સાઉદીએ ક્રૂડના ભાવમાં 26 વર્ષનો સૌથી મોટો 11 ડોલરનો ઘટાડો કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એશિયાઈ દેશો માટે જ ભાવમાં જંગી ઘટાડો કરાયો
ખાડીયુદ્ધ ખતમ થવાના પગલે ખાડી દેશો વચ્ચે હવે બજારમાં ક્રૂડ ઓઇલનો જંગી પુરવઠો ઠાલવવાની હોડ લાગી
દુબઈ : અમેરિકા-ઇરાન યુદ્ધ અટકવાના લીધે મધ્યપૂર્વમાં શાંતિ સ્થપાતા અને હોર્મુઝમાં પુરવઠો પૂર્વવત્ થવા લાગતા ખાડી દેશો વચ્ચે તેમનું ક્રૂડ ઓઇલ વેચવા જંગી ડિસ્કાઉન્ટની હોડ લાગી છે. આના પગલે સાઉદી અરેબિયાની સરકારી કંપની અરામ્કોએ છેલ્લા ૨૬ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ ૧૧ ડોલરનો જંગી ઘટાડો કરતાં એશિયાઈ દેશો માટે ફક્ત ૧.૫૦ ડોલરના ભાવે ક્રૂડ વેચવાની જાહેરાત કરી છે.
અરબ લાઇટ ઓઇલ જુલાઈમાં પ્રતિ બેરલ ૧૨.૫૦ ડોલર છે, જેને સાઉદી અરેબિયા પહેલી ઓગસ્ટથી એશિયાઈ ખરીદદારો માટે પ્રતિ બેરલ ૧.૫૦ ડોલરના ભાવે વેચશે. આના પગલે ક્રૂડના ભાવમાં કડાકો બોલે તો પણ આશ્ચર્ય નહીં થાય. હાલમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૨ ડોલરની આસપાસ અને ડબલ્યુટીઆઈ ક્રૂડના ભાવ ૬૮ ડોલરની આસપાસ ચાલે છે.
આમ અરબ લાઇટ ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ આઠ ડોલરની અપેક્ષા કરતાં પણ વધુ મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ સ્થાપતા ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે અને તેના પગલે આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૭૦ ડોલરની આસપાસ રહે તેમ માનવામાં આવે છે.
ખાડીયુદ્ધના કારણે મધ્યપૂર્વના દેશોમાંથી આવતો ક્રૂડ ઓઇલનો પુરવઠો થંભી ગયો હતો અને તેના કારણે તેઓ એશિયન રિફાઇનરોને ગુમાવી દે તેવો ભય સર્જાયો હતો. આ સંજોગોમાં એક તબક્કે અરામ્કોએ રાસ તનુરા ખાતેથી નિકાસ શરૂ કરીને તેને યુદ્ધ પૂર્વેના ૯૦ ટકાના સ્તરે પહોચાડી દીધી હતી. યુદ્ધ પહેલા સાઉદી અરેબિયા રાસ તનુરા ખાતેથી જ નિકાસ કરતું હતું. યુદ્ધના પગલે અરામ્કોએ તેનો મોટાભાગનો ફ્લો રેડ સી ફેસિલિટી યાન્બુ ખાતે વાળ્યો હતો. ઓપેક પ્લસના ઉત્પાદક જૂથ સાઉદી અરેબિયા અને રશિયા બંને ઓગસ્ટમાં તેમના ઓઇલ ઉત્પાદન ક્વોટામાં સામાન્ય વધારો કરવા સંમત થયા છે. હોર્મુઝમાં યુદ્ધ ચાલતુ હતું ત્યારે પણ ઓપેક પ્લસ ગ્રૂપ પ્રતીકાત્મક વધારો કર્યો હતો અને તેના કારણે અખાતના દેશોમાં ઉત્પાદનની સંભાવના ઓછી રહી હતી.
અખાતના દેશો જેવા કે સાઉદી, ઇરાક અને કુવૈત તેમના ઉત્પાદનના ઊંચા ક્વોટાનો ઉપયોગ કરી શકશે અને તેમના ઉત્પાદનમાં વધારાનો નિર્ણય દર્શાવે છે કે ગુ્રપ તેના સભ્ય દેશોને બજારમાં ક્રૂડનો પુરવઠો ઠાલવતા નહીં અટકાવે. ઉલ્લેખનીય છે કે યુએઈ ઓપેકમાંથી નીકળી ગયું છે. તેથી ક્રૂડના ઉત્પાદનને લઈને તે તેની જરુરિયાત મુજબ નિર્ણય લઈ શકે છે. તેને કોઈ ક્વોટા લાગુ પડતો નથી.
ભારતની સાઉદીમાંથી ક્રૂડ ઓઇલની આયાત
- ૨૦૨૪ના આખા વર્ષમાં ભારતે સાઉદી અરેબિયા પાસેથી ૧૯.૬૧ અબજ ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી
- ભારતે ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં સાઉદી અરેબિયા પાસેથી ૩૦.૧૨ અબજ ડોલરનું ૩૩.૧૪ એમએમટી ક્રૂડ ઓઇલ આયાત કર્યુ
- ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતની આયાત ૨.૫૯ અબજ ડોલરની રહી છે









