- સંશોધન ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રખડકોની પસંદગી માટે મહત્વપૂર્ણ
- ચંદ્રના પેટાળમાં અબજો વર્ષ પૂર્વે મોજૂદ લાવામાં વિવિધ ગલન બિંદુએ વિવિધ પ્રકારના ખડકોની રચના થઇ છે
નવી દિલ્હી : ચંદ્રની ધરતીમાં કેવા રહસ્યો ધરબાયેલાં છે તેના વિશે સંશોધન કરતી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-આઇઆઇટી-ખડગપુર અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી-પીઆરએલના સંશોધકોની ટીમે એક મહત્વપૂર્ણ શોધમાં ચંદ્રના પેટાળમાં ધરબાયેલાં આયર્ન અને ટાઇટેનિયમથી સમૃદ્ધ ખડકો કેવી રીતે રચાયા હશે તેનું રહસ્ય શોધી કાઢ્યું છે. સંશોધકોની ટીમે લેબોરેટરીમાં ચંદ્રના પેટાળની સ્થિતિ સર્જી આ ખડકોની રચના સમજવા વિવિધ પ્રયોગો કર્યા હતા. આ સંશોધનના તારણો આગામી ચંદ્રયાન-૪ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.
મુખ્ય સંશોધક પ્રોફેસર સુજોય ઘોષની આગેવાની હેઠળ કરવામાં આવેલાં આ સંશોધનના તારણો જિયોચિમિકા એટ કોસ્મોચિમિકા એક્ટા નામની જર્નલમાં પ્રકાશિત થયા છે. ઘોષે જણાવ્યું હતું કે લેબોરેટરીમાં કરવામાં આવેલાં પ્રયોગોના પરિણામો ચંદ્રના ખડકોની ઉત્પતિ અને રચના સમજવામાં મહત્વપૂર્ણ નીવડશે. ભાવિ મિશનોમાં ચંદ્રના કેવા ખડકોની નમૂના લેવા માટે પસંદગી કરવી તેમાં આ પ્રકારના સંશોધનકાર્ય મહત્વપૂર્ણ બની રહેશે.
આ સંશોધનનું એક મહત્વનું તારણ એ છે કે વિવિધ ગલન સ્થિતિએ વિવિધ પ્રકારના ચંદ્ર લાવાની રચના થઇ હશે. આ પ્રયોગો અનુસાર ઉંચા તાપમાને મધ્યમ પ્રમાણમાં ટાઇટેનિયમ ધરાવતાં ખડકો પીગળી જઇ ઇન્ટરમિજિયેટ ટીઆઇ બસાલ્ટની રચના કરે છે. જ્યારે નીચા તાપમાને ખૂબ પ્રમાણમાં ટાઇટેનિયમ ધરાવતાં ખડકો પ્રથમ પીગળી ટાઇટેનિયમ સમૃદ્ધ પણ ઓછું મેગ્નેશિયમ ધરાવતાં ખડકોની રચના કરે છે. ભૂતકાળના મિશનોમાં ટીઆઇ બસાલ્ટનું વધુ પ્રમાણ ધરાવતાં ખડકો મળ્યા હતા તેના મૂળમાં આ સંકુલ પ્રક્રિયા રહેલી છે. આ અભ્યાસમાં મેગ્મા એટલે કે ચંદ્રના લાવા પર પેટાળમાં શું પ્રક્રિયા થતી હશે તેની પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.ઓછું દબાણ હોય ત્યારે આ ખડકો સપાટી પર આવી જ્વાળામુખીની પ્રક્રિયામાં સામેલ થઇ જાય છે.એ જ રીતે દબાણ વધારે હોય ત્યારે આ ખડકો પાછા ચંદ્રના પેટાળમાં ખૂંપી જાય છે. જે દર્શાવે છે કે સમગ્ર આંતરિક રચના ઉપરતળે થતી હશે જેને મેન્ટલ ઓવરટર્ન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાચીન ખડકોની રચના સમજવા પ્રયોગશાળામાં તેની પર ત્રણ ગીગાપાસ્કલનું દબાણ આપવામાં આવ્યું હતું તથા તેને પીગાળવા ૧૫૦૦એ સન્ટિગ્રેડના તાપમાને ગરમ કરવામાં આવ્યા હતા. જેમાંથી મેગ્મા પેદાં થયો હતો.
આ ઇલ્મેનાઇટ બેરિંગ ક્યુમ્યુલેટ્સ-આઇબીસી- ૪.૩થી ૪.૪ અબજ વર્ષ અગાઉ રચાયા હશે. આ મેગ્મા ઠંડો પડી ચંદ્રના પેટાળમાં ઘનખનિજ પટ્ટાની રચના થઇ હશે. જેમાં ચંદ્રની ઉત્ક્રાંતિના રહસ્યો જળવાયા હશે.
આ સંશોધન ચંદ્રની રચનાના રહસ્યો ખોલે છે તથા તેની ભારતની ભાવિ ચંદ્ર યોજનાઓ પર પણ તેની વ્યાપક અસર પડશે. આ દાયકાના અંત સુધીમાં ચંદ્રયાન ૪ મિશન ચંદ્ર પરથી ખડકોના નમૂના લઇને પરત આવવાનું છે ત્યારે ચંદ્રના ખડકોની રચના વિશેની સમજણ લેન્ડિંગ સાઇટની પસંદગી કરવામાં અને તેના દ્વારા એકત્ર કરવામાં આવેલાં નમૂનાઓનું અર્થઘટન કરવામાં મહત્વની બની રહેશે. વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર આ સંશોધનચંદ્રની સપાટી પરથી મૂલ્યવાન સામગ્રી ઓળખવામાં અને મિશનના આયોજનમાં માર્ગદર્શન પુરૂ પાડશે.
પ્રોફેસર સુજોય ઘોષે જણાવ્યું હતું કે અમે ચંદ્રના પેટાળમાં આકાર લેતાં ટાઇટેનિયમ સમૃદ્ધ મેગ્મા કેવી રીતે સપાટી પર પહોંચે છે તે સમજવાનો પ્રયાસ કરીએ છીએ.
આ મહત્વનું સંશોધન છે કેમ કે જ્યારે ચંદ્રના ખડકો લાવવામાં આવશે ત્યારે આપણે તેની રચના ક્યાં અને ક્ેવી રીતે થઇ છે તે સમજી ચંદ્રનો ઇતિહાસ ઉકેલવાનો રહેશે. ચંદ્રયાન ૪ ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર પર્વતાળ પ્રદેશની નજીક ઉતરી શકે છે.ઇસરોના સંશોધકોના જણાવ્યા અનુસાર ચંદ્ર પર ઉતરાણ માટે આ સૌથી સલામત અને મૂલ્યવાન સ્થળ છે.


