Get The App

રશિયાએ યુક્રેનમાં 2000 ડ્રોનથી કચ્ચરઘાણ કાઢ્યો

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
રશિયાએ યુક્રેનમાં 2000 ડ્રોનથી કચ્ચરઘાણ કાઢ્યો 1 - image

- સતત ત્રીજા દિવસે હુમલો : પાટનગર કિવમાં 18 ઈમારતો તોડી પાડી : સાતનાં મોત, 300ને ઈજા

- રશિયાએ બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો છોડીને યુક્રેનના 180 સ્થળોમાં વિનાશ વેર્યો, 50૦ ઈમારતો ધરાશાયી : ઝેલેન્સ્કી

- રશિયાના 700 ડ્રોન, 50 મિસાઈલો તોડી પાડયાનો યુક્રેન એરફોર્સનો દાવો : યુક્રેનમાં અનેક વીજમથકો ધ્વસ્ત થતાં અંધારપટ

કિવ: રશિયાએ યુક્રેન પર સતત ત્રીજા દિવસે ભયાનક હુમલા શરૂ રાખ્યા હતા. રશિયન આર્મીએ લગભગ ૨૦૦૦ જેટલા ડ્રોન અને મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. તેનાથી યુક્રેનમાં ભારે ખુંવારી થઈ હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી થયેલા સૌથી ભયાનક હુમલામાં આનો સમાવેશ થાય છે. આ હુમલામાં પાટનગરની ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. એ રેસિડેન્શિયલ ઈમારતોમાં રહેતા ૨૦ લોકો હજુય લાપતા છે.

રશિયા-યુક્રેન યુદ્ધ છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહ્યું છે. છેલ્લાં ત્રણ દિવસથી રશિયાએ નવેસરથી ભીષણ હુમલા શરૂ કર્યા છે. પાટનગર કીવમાં ૧૮ ઈમારતો પર ડ્રોનથી હુમલો થયો હતો એમાં સાત લોકોનાં મોત થયા હતા. ૨૭ને ગંભીર ઈજા પહોંચી હતી. 

કાટમાળમાંથી ૨૨ લોકોને બહાર કાઢીને બચાવાયા હતા, પરંતુ હજુય રેસિડેન્સીમાં રહેતા ૨૦ જેટલા લોકોની કોઈ ભાળ મળી નથી.

 મૃત્યુઆંક વધે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સ્વીકાર્યું હતું કે લગભગ ૨૦૦૦ જેટલા ડ્રોનથી ભયાનક હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેનના ૧૮૦ સ્થળોને નિશાન બનાવાયા હતા. એમાં ૫૦ તો રેસિડેન્શિયલ ઈમારતોનો સમાવેશ થતો હતો. કેટલાય ઉર્જા મથકો પર હુમલા થતાં યુક્રેનના કેટલાય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સેંકડો લોકો અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યા છે. બ્રિટિશ ડિફેન્સ મંત્રીએ આ હુમલા પછી કહ્યું હતું કે આ ખૂબ આઘાતજનક છે. કારણ કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

યુક્રેન એરફોર્સના અધિકારીઓએ કહ્યું હતું કે હુમલો કેટલો ભયાનક હશે તેનો અંદાજ આ વાત પરથી આવશે. યુક્રેનના એરફોર્સે ડિફેન્સ સિસ્ટમની મદદથી ૭૦૦ ડ્રોન અને ૫૦ જેટલી મિસાઈલો તોડી પાડી હતી અથવા તો જામ કરી દીધી હતી. રશિયાના ૭૦૦ જેટલા ટાર્ગેટને એક જ રાતમાં તોડી પડાયા કે જામ કરાયા હતા. તેમ છતાં દેશમાં મોટી ખાનાખરાબી થઈ હતી.

બીજી તરફ હંગેરીની સરકારે રશિયન રાજદૂતને સમન્સ પાઠવ્યું હતું. રશિયાના ડ્રોનથી હંગેરીની સરહદ પાસે હુમલા થયા હતા. એ સંદર્ભમાં ખુલાસો પૂછાયો હતો. 

હંગેરીમાં સત્તા પરિવર્તન થયું પછી પહેલી વખત નવા પ્રમુખ પીટર માગ્યારે રશિયા સામે સવાલો ઉઠાવ્યા હતા. પૂર્વ પ્રમુખ વિક્ટર ઓર્બાનને પુતિન સાથે ગાઢ સંબંધો હતા. તાજેતરની ચૂંટણીમાં વિક્ટરનો પરાજય થયો હતો.