'ટૂંક સમયમાં પરિણામો દેખાશે...', ઈરાન સાથેના યુદ્ધ અંગે ટ્રમ્પનું અમેરિકન્સને સંબોધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Hints Major Progress in Iran Conflict: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે ઈરાન અંગે એક મોટો અને મહત્ત્વનો સંકેત આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન વિરૂદ્ધ અમેરિકાની વ્યૂહનીતિ સફળતાપૂર્વક આગળ વધી રહી છે અને સમગ્ર વિશ્વ ખૂબ જ ટૂંક સમયમાં તેના પરિણામો જોશે. જોકે, તેમના આ સંબોધન દરમિયાન ટ્રમ્પે કોઈ ચોક્કસ લશ્કરી, રાજદ્વારી કે વ્યૂહાત્મક પગલાંઓનો ખુલાસો કર્યો નહોતો.
'અમેરિકા પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેના'
અમેરિકન સૈન્ય તાકાતનો ઉલ્લેખ કરતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'અમેરિકા હાલમાં પોતાની સેનામાં રેકોર્ડબ્રેક રોકાણ કરી રહ્યું છે, જેના કારણે આજે આપણી પાસે વિશ્વની સૌથી શક્તિશાળી લશ્કરી શક્તિ છે. મેં મારા પહેલા કાર્યકાળ દરમિયાન જ અમેરિકન સેનાને અત્યંત મજબૂત બનાવી દીધી હતી અને હવે તે ક્ષમતાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે ઈરાન મોરચે મોટી જીત તરફ આગળ વધી રહ્યા છીએ અને ખૂબ જ ટૂંક સમયમાં આપણી આ મહેનતનું પરિણામ આખી દુનિયા સામે હશે.'
વેનેઝુએલામાં મળેલી સફળતાનો આપ્યો હવાલો
રાષ્ટ્રને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની વિદેશ નીતિની સફળતાઓ ગણાવતા વેનેઝુએલાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે અમેરિકાએ વેનેઝુએલામાં મોટી સફળતા મેળવી છે, જેના પરિણામે હવે ત્યાંની સરકાર લાખો બેરલ તેલના ઉત્પાદન અને સપ્લાય ક્ષેત્રે અમેરિકાને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
ઈરાન અંગે રહસ્ય અકબંધ
વેનેઝુએલાની જેમ જ ઈરાન મામલે પણ અમેરિકા સાચી દિશામાં આગળ વધી રહ્યું હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું. જોકે, તેમણે ઈરાન વિરૂદ્ધ કોઈ નવા સૈન્ય ઓપરેશન, આર્થિક પ્રતિબંધો કે વાટાઘાટો અંગેની કોઈ સ્પષ્ટ જાહેરાત ન કરીને આ વ્યૂહનીતિ પર રહસ્ય યથાવત રાખ્યું છે. વિશ્લેષકો આ સંબોધનને આગામી સમયમાં ઈરાન પર વધનારા દબાણના સંકેત તરીકે જોઈ રહ્યા છે.









