો અમેરિકી હુમલા આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે, તો ઈરાન પૂર્ણ આક્રમક અભિયાન શરૂ કરશે.
ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ કડક ચેતવણી આપતા કહ્યું કે, જો હુમલા ચાલુ રહેશે તો એવો જવાબ મળશે, જેને અમેરિકા ક્યારેય ભૂલી નહીં શકે. તેમણે કહ્યું કે, અમેરિકાએ આશરે 1 મહિના પહેલા થયેલા વચગાળાના કરારનું સન્માન કર્યું નથી, જે દર્શાવે છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સહીની હવે કોઈ કિંમત રહી નથી. અમેરિકાના સતત હુમલા અને ઈરાનની જવાબી કાર્યવાહી વચ્ચે આખા મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
ઈરાને જોર્ડન તરફ દાગી મિસાઇલો
ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે, ઈરાને પડોશી દેશ જોર્ડન તરફ મિસાઇલો દાગી છે, અને ચેતવણી આપી છે કે, આ હુમલાની આગ તેની સરહદો સુધી પણ પહોંચી શકે છે. IDF (Israel Defence Forces)એ રવિવારે જણાવ્યું હતું કે, લોકોને ઘણા અઠવાડિયા પછી પહેલીવાર એર રેડ સાયરન સંભળાઈ શકે છે. સેનાના જણાવ્યા અનુસાર, ઈરાને જોર્ડનના બંદર શહેર અકાબા (Aqaba)ની દિશામાં મિસાઇલો દાગી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા સાથે મળીને ઈઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલાની શરૂઆત કરી હતી. જો કે, અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરનો સંઘર્ષ ફરી ભડક્યા બાદ ઈઝરાયલે હાલ પૂરતી સીધી સૈન્ય કાર્યવાહીથી અંતર જાળવી રાખ્યું છે. ગયા અઠવાડિયે અમેરિકા સાથે યુદ્ધવિરામ તૂટ્યા બાદ ઈરાને પોતાના હુમલાનું ફોકસ ઈઝરાયેલના બદલે અમેરિકાના સહયોગી અખાતી દેશો અને જોર્ડન પર રાખ્યું છે. જો ઈરાન ઈઝરાયલી ક્ષેત્રને સીધું નિશાન બનાવે છે, તો તેનાથી વર્તમાન સંઘર્ષ વધુ વ્યાપક બની શકે છે, અને આખા ક્ષેત્રમાં યુદ્ધ ફેલાવાનો ખતરો વધી જશે.









