Get The App

યુદ્ધ વચ્ચે જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીને ફોન ઘુમાવ્યો, કયા મુદ્દે થઈ વાત?

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ વચ્ચે જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીને ફોન ઘુમાવ્યો, કયા મુદ્દે થઈ વાત? 1 - image


S Jaishankar talks to Iranian FM Abbas Araghchi : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ અને મિડલ ઈસ્ટમાં યુદ્ધની ગંભીર સ્થિતિ વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ સંકટમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને ઊર્જા સુરક્ષા (Energy Security) તેની ટોચની પ્રાથમિકતા છે.

વિદેશ મંત્રીઓની ત્રીજી વખત વાતચીત 

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે કે તેમણે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ચાલી રહેલા સંઘર્ષના લેટેસ્ટ ડેવલપમેન્ટ વિશે વિગતવાર ચર્ચા કરી છે. બંને નેતાઓ સતત સંપર્કમાં રહેવા માટે સંમત થયા છે. નોંધનીય છે કે યુદ્ધ શરૂ થયા બાદ બંને મંત્રીઓ વચ્ચે આ ત્રીજી વાતચીત છે. આ પહેલા 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે પણ બંને વચ્ચે ચર્ચા થઈ હતી.

સંસદમાં જયશંકરનું નિવેદન: ભારતનો થ્રી-પોઈન્ટ મેસેજ

સોમવારે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નિવેદન આપતા એસ. જયશંકરે સ્વીકાર્યું હતું કે ઈરાનમાં નેતૃત્વના સ્તરે સંપર્ક કરવો અત્યારે મુશ્કેલ છે કારણ કે લડાઈ દરમિયાન ઈરાનના અનેક ઉચ્ચ નેતાઓના મોત થયા છે. તેમણે ભારત સરકારના ત્રણ મહત્વના સંદેશા રજૂ કર્યા. 

1. ભારત શાંતિ અને સંવાદ (Dialogue) ના પક્ષમાં છે.

2. ભારતીય સમુદાય (Indian Diaspora) ની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે.

3. ભારત માટે ઉર્જા સુરક્ષા (Energy Security) સર્વોપરી છે.

ભારતીય નાગરિકોનું રેસ્ક્યુ અને મદદ

જયશંકરે માહિતી આપી હતી કે યુદ્ધ શરૂ થયા બાદ લડાઈવાળા વિસ્તારોમાંથી આશરે 67000 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે પરત ફર્યા છે. આ ઉપરાંત, માનવીય અભિગમ અપનાવીને ભારતે 28 ફેબ્રુઆરીએ ઈરાની પક્ષની વિનંતી પર ત્રણ જહાજોને ભારતીય બંદરો પર ડોક કરવાની મંજૂરી આપી હતી, જે 1 માર્ચે અમલમાં આવી હતી.

અમેરિકાને ઈરાનનો જવાબ

બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી એ અમેરિકન પ્રમુખડોનાલ્ડ ટ્રમ્પને કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું છે કે અમારો સુપ્રીમ લીડર કોણ હશે તે નક્કી કરવાનું કામ અમેરિકાનું નથી. આ નિવેદન ટ્રમ્પની તે ધમકી બાદ આવ્યું છે જેમાં તેમણે ઈરાનના નવા નેતૃત્વને માન્યતા આપવા અંગે સવાલ ઉઠાવ્યા હતા.