Russia Offers to Mediate After US-Iran Talks Fail in Pakistan : પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની શાંતિ મંત્રણા કોઈ પણ પરિણામ વગર પૂરી થયા બાદ હવે રશિયા મેદાનમાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરીને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે.
રશિયા મધ્યસ્થી કરશે તો અમેરિકા માટે મુશ્કેલી?
ક્રેમલિનના જણાવ્યા અનુસાર, પુતિને સંઘર્ષના રાજકીય અને રાજદ્વારી ઉકેલ માટે વધુ સહયોગ આપવાની તૈયારી બતાવી છે. રશિયા ઈચ્છે છે કે આ વિસ્તારમાં કાયમી શાંતિ સ્થપાય. નિષ્ણાતો માને છે કે જો રશિયા મધ્યસ્થી કરે તો અમેરિકા માટે સ્થિતિ વધુ જટિલ બની શકે છે.
સમાચાર એજન્સી ઈન્ટરફેક્સના અહેવાલમાં દાવો કરાયો છે કે પુતિને ઈરાનના રાષ્ટ્રપતિને ટેલિફોનિક વાતચીતમાં રશિયા મધ્યસ્થી બને તેવી ઓફર કરી છે. જોકે રશિયા મધ્યસ્થી કરશે કે નહીં તે અંગે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
યુકેના વડાપ્રધાને કહ્યું- બંને દેશો નિરાકરણ લાવે
જ્યારે યુનાઈટેડ કિંગ્ડમે મંત્રણા નિષ્ફળ રહેવાને ‘નિરાશાજનક’ ગણાવી છે, ત્યારે યુરોપિયન યુનિયને કૂટનીતિ પર ભાર મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ પણ તાત્કાલિક યુદ્ધવિરામ અને ફરીથી વાતચીત શરૂ કરવા અપીલ કરી છે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો છે કે તેમની સરકાર ભવિષ્યમાં પણ બંને દેશો વચ્ચે સંવાદ વધારવામાં ભૂમિકા ભજવતી રહેશે.


